ડો.શ્રીવાસ્તવે વીસી બંગલામાં ઉભી કરેલી ઓફિસ રાજીનામા પછી પણ યથાવત
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામુ આપનારા ડો.વિજય શ્રીવાસ્તવે હજી વાઈસ ચાન્સેલરનો સત્તાવાર બંગલો ખાલી કર્યો નથી.એટલું જ નહીંં વાઈસ ચાન્સેલર તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ઘરમાં પણ એક નાની ઓફિસ બનાવડાવી હતી અને તે પણ હજી યથાવત છે.
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ઘરેથી કામ કરવા માટે ડો.શ્રીવાસ્તવે ઘરમાં મુખ્ય પ્રવેશદ્વારા પાસેના રુમમાં એક ઓફિસ બનાવડાવી હતી.આ ઓફિસમાં ટેબલ,ખુરશી સહિતનું ફર્નિચર તેમજ ડેસ્કટોપ કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ ગોઠવવામાં આવ્યું હતું.આ તમામ વસ્તુઓ પણ યુનિવર્સિટી હેડ ઓફિસમાં હજી જમા થઈ નથી.આમ સત્તાવાર નિવાસ સ્થાનમાં ઓફિસ હજી પણ યથાવત છે.
અધ્યાપક આલમમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, અત્યારના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલ રાજીનામુ આપ્યા બાદ પણ ડો.શ્રીવાસ્તવને કશું પૂછી શકે તેમ નથી.વાઈસ ચાન્સેલર તરીકે પણ તેઓ ડો.શ્રીવાસ્તવના ઈશારે જ કામ રહી રહ્યા છે કેમ તે સવાલ પણ પૂછાઈ રહ્યો છે.કારણકે ડો.શ્રીવાસ્તવ વાઈસ ચાન્સેલર હતા ત્યારે પ્રો.ધનેશ પટેલ જ તેમની સૌથી નજીક હતા.
બીજી તરફ યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે, ડો.શ્રીવાસ્તવે બંગલામાં રહેવા માટે એક મહિનાનું એક્સ્ટેશન આપવા માટે પહેલા જ વિનંતી કરેલી છે અને એટલે તેમને પૂછવાનો પ્રશ્ન ઉભો થતો નથી.