Get The App

સચિન-કપ્લેથા નજીક સાઇડ આપવાના મુદ્દે એસ.ટી બસના ડ્રાઇવર ઉપર હુમલો

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
સચિન-કપ્લેથા નજીક સાઇડ આપવાના મુદ્દે એસ.ટી બસના ડ્રાઇવર ઉપર હુમલો 1 - image


- સાઇડ આપવા બસ ચાલકે હોર્ન મારતા બાઇક સવારે ફિલ્મી સ્ટાઇલે બસ આંતરી હુમલો કર્યોઃ તેના કાર ચાલક મિત્રએ પણ સાથ આપતા ત્રણેય જેલ ભેગા કરાયા


સુરત


વલસાડ ડેપોની વલસાડ-સુરત રૂટની એસ.ટી બસને સચિન-કપ્લેથા પાસે સાઇડ આપવાના મુદ્દે બાઇક સવારે ફિલ્મી સ્ટાઇલમાં બસ અટકાવી ડ્રાઇવરને બેરહમી પૂર્વક માર મારતા મામલો સચિન પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે બસ ડ્રાઇવર હુમલો કરનાર બાઇક સવાર બે અને તેના મિત્ર સહિત ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

સચિન-કપ્લેથા નજીક સાઇડ આપવાના મુદ્દે એસ.ટી બસના ડ્રાઇવર ઉપર હુમલો 2 - image
ગુજરાત એસ.ટી વિભાગના વલસાડ એસ.ટી ડેપોમાં નોકરી કરતા ડ્રાઇવર અશ્વીન ભરત પટેલ (ઉ.વ. 40 રહે. મંદિર ફળીયું, સેગવા, વલસાડ) આજે સવારે રાબેતા મુજબ વલસાડથી સુરત રૂટની બસ નં. જીજે-18 ઝેડટી-0146 લઇ સુરત આવી રહ્યા હતા. બસ નવસારીથી સુરત તરફ આવી રહી હતી ત્યારે કપ્લેથા ગામ પાસે બસની આગળ બાઇક સવાર બે યુવાન જઇ રહ્યા હતા. સાઇડ આપવા બસ ડ્રાઇવર અશ્વીને બસનો હોર્ન માર્યો હતો પરંતુ બાઇક ચાલકે સાઇડ આપી ન હતી અને ડ્રાઇવર તરફ ગુસ્સા ભરી નજરથી જોઇ ગાળો આપી રસ્તાની વચ્ચે પોતાની મરજીથી બાઇક હંકારી રહ્યા હતા. દરમિયાનમાં રસ્તામાં તુલસી હોટલ નજીક બસન આગળ ફિલ્મી સ્ટાઇલમાં બાઇક ઉભી રાખી બસ અટકાવી હતી અને ડ્રાઇવર કેબીનનો દરવાજો ખોલી અશ્વીનને બહાર ખેંચી ઝપાઝપી કરી ઢીક-મુક્કીનો માર માર્યો હતો. આ અરસામાં બાઇક સવારનો પરિચીત ઇકો કાર લઇ ત્યાંથી પસાર થતો હતો તે પણ ઉભો રહ્યો હતો અને તેણે પણ ડ્રાઇવર અશ્વીનને માર માર્યો હતો. જેથી કંડક્ટર મમતાબેન પટેલ (ઉ.વ. 37) ઉપરાંત બસના મુસાફરોએ અશ્વીનને બચાવ્યો હતો. ઘટનાને પગલે લોકોનું ટોળું એક્ઠું થઇ ગયું હતું અને કંટ્રોલ રૂમને જાણ કરતા સચિન પોલીસ ઘસી આવી હતી. પોલીસે ડ્રાઇવરને માર મારનાર બાઇક સવાર પરસોત્તમ ઉર્ફે સમાધાન ભગવાન પાટીલ (ઉ.વ. 32) અને સોપાન પંઢરીનાથ કટલક (ઉ.વ. 36 બંને રહે. પોસડા, તા. મરોલી, નવસારી) અને મિલીંદ પ્રવિણ જય્સવાલ (ઉ.વ. 32 રહે. શુભવિલા રેસીડન્સી, મરોલી, નવસારી) વિરૂધ્ધ સરકારી કર્મચારી ઉપર હુમલાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.


Google NewsGoogle News