જમીનનો સોદો નક્કી કરી ૮૭ લાખ પડાવી લેતા ફરિયાદ
રૃપિયાની પરત ચૂકવણી પેટે આપેલા ચેક રિટર્ન થયા
વડોદરા,દંતેશ્વરની જમીનનો સોદો કરી ૮૭ લાખ લઇ દસ્તાવેજ નહીં કરી આપી છેતરપિંડી કરનાર સામે બિલ્ડરે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાસણા ભાયલી રોડ બ્રાઇટ સ્કૂલની પાછલ સ્પ્રિંગ રીટ - ૨ માં રહેતા ભાવેશભાઇ વલ્લભભાઇ ડોબરીયાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું વડોદરામાં રૃદ્ર કન્સટ્રક્શનના નામે ધંધો કરૃં છું. મારા ભાગીદારોમાં મારા ભાઇ ઘનશ્યામ ડોબરીયા, ઘનશ્યામ પદમાણી તથા સંદિપ પાનસુરિયા છે. વર્ષ - ૨૦૨૧ માં મારા મિત્ર જીજ્ઞોશ વસોયા સાથે જમીન લે - વેચનો ધંધો કરતા રાજેશ અરવિંદભાઇ પટેલ ( રહે.શ્રી બંગ્લોઝ, કુબેરેશ્વર રોડ, વાઘોડિયા રોડ) નો પરિચય થયો હતો. તેમણે મને જણાવ્યું હતું કે, દંતેશ્વરમાં ગણોતધારા કલમ ૪૩ ની જમીન મારી માલિકીની છે. જમીનના મૂળ ખેડૂતોએ મને એમ.ઓ.યુ.કરી આપ્યું છે.જે મિલકત સુપ્રીમ કોર્ટમાં ક્લિયર કરવાની તજવીજ ચાલુ છે. આ મિલકત બાબતે જરૃરી પરવાનગી મેળવી જમીન બિનખેતીમાં તબદિલ કરાવી બે મહિનામાં ખેડૂતો મારફતે વેચાણ દસ્તાવેજ કરી આપીશ.તેમના પર ભરોસો રાખી જમીન વેચાણના એડવાન્સ પેટે ૮૭ લાખ આપ્યા હતા. પરંતુ, તેઓ કોઇ કાર્યવાહી કરતા નહીં હોવાથી અમે રૃપિયાની પરત માંગણી કરતા તેઓએ આપેલા ચેક રિટર્ન થયા હતા. તેઓએ મિલકતના વળતર સાથેના રૃપિયા આપવાનું કહીને આપ્યા નહતા.