ચંદની પડવાની સાંજે અનેક વિસ્તારમાં અચાનક ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે સુરતીઓની ચિંતા વઘારી
Surat Rain Update : તહેવારોની ઉજવણી માટે અગ્રેસર સુરતીઓ માટે ચંદની પડવાનો તહેવાર પોતીકો તહેવાર છે. આ તહેવારની ઉજવણી સુરતીઓ કોઈ કચાસ છોડતા નથી પરંતુ આ વર્ષે સુરતીઓની ચંદની પડવા માટે વરસાદ વિલન બની રહ્યો છે. આજે મોડી સાંજે અચાનક જ શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં ઉજવણી માટે તૈયારી કરતાં સુરતીઓની ચિંતા વધી છે. જોકે, મોડી સાંજ સુધી વરસાદ છે અને રાત્રીના સમયે પણ વરસાદ રહે તો કઈ રીતે ઉજવણી કરવી તેનું પ્લાનિંગ સુરતીઓ કરી રહ્યાં છે
મોંઘવારીને ભુલીને સુરતીઓ ચંદની પડવાની ઉજવણી માટે ઉતાવળા બન્યા છે. કેટલાક લોકોએ તો ચંદની પડવાની ઉજવણી માટે ફાર્મ હાઉસ કે અન્ય કોઈ જગ્યાએ બુકીંગ પણ કરાવી દીધું છે. જોકે, સુરતીઓ આ દિવસે ચાંદની રાતમાં ખુલ્લા આકાશમાં ફુટપાથથી માંડીને ગાર્ડન કે પ્લોટમાં ચંદની પડવો ઉજવવો વધુ પસંદ કરે છે. આ દિવસે સુરતીઓ ઘારી ભુસા સાથે ફરસાણ અને વેજ નોનવેજ પાર્ટીઓ પણ યોજે છે.
સુરતીઓએ ચંદની પડવા માટે આગોતરી તૈયારી કરી છે પરંતુ તેમાં વરસાદ વિલન ની ભૂમિકામાં આવી ગયો છે. આજે મોડી સાંજે શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તુટી પડ્યો છે. ફૂટપાથ અને ખુલ્લી જગ્યામાં ચંદની પડવાની મીજબાની માટે પ્લાન બનાવનારા સુરતીઓની ચિંતા આ વરસાદે વઘારી દીધી છે. સુરતીઓ સાથે સાથે આજના દિવસે ફરસાણનું ધૂમ વેચાણ થતું હોવાથી મોટી માત્રામાં ફરસાણ બનાવનારા વેપારીઓનું ટેન્શન પણ વધ્યું છે.
મોડી સાંજ સુધી વરસાદનું વાતાવરણ જોવા મળ્યું છે તેથી ફુટપાથ કે ખુલ્લી જગ્યામાં ચંદની પડવાની ઉજવણી માટે આયોજન કરનારા લોકોએ બિલ્ડીંગ પાર્કિંગ કે રિસેપ્શન એરિયામાં આયોજનનું વિચારી લીધું છે. જો વરસાદ ઓછો રહે કે બંધ થઈ જાય તો આવા વાતાવરણમાં પણ સુરતીઓએ ફુટપાથ અને ખુલ્લી જગ્યામાં પાર્ટી મનાવવા માટે મન બનાવી લીધું છે.