અહો આશ્ચર્યમ ! ભાટપુરના સરપંચના ખલી જેવા માથામાં હેલમેટ ફિટ બેસતું જ નથી, નિયમનું પાલન કેવી રીતે કરવું
Mahisagar News : મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ભાટપુર ગામે ખલી તરીકે ઓળખાતા જુજારસિંહને કુદરતે એવી કદ કાઠી આપી છે કે ફરજીયાત હેલમેટનો નિયમ તેમના માટે ભારે પડી રહ્યો છે. તેનું માથુ જ એટલુ મોટુ છે કે કોઇ હેલમેટ તેમાં ફિટ બેસતું નથી.
તાજેતરમાં જ હાઇકોર્ટે ટીપ્પણી કર્યા બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની ભાન થઇ છે અને ફરીથી હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જો કે ભાટપુરા ગામના પૂર્વ સરપંચ ઇચ્છે તો પણ હેલમેટના કાયદાનું પાલન કરી શકે તેમ નથી અને પોલીસ પણ તેમને નિયમનું પાલન કરવાની ફરજ પાડી શકે તેમ નથી. કારણે છે જુજારસિંહનું તોતિંગ માથું. મુશ્કેલી એ છે કે તેમના માપનુ હેલમેટ બજારમાં મળતુ જ નથી, જેને લઈને હાલમાં તેઓ મૂંઝવણમાં મૂકાયા છે.
જુજારસિંહ બારૈયાનો શારીરિક બાંધો એ પ્રકારનો છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી શકતા નથી તેઓની ઊંચાઇ છ ફુટથી વધુને મજબૂત કદાવર બાંધો ધરાવે છે. ગામમાં ખલી તરીકે ઓળખાતા જુજારસિંહ માટે આ કદ કાઠી એક નહી અનેક મુશ્કેલીઓ આપી રહી છે. જેમ કે તેમને પોતાની સાઇઝના બુટ-ચપ્પલ તૈયાર મળતા નથી, કપડા તૈયાર મળતા નથી આ બધુ તેઓએ પોતાની સાઇઝનું બનાવવુ પડે છે. 200 સી.સી.નું બાઇક પણ નાનુ પડે છે. નાના કદની કારમાં તેમનો સમાવેશ થયો નથી.
મારી સાઇઝની હેલમેટ બનતા જ નથી નિયમનું પાલન કેમ કરું : જુજારસિંહ
જુજારસિંહ બારૈયાનું કહેવું છે કે નવા ટ્રાફિકના નિયમોનો અમલ શરુ થયો પોતે સરપંચ રહી ચુક્યા છે એટલે કે ગામના એક સમયના પ્રથમ નાગરિક હતા તે રીતે સરકારના કાયદાનું પાલન કરવું એ પણ જરૂરી છે પણ સ્થાનિક બજાર ઉપરાંત મોટા શહેરોમાં પણ તપાસ કરી પરંતુ મારા માપની હેલમેટ મળી નથી.