પાદરાના ચોકારી ગામે હત્યા બાદ વૃદ્ધનું માથું ખેતરમાંથી મળ્યું
ઘરમાંથી ધડ જ મળ્યું હતું : હત્યારાઓને શોધવા પોલીસની ટીમો કામે લાગી
પાદરા.પાદરા તાલુકાના ચોકારી ગામે એક વૃધ્ધ ખેડૂતની બેરહેમીપૂર્વક હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. વૃદ્ધ ખેડૂતનું ધડથી માથું કાપીને હત્યારાઓ લઇ ગયા હતા. જ્યારે ઘરમાં માત્ર ધડ મળ્યું હતું. આજે તપાસ દરમિયાન મૃતકના ખેતરથી થોડે દૂર જ તેમનું માથુ મળી આવ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે ચોકારી ગામે કૃષ્ણનગરમાં આવેલા એક ખેતરમાં ૭૫ વર્ષના કુબેરભાઇ જબુરભાઇ ગોહિલ એકલાં રહેતા હતા અને ખેતી કરતા હતાં. ગઇકાલે ઘરમાં થી લોહીથી લથપથ કુબેરભાઇનું ધડ મળ્યું હતું જ્યારે માથું મળ્યું નહતું.
પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક વિવિધ ટીમો બનાવી તપાસ શરૃ કરી હતી. આજે સવારે ચોકારી ગામના સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી, જ્યાં જુવારનું વાવેતર થયું છે, તે ખેતર કુબેરભાઈ ના ઘર થી ૫૦ મીટર દૂર ખેતરના શેઢા પરથી કુબેરભાઈનું માથું મળતા પોલીસે તાત્કાલિક પીએમ માટે મોકલી આપ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ હાલ સુધી હત્યામાં વપરાયેલું હથિયાર મળી આવેલ નથી કે હજુ સુધી હત્યારાનો પત્તો લાગ્યો નથી.જેના કારણે પોલીસ માટે હત્યાનું કારણ પણ અસ્પષ્ટ છે. પોલીસ દ્વારા અલગ અલગ થિયરી જેવી કે, જમીન વિવાદ, પારિવારિક ઝઘડો પર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. કુબેરભાઈ છેલ્લે કોની સાથે જોવા મળ્યા હતા, કોને મળવા ગયા હતા વગેરે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.