ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચવા 3.51 લાખની ઓફર, કોંગ્રેસ ઉમેદવાર સાથે ભાજપની બળજબરી!
Bhuj Election News | ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પગલે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે ત્યારે કચ્છમાં મુંદરા તાલુકાના મોટી ભુજપુર-2 ની તાલુકા પંચાયતની સીટના કોંગ્રેસના ઉમેદવારને હરીફ પક્ષ ભાજપના ઉમેદવાર તેમજ આગેવાનોએ 3.51 લાખમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવાની બળજબરી કરી હોવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારના ભાઈને આ અંગેની જાણ થતાં તેમણે સ્ટીંગ ઓપરેશન કરી લીધું અને ઘટનાની વિડીયોગ્રાફી કરી હતી. ત્યારબાદ, કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતનાઓે કલેકટર સમક્ષ પુરાવા સ્વરૂપે વિડીયોગ્રાફી પેન ડ્રાઈવ સ્વરૂપે રજુ કરી ભાજપના ઉમેદવારની દાવેદારી રદ કરવાની માંગ કરી છે.
ભાજપના ઉમેદવાર સહિત મુંદરા તાલુકા ભાજપના આગેવાનોએ રચેલા ખેલનો પર્દાફાશ કરવા કોંગ્રેસના ઉમેદવારના ભાઈએ વિડીયોગ્રાફી કરી લીધી
કચ્છમાં મુંદરા તાલુકા પંચાયતની ભુજપુર- 2 સીટ ઉપર ભાજપમાંથી નારાણ કાના સાંખરા અને કોંગ્રેસમાંથી રતનભાઈ સાંખરા(ગઢવી) ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણી યોજાય તે પૂર્વે જ ભાજપ દ્રારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચી લેવા 3.51 લાખમાં વ્યવહાર કરી બળજબરી કરવામાં આવી હોવાનો આક્ષેપ ઉઠયો છે.
આ ઘટનાને ટાંકીને આજરોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને મુંદરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવીએ ભુજમાં પત્રકારોને માહિતી આપી હતી. જેમાં, જણાવાયું હતું કે, ભાજપના ઉમેદવાર નારાણ કાના સાંખરા અને મોટી ભુજપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તથા ભાજપના આગેવાન માણેક રામ ગેલવા દ્વારા તેમના ઉમેદવારના ભાઈને ફોન ઉપર ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવા વાત કરી હતી. અને તેમની વાડી ઉપર આવી અને રૂપિયા આપવાની વાત કરી હતી તથા છેલ્લે 3.51લાખમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવાની બળજબરી કરીને નક્કી કરી હતી. જયારે કોંગ્રેસના ઉમેદવારના ભાઈને જાણ થતાં તેઓએ સ્ટીંગ ઓપરેશન કરવાનો નિર્ણય કરી સમગ્ર ઘટનાની વિડીયોગ્રાફી કરી લીધી હતી.
જેથી, આજરોજ મુંદરા તાલુકાના મોટી ભુજપુર- 2 ની તાલુકા પંચાયતની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા ભંગ બદલ ભાજપના ઉમેદવારની દાવેદારી રદ કરવા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી અને કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કલેક્ટરએ કોંગ્રેસ દ્વારા અપાયેલ પેન ડ્રાઈવ અને પુરાવાઓ સ્વીકારી અને તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી. અને કસુરવાર થશે તો તેઓની ઉમેદવારી પણ રદ થશે તેવા સંકેત આપ્યા હતા.