મોટા વરાછામાં ખેતરાળી રસ્તામાં દંપતીને આંતરી ચપ્પુની અણીએ રૂ. 88 હજારની લૂંટ
- મોપેડ પર ઘરે જઇ રહ્યું હતું ત્યારે ફિલ્મી સ્ટાઇલમાં બાઇક સવાર લૂંટારૂઓએ અટકાવ્યા હતાઃ ચેઇન, રોકડ અને બે મોબાઇલની લૂંટ
સુરત
મોટા વરાછાના શેરોટન ટાવરથી આનંદધારા સોસાયટી જવાના ખેતરાળી રસ્તા પરથી પસાર થઇ રહેલા દંપતીના મોપેડના ફિલ્મી સ્ટાઇલમાં બાઇક સવાર બે લૂંટારૂઓએ આંતરી ચપ્પુની અણીએ બાનમાં લઇ સોનાની ચેઇન, રોકડ અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 88 હજારની મત્તા લૂંટીને ભાગી ગયા હતા.
મોટા વરાછાની શીવધારા રેસીડન્સીમાં રહેતો ભાર્ગવ ખીમજી ઘોરી (ઉ.વ. 32 મૂળ રહે. ભળી ભંડારીયા, જી. ભાવનગર) વેસુ વીઆઇપી રોડ સ્થિત અવધ એરેનામાં એલીવેશનનો ધંધો કરે છે. ગત રાતે 8 વાગ્યાના અરસામાં ભાર્ગવ અને તેની પત્ની રક્ષા મોપેડ પર ઘર નજીક રીંગરોડ પર બેસવા ગયા હતા. જયાંથી 8.30 વાગ્યાના અરસામાં ભાર્ગવ પત્ની સાથે પરત ઘરે જવા નીકળ્યા હતા.
ત્યારે સેરોટન ટાવરથી આનંદધારા સોસાયટી જવાના ખેતરાળી રસ્તા પરથી તેઓ પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન બાઇક ઉપર બે લૂંટારૂ ઘસી આવ્યા હતા અને ફિલ્મી સ્ટાઇલમાં મોપેડની આગળ બાઇકની આડશ કરી મોપેડ ઉભું રાખ્યું હતું. બાઇક સવાર બંને લૂંટારૂઓએ ચપ્પુ વડે બાનમાં લઇ તુમ્હારે પાસ જો ભી હૈ વો નિકાલ કે દેદો, વરના માર ડાલુગાં એવી ધમકી આપી ભાર્ગવે ગળામાં પહેરેલી સોનાની 13 ગ્રામની ચેઇન, રોકડા રૂ. 15 હજાર અને બંનેના મોબાઇલ ફોન મળી કુલ રૂ. 88 હજારની મત્તા લૂંટીને ભાગી ગયા હતા. ઘટના અંગે ભાર્ગવે કંટ્રોલ રૂમમાં ફોન કરતા ઉત્રાણ પોલીસ તુરંત જ ઘસી ગઇ હતી અને ગુનો નોંધી લૂંટારૂઓનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.