સુરતના આ મંદિરમાં સાતમના દિવસે ભક્તોને મળે છે કોરડાનો પ્રસાદ, છેલ્લા 200 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ
Surat Navratri Special : હાલ ચાલી રહેલા નવરાત્રિના તહેવારમાં સુરત સહિત વિશ્વમાં અનેક જગ્યાએ માતાજીને પ્રસન્ન કરવા માટે જુદી-જુદી રીતે આરાધના કરવામાં આવી રહી છે. તેમાં પણ સુરતમાં નવરાત્રિ દરમિયાન માતાજીની અનોખી આરાધના કરવામાં આવી રહી છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોરબાઈ માતાના મંદિરે સાતમના દિવસે ભક્તોને કોરડાનો પ્રસાદ આપવામાં આવે છે.
આ મંદિરમાં છેલ્લા 200 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે. અહીં સાતમના દિવસે કોરડાનો પ્રસાદ ખાવા માટે ભક્તોની પડાપડી થાય છે. વર્ષ દરમિયાન કરેલી ભૂલના પ્રાયશ્ચિત માટે ગોરબાઈ માતાનો કોરડાનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે તેને લઈ ભક્તો ધન્યતા અનુભવે છે.
સુરત ગોપીપુરા મોટી છીપવાડ વિસ્તારમાં વર્ષો જૂનું ગોર બાઈમાતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં છેલ્લી બે સદીથી સાતમના દિવસે ભક્તોને કોરડાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. પ્રસાદનું મહત્ત્વ સમજાવતા મંદિરના પૂજારી કહે છે શ્રદ્ધાળુઓને ગોરમાતા પ્રત્યે ભારે શ્રદ્ધા છે. લોકો જાણે અજાણ્યે વર્ષ દરમિયાન ભૂલ કરતાં હોય તેના પ્રાયશ્ચિત રૂપે અહીં કોરડાનો પ્રસાદ લેવા માટે આવે છે. તો કેટલાક ભક્તો પોતાની માનતા પૂરી થાય તો માતાજીના કોરડા પ્રસાદ લેશે તેવી માનતા લે છે અને તે માનતા પૂરી થતાં સાતમના દિવસે માતાજીના મંદિરે આવીને કોરડાનો પ્રસાદ ગ્રહણ કરે છે. સાતમની રાત્રે માતાજીના મંદિરમાં પૂજા બાદ દૂર-દૂરના વિસ્તારમાંથી કોરડાના પ્રસાદ માટે ભક્તો આવી રહ્યા છે.
કોરડાનો પ્રસાદ લેનાર ભક્તો કહે છે, આ પ્રસાદને કારણે માતાજીની મહેર થાય છે અને તેમણે જાણ્યે અજાણ્યે કરેલા પાપ દૂર થાય છે અને તેના કારણે માનસિક શાંતિ પણ મળે છે. નવરાત્રિ દરમિયાન માતાજીને મીઠાઈ શ્રીફળનો પ્રસાદ ચઢાવવામાં આવે છે પરંતુ આ મંદિરે વડી અને સુવાડીના પ્રસાદ સાથે કોરડાનો પ્રસાદ આપવામાં આવે છે. આવા પ્રસાદને કારણે ગોરબાઈ માતાનું મહત્ત્વ બે સદી છતાં પણ યથાવત રહ્યું છે.
પુત્ર પ્રાપ્તિ માટે ખંડના પ્રસાદનું મહત્વ
ગોરબાઈ માતાના મંદિરે કોરડાનો પ્રસાદ સાથે ખંડના પ્રસાદનું પણ ઘણું જ મહત્ત્વ રહેલું છે. બે સદીથી ખંડનો પ્રસાદ સંતાન પ્રાપ્તિ માટે હોવાની વાયકા છે અને તેને હજી પણ લોકો માની રહ્યા છે. જેમને સંતાન નથી થતું તેવા દંપતી અહીં આવે છે અને બાધા રાખી ખડ ખાય છે તેમના ઘરે બીજા વર્ષે પારણું બંધાય છે. જો કે, પારણું બંધાય તેવા દંપતી પોતાની બાધા છોડવા માટે પણ આવતા હોય છે. આ દિવસની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. જેમના ઘરે સંતાન થયું હોય તેવા દંપતી પોતાના બાળકને મંદિરે દર્શન કરાવવા લઈને આવે છે. હાલ ડિજિટલ યુગમાં પણ આ પરંપરા જોવા મળે છે તે માતાજી પ્રત્યેની લોકોની અતૂટ શ્રદ્ધાનું પ્રમાણ આપે છે.