Get The App

OFFBEAT : બે રૂપિયાની સહાય માટે ખેડૂતોને ખાવા પડે છે ધક્કા, ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ટેસ્લાના આગમનની વાતો વચ્ચે EVની સબસીડી બંધ

દિવાળીમાં હવે ગિફ્ટ નહીં પણ ગોલ્ડ ચાલે છે

નીતિન પટેલ સ્થાનિક રાજકારણમાં ફરી સક્રિય

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
OFFBEAT : બે રૂપિયાની સહાય માટે ખેડૂતોને ખાવા પડે છે ધક્કા, ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ટેસ્લાના આગમનની વાતો વચ્ચે EVની સબસીડી બંધ 1 - image


ગુજરાતના રાજકારણ, શહેરો અને ગામડાઓની ક્રાઇમની ઘટનાઓ, પંચાયતથી લઇને વિધાનસભા સુધીની ખાસ માહિતી, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નોની વાચા, કૌભાંડ અને કૌભાંડીઓનો પર્દાફાશ, રાજનેતા અને સરકારી બાબુઓના અંદરની વાત.... આવી તમામ મોટી ખબરો દર સોમવારે 'ઑફબિટ'માં વાંચો.

1. ટેસ્લા જેવી કંપનીઓને લાવવાની વાત વચ્ચે EVની સબસીડી બંધ

ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીના ફુગ્ગામાંથી ધીમે ધીમે સબસીડીની હવા બહાર નિકળી જતાં ફુગ્ગો ફુટી ગયો છે. છેલ્લા ત્રણ મહિનામાં વેચાણ તળીયે આવી રહ્યું છે. આમ થવાનું મુખ્ય કારણ ઇવી સિસ્ટમ માટે આપવામાં આવતી સબસીડી બંધ કરવાનું છે. ગુજરાતે શરૂઆતમાં સબસીડીની જાહેરાતો કરી હતી અને લોકોને સબસીડી મળતી હોવાથી અન્ય ઇંધણના વાહનો વાપરતાં ગ્રાહકો ઇવી તરફ આકર્ષાયા હતા. સરકારે પોલિસીમાં જે રકમની જોગવાઇ કરી હતી તે રકમ પૂર્ણ થઇ જતાં ઇવી હેઠળ મળતી સબસીડી બંધ કરી દીધી છે. છેલ્લા એક વર્ષથી સરકારે સબસીડી અંગે કોઇ નવી જાહેરાત કરી નથી. લોકોમાં ચર્ચા છે કે, એક તરફ ટેસ્લા જેવી આંતરરાષ્ટ્રીય ઈવી કંપનીઓને લાવવાની વાતો ચાલી રહી છે ત્યાં ગુજરાતમાં જ ઈવી ઉપર સબસીડી બંધ કરી દેવાઈ છે. રાજ્યમાં ખરેખર અંધેર વહીવટ ચાલી રહ્યો છે.

OFFBEAT : બે રૂપિયાની સહાય માટે ખેડૂતોને ખાવા પડે છે ધક્કા, ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ટેસ્લાના આગમનની વાતો વચ્ચે EVની સબસીડી બંધ 2 - image

2. દિવાળીમાં હવે ગિફ્ટ નહીં પણ ગોલ્ડ ચાલે છે 

દિવાળીમાં હવે અધિકારીઓ અને બાબુઓને ખરેખર દિવાળી થવા લાગી છે. સામાન્ય રીતે મોટા કોર્પોરેટ અને લોકો દ્વારા દિવાળી દરમિયાન ઉચ્ચ અધિકારીઓને મીઠાઈઓ અને ભેટસોગાદો આપવાનો વિવેક કરવામાં આવતો હોય છે પણ હવે તેમાં ટ્રેન્ડ બદલાયો છે. હવે મીઠાઈઓ અને ભેટસોગાદો ઓછી થઈ ગઈ છે, તેની સામે ગોલ્ડ અને સિલ્વર ડિમાન્ડમાં છે. સચિવાલયમાં અને રાજકીય સૂત્રોમાં પણ ચર્ચા છે કે, રાજકારણમાં પણ ઘણા સ્તરે ભેટસોગાદોમાં સોનું અને ચાંદી ચલણમાં આવ્યા હોવાના કારણે અધિકારીઓ દ્વારા હવે ગોલ્ડન ગિફ્ટનો ટ્રેન્ડ શરૂ કરાયો છે. રોકડ, વાઉચર્સ, ગિફ્ટ કલેક્શન કે ચોકલેટ્સ તથા  કૂકીઝના બોક્સ નહીં પણ સોનાના સિક્કા અને ચાંદિના બિસ્કિટની આપ-લે થઈ રહી છે. 

3. ખેડૂતો બે રૂપિયાની સહાય માટે ધક્કા ખાઇ રહ્યાં છે

ગુજરાતના ખેડૂતોને પાક નુકશાનની આર્થિક સહાય આપવાના બણગાં ફુંકતી ભાજપની સરકાર જાહેરાત કર્યા પછી પણ ખેડૂતોને બે રૂપિયા પણ આપી શકતી નથી. છ મહિના પહેલાં જ્યારે ડુંગળીના ભાવ ગગડી ગયા હતા ત્યારે સરકારે એવી જાહેરાત કરી હતી કે ખેડૂતોને પ્રતિ કિલોગ્રામે બે રૂપિયા ડુંગળી સહાય સબસીડી આપશે. આ સહાય લેવા માટે ૨૨ હજાર જેટલા ખેડૂતોએ અરજી કરી હતી પરંતુ અણઘડ વહીવટના કારણે છ મહિના પછી પણ માત્ર પાંચ ટકા ખેડૂતોને જ સરકારી સહાય મળી છે. બાકીના ૯૫ ટકા ખેડૂતો સહાય માટે ધક્કા ખાય છે. અધિકારીઓનો પોકળ દાવો છે કે, અત્યાર સુધીમાં ૧૫.૭૬ કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે, પરંતુ ખેડૂતો કહે છે કે, મોટાભાગના સહાયથી વંચિત રહી ગયા છે. 

OFFBEAT : બે રૂપિયાની સહાય માટે ખેડૂતોને ખાવા પડે છે ધક્કા, ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ટેસ્લાના આગમનની વાતો વચ્ચે EVની સબસીડી બંધ 3 - image

4. નીતિન પટેલ સ્થાનિક રાજકારણમાં ફરી સક્રિય

૧૯૭૭માં કડી નગરપાલિકામાં 15 વર્ષના સભ્યપદ અને ૧૯૯૦માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા પછી ધીમે ધીમે રાજકારણમાં આગળ આવીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુધી પહોંચી ચૂકેલા નીતિન પટેલ હવે ફરી પાછા સ્થાનિક રાજકારણમાં સક્રિય બની રહ્યાં છે. લોકોમાં આ મુદ્દે ચર્ચા છે કે, નીતિન પટેલ સ્થાનિક સ્તરના રાજકારણમાં અને પાયાના રાજકારણના મહત્ત્વના ખેલાડી છે. ઉત્તર ગુજરાતમાં પાયાના રાજકારણમાં તેમનું આગવું મહત્ત્વ અને મજબૂત પકડ છે. હાલમાં ભલે સરકારમાં ઉપલા સ્તરે તેઓ સક્રિય ન દેખાતા હોય પણ સ્થાનિક સ્તરે તેમનું કદ મોટું છે. તેઓ જાણે છે કે, ભવિષ્યની ઈમારત મજબૂત રાખવી હશે તો સ્થાનિક સ્તરે પાયો મજબૂત બનાવવો પડશે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેઓ ફરી એક વખત પાયાના રાજકારણમાં સક્રિય થયા છે.  

5. કેન્દ્રીય મંત્રીએ વહીવટી તંત્રની પોલ ખોલી દીધી

રાજ્યની જિલ્લા કલેક્ટર કચેરીઓમાં કેવો વહીવટી થાય છે તેની પોલ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે ખોલી દીધી છે. હદ તો ત્યારે થઇ કે જ્યારે તેમણે સરકારની કોઇ બેઠકમાં નહીં પણ પબ્લિકની વચ્ચે જઇને જાહેરમાં મંચ પરથી નર્મદા જિલ્લા કલેક્ટર અને તેમના તાબામાં આવતા અધિકારીઓને ખખડાવી નાંખ્યા હતા. સરકારી કાર્યક્રમમાં ગેરહાજરી અને ગુણવત્તા વિહીન કામગીરી બદલ તેમણે અધિકારીઓને ઠપકો આપ્યો હતો. આ તો એક નમૂનો છે પરંતુ તપાસ કરવામાં આવે તો રાજ્યની મોટાભાગની જિલ્લા કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. અરજદારોના સીધી રીતે કોઇ કામ થતાં નથી. ડગલે ને પગલે લાંચ-રૂશ્વત માગવામાં આવે છે. આવા ઘણી ઘટનાઓ છે પણ બહુમત અને ભ્રષ્ટાચારના નશામાં મદમસ્ત થયેલા સત્તાધિશોને લોકોની સમસ્યા કે મુશ્કેલીઓ દેખાતી કે સંભળાતી જ નથી. 

6. ટેક્સ ભરવાનો કાયદો માત્ર નાગરિકોના માથે છે

શહેરમાં વસતો કોઇ નાગરિક પ્રોપર્ટી ટેક્સ ભરવામાં વિલંબ કરે તો તેની સામે મિલકત જપ્તી સહિતના પગલાં લઇ રહેલી મહાનગરપાલિકા સરકારી ઓફિસો માટે નિયમોના જુદા કાટલાં ધરાવે છે, કેમ કે આ ઓફિસો પાસેથી વસૂલાત તો આવતી નથી અને મિલકત જપ્તી પણ થતી નથી. રાજકોટ મહાનગરમાં આવી સ્થિતિ જોવા મળી છે, કે જ્યાં સરકારી કચેરીઓ પાસેથી અંદાજે 100 કરોડનો ટેક્સ વસૂલ કરવાનો થાય છે. એકલા રેલવે વિભાગે ૧૪ કરોડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 12 કરોડનો ટેક્સ ભર્યો નથી. દૂરદર્શન પાસેથી પાંચ કરોડ, કલેક્ટર કચેરી પાસેથી 11.50 કરોડ અને બીએસએનએલ પાસેથી બે કરોડ રૂપિયા લેવાના નિકળે છે. સરકારી કચેરીઓ જ ટેક્સના નાણાં ભરતી નથી છતાં તેમની મિલકતોને ઉની આંચ આવતી નથી. આવું માત્ર રાજકોટમાં જ નહીં, રાજ્યના બીજા મોટા શહેરોમાં પણ બની રહ્યું છે. મહાનગરનો ટેક્સ વિભાગ નોટિસ ઇસ્યુ કરીને યાદી બનાવે છે પરંતુ સજા માત્ર સામાન્ય નાગરિકો માટે નિશ્ચિત કરે છે.

OFFBEAT : બે રૂપિયાની સહાય માટે ખેડૂતોને ખાવા પડે છે ધક્કા, ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ટેસ્લાના આગમનની વાતો વચ્ચે EVની સબસીડી બંધ 4 - image

7. જીવ આપીશું પણ જમીન નહીં... આવો નિર્ણય કેમ થયો?

વિકાસના નામે ખેડૂતોની ફળદ્રુપ જમીનો પડાવી લેવામાં આવી રહી છે ત્યારે આદિવાસી વિસ્તાર નવસારીના તાલુકાઓમાં ખેડૂતોનો રોષ ભભૂકી રહ્યો છે. મહારાષ્ટ્રના ભુસાવલ થી પાલઘર સુધી માલગાડીઓ માટેનો ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી) તૈયાર થાય છે જેમાં વાંસદા, ચીખલી અને ખેરગામની જમીનો સંપાદન કરવાની થાય છે. આ વિસ્તારના ખેડૂતોએ એકત્ર થઇને 'જીવ આપીશું પણ જમીન નહીં' તેવા સોગંધ લીધા હોવાથી સરકારની ચિંતા વધી છે. કેન્દ્રનો આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં છે, જેના માટે નવસારીના 18 ગામોની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે સર્વેની કામગીરી ચાલી રહી હતી ત્યારે થોડાં સમય પહેલાં તેને લોકોએ એકત્ર થઇને અટકાવી દીધી હતી. ચૂંટણી માથે છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ભડકી રહેલો વિરોધ અને વિદ્રોહ સરકાર માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે. 

8. મોરબીમાં રાણીબાનું રાજ, પોલીસ શોધી શકતી નથી

મોરબીમાં રાણીબા નામની એક માથાભારે મહિલાનો વિવાદ જાગ્યો છે. રાણીબા ઈન્ડસ્ટ્રીઝ ચલાવતી વિભૂતિ પટેલ સામે પોતાના કર્મચારીને મારવાની અને જૂતા ચટાડવાની ઘટના મુદ્દે કેસ નોંધાયો છે પણ પંદર દિવસથી આ રાણીબા પકડાઈ નથી. પોલીસ તેને શોધી શકી નથી અથવા તો શોધી શકતી નથી તેવી ચર્ચાઓ જોર પકડયું છે. લોકોમાં ચર્ચા છે કે, પોલીસખાતું માત્ર રાજકીય કામો કરવામાં જ વ્યસ્ત હોય છે. વહિવટી તંત્ર કે સત્તાધિશોની પોલીસ ખાતા ઉપર કે ગૃહવિભાગ ઉપર કોઈ પકડ જ નથી. આ વિભાગના મંત્રીને માત્ર સોશિયલ મીડિયા ઉપર છવાઈ જવામાં વધારે રસ છે. પોલીસ વિભાગનો ઉપયોગ પણ પ્રજાની પીડા દૂર કરવાના બદલે કૌભાંડીઓની મદદ કરવા માટે, મળતીયાઓને બચાવવા માટે તથા રાજકીય ચૂંટણી જીતવા વિરોધીઓને દબાવવા માટે પોલીટિક એજન્ટ કરીકે થઈ રહ્યો છે.

9. GTUની વેદના : પાડાના વાંકે પખાલીને ડામ 

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અત્યારે પાડાના વાંકે પખાલીને ડામની જેમ પોતે દર્દ ભોગવી રહી છે. આ યુનિવર્સિટીમાં નાણાકીય વર્ષ 2016-17માં હિસાબો અંગેના ટેક્સ રિટર્નની પ્રક્રિયામાં ભૂલ થઇ હતી. યુનિવર્સિટીને આઇટી વિભાગ તરફથી મળેલો ઇ-મેઇલ સમયસર જોવામાં નહીં આવતાં નોટિસ પ્રાપ્ત કરવી પડી છે. નોટિસમાં અત્યાર સુધીના બાકી ટેક્સ ઉપરાંત દંડ સહિત 50 કરોડ રૂપિયાની રકમ ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો કે આ સંસ્થાના સત્તાધીશોએ ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે. સત્તાધીશોનું કહેવું છે કે આ કેસમાં શૈક્ષણિક સંસ્થાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભૂલના કારણે યુનિવર્સિટીને દંડાવું પડયું છે. હવે આ મામલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ નોટિસ પાઠવવામાં આવી છે.



Google NewsGoogle News