પૌત્રને સ્કૂલે મૂકીને ઘરે આવતી વૃદ્ધાને છેતરીને ગઠિયાઓ સોનાની ચેન લઇ ગયા
આજવા નિમેટા રોડ પર સયાજીપુરા પાસેના રોડ પર ફિટ થયેલા સીસીટીવી ફૂટેજ મેળવવા પોલીસની કવાયત
વડોદરા,સયાજીપુરા ગામે રહેતી વૃદ્ધા પૌત્રને સ્કૂલે મૂકીને ઘરે પરત આવતા હતા. તે સમયે રસ્તામાં મળી ગયેલા બે ગઠિયાઓ એક લાખ રોકડા આપવાની લાલચ આપી તેમની પાસેથી સોનાની ચેન પડાવીને ફરાર થઇ ગયા હતા. જે અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સયાજીપુરા ગામ ચોતરાવાળા ફળિયામાં રહેતા ૬૫ વર્ષના કાશીબેન રમેશભાઇ બારિયાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સવારે આઠ વાગ્યે હું મારા ઘરેથી નીકળી મારા પૌત્રને આજવા નિમેટા રોડ પર આવેલ મનાલ્સ સ્કૂલ, સયાજીપુરા ખાતે મૂકવા માટે ગઇ હતી.મારા પૌત્રને સ્કૂલે મૂકીને હું નવ વાગ્યે ઘરે આવવા નીકળી હતી. સ્કૂલના ગેટ પાસે બે અજાણ્યા વ્યક્તિઓ ઉભા હતા. તેઓની ઉંમર ૨૫ થી ૩૦ વર્ષની હતી. એક વ્યક્તિએ લાલ સ્વેટર અને વ્હાઇટ જીન્સ તથા બીજાએ વ્હાઇટ બ્લૂ કલરની ટી શર્ટ અને બ્લૂ જીન્સ પહેર્યુ હતું. વ્હાઇટ બ્લૂ ટી શર્ટ પહેરેલા વ્યક્તિએ મને કહ્યું કે, માજી તમારૃં કામ છે. અહીંયા આવો. હું તેની પાસે ગઇ ત્યારે તેણે મને પેન્ટના ખિસ્સામાંથી એક લાખ રોકડા રૃપિયા કાઢીને બતાવ્યા હતા. તેણે મને કહ્યું કે, તમે મને ચેન આપો તો હું તમને આ રૃપિયા આપી દઉં. મેં હા પાડતા તેણે મને તેની પાછળ આવવા કહેતા. હું ગઇ હતી. કાન્હા ડ્રીમલેન્ડ કોમ્પલેક્સની સામે આવીને મે મારા ગળામાંથી સોનાની ચેન તથા હાથમાં પહેરેલી બંગડીઓ કાઢીને તેને આપી દીધા હતા. પરંતુ, તેઓ મને રોકડા રૃપિયા આપ્યા વગર જ જતા રહ્યા હતા.