યુનિ.માં અધિકારી રાજ : એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળ્યાના 12 દિવસ બાદ મિનિટ્સ બહાર પડાઈ
- બેઠકમાં તમામ વિભાગીય અધિકારીઓ સામે કાર્યવાહીનો નિર્ણય થતાં મિનિટ્સમાં વિલંબની ચર્ચા
- મિનિટ્સ બહાર પડતાં આખરી નિર્ણય માટે હવે બોર્ડ ઓફ મેન્જમેન્ટની બેઠક મળશે : અધિકારીઓ રજા પર હોવાથી વિલંબ થયાનો તંત્રનો બચાવ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એક્ઝિકયુટિવ કાઉન્સિલની બેઠક ગત તા.૩૦ અને ૧લી ફેબુ્ર.ના રોજ મળી હતી. જેમાં પૂર્વ કુલપતિ ડૉ. મહિપતસિંહ ચાવડા અને ડે. રજિસ્ટ્રાર જયદીપ ડોડિયા વિરૂદ્ધ તત્કાલિન સમયે થયેલાં આક્ષેપોને વધુ એક વખત બન્ને પાસેથી લેખિત સ્પષ્ટતા માંગવા ઠરાવવામાં આવ્યું હતું. તો, ડે. રજિસ્ટ્રાર ડોડિયાની નિમણુંક સમયના દસ્તાવેજની ફાઈલ ગુમ થવાના મામલે વિભાગીય અધિકારીના નિવેદનના આધારે તેમની પાસેથી અલગથી ખુલાસો માંગવા પણ બેઠકમાં ઠરાવાયું છે. ઉપરાંત, રજિસ્ટ્રાર ડો. કૌશિક ભટ્ટ સામે ચાલતી કાયદાકીય તપાસમાં પણ તેઓ સહકાર આપતા ન હોવાથી તેમને પણ નોટિસ આપી ખુલાસો માંગવા ઠરાવવામાં આવ્યું છે. આ પણ અધુરૂં હોય તેમ બંેડમિગ્ટન કોર્ટ બનાવવામાં વિલંબના મામલે શારીરિક શિક્ષણ નિયામક દિલીપસિંહ ગોહિલ અને બાંધકામ અધિકારી (એન્જિનિયર) જતન ત્રિવેદીનો પણ ખુલાસો માંગવા સર્વાનુંમતે ઠરાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં આટલી સંવેદનશીલ નિર્ણયો થયા હોવાથી યુનિ. કેમ્પસમાં આ બેઠકની મિનિટસ બહાર પડે તેની આતૂરતા હતી. પરંતુ, નિર્ણાયક બેઠક મળ્યાના ૧૨ દિવસ સુધી એક યા બીજા કારણોસર મિનિટ્સ બહાર પડી ન હતી. મિનિટ્સ બહાર ન પડવા પાછળ જવાબદાર અને ઈન્ચાર્જ અધિકારીઓ સતત રજા પર હોવાનું યુનિ. સૂત્રોએ સ્વબચાવમાં જણાવ્યું હતું. પરંતુ, હકિકતે તો આ બેઠકમાં થયેલાં નિર્ણયોમાં તમામ જવાબદાર વિભાગીય અધિકારી સામે કામગીરીના નામે આંગળી ચિંધવામાં આવી હોવાથી મિનિટ્સ બહાર પડવામાં વિલંબ કરવામાં આવ્યો હોવાનો કેમ્પસમાં ગણગણાટ છે. જો કે, આ બેઠકમાં થયેલાં નિર્ણયો આખરી ન ગણાય. પરંતુ, તેનો આખરી નિર્ણય બોર્ડ ઓફ મેન્જમેન્ટની આગામી બેઠકમાં થશે. પરંતુ, મિનિટસના વાંક બોર્ડ ઓફ મેન્જમેન્ટની બેઠક મળી શકે તેમ ન હોવાથી મિનિટ્સ બહાર પાડવામાં એક યા બીજા કારણોસર વિલંબ કરવામાં આવ્યો હોવાનો કેમ્પસમાં ગણગણાટ શરૂ થયો છે. જો કે, આ તમામ બાબતો વચ્ચે યુનિ. માં અધિકારીઓની આવી રાજરમત શરૂ રહેશે તો આગામી સમયમાં વિશ્વવિદ્યાલયની હાલત હાલની સ્થિતિથી પણ બ્દ્દતર બનશે તેવી શિક્ષણવિદ્દોએ ચિંતા વ્યક્ત કરી છે.