OFFBEAT : પહેલા આફત નોતરી ને પછી સહાય જાહેર, ભાજપ પોતાની જ ફોર્મ્યુલામાં ભરાયું, ગુજરાતમાં કિડની કૌભાંડ - 10 મોટી ખબરો

ગુજરાતમાં તો નકલીની બોલબાલા, અસલી લોકો ક્યાં છે

ગુજરાતના બે સિનિયર IASને દિલ્હી લઈ જઈ સાઈડલાઈન કરી દેવાયા

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
OFFBEAT : પહેલા આફત નોતરી ને પછી સહાય જાહેર, ભાજપ પોતાની જ ફોર્મ્યુલામાં ભરાયું, ગુજરાતમાં કિડની કૌભાંડ - 10 મોટી ખબરો 1 - image


ગુજરાતના રાજકારણ, શહેરો અને ગામડાઓની ક્રાઇમની ઘટનાઓ, પંચાયતથી લઇને વિધાનસભા સુધીની ખાસ માહિતી, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નોની વાચા, કૌભાંડ અને કૌભાંડીઓનો પર્દાફાશ, રાજનેતા અને સરકારી બાબુઓના અંદરની વાત.... આવી તમામ મોટી ખબરો દર સોમવારે 'ઑફબિટ'માં વાંચો.

1. પહેલા આફત નોતરી ને પછી સહાય જાહેર

નર્મદા નદીમાં આવેલા કૃત્રિમ (સરકારી) પૂરથી યાતના ભોગવી રહેલા લોકોનો રોષ વધતો ગયો છે. સરકારી તંત્રની ભુલના કારણે આવેલા પૂરથી હજારો લોકોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવું પડયું છે અને આજદીન સુધી હાલાકી ભોગવવી પડી રહી છે. એવી વાત બહાર આવી છે કે, એક ઉચ્ચ અધિકારએ નર્મદાનું જળસ્તર 17મી સુધી વધવા દઈને તેના વધામણા કરવાની સલાહ આપી અને સરકારે માની લીધી તેમાં આ પૂર આવ્યું છે. આ પૂર પછી મંત્રીઓ અને નેતાઓ ફોટા પડાવવા પૂરગ્રસ્ત વિસ્તારમાં જતા જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. કેટલાક નેતાઓએ ભાગવું પડયું હતું તો કેટલાકને તો ગાડીમાંથી નીચે પણ ઉતરવા દેવાયા નહોતા. લોકોનો રોષ રાજકીય સમરાંગણ બની ગયો. વિપક્ષો દ્વારા પણ સરકારને ભીંસમાં લેવાતા આખરે સરકારે મોડે મોડે શનિવારે પેકેજ જાહેર કર્યું. લોકોની પીડામાં મદદ કરવાના બદલે સરકારે અઠવાડિયું સર્વેમાં કાઢી કાઢયું. આ દરમિયાન પીડિતોએ જ એકબીજાની મદદ કરી અને હિંમતથી બેઠા થવાની કામગીરી આરંભી. લોકો એક જ વાત કરી રહ્યા છે કે, આ કેવી સંવેદનશિલતા છે. સરકાર પૂર લાવીને પણ પાણીના વધામણા કરે છે અને પૂરના અઠવાડિયા બાદ મદદની જાહેરાતો કરીને મનામણા કરવા નીકળી છે.

OFFBEAT : પહેલા આફત નોતરી ને પછી સહાય જાહેર, ભાજપ પોતાની જ ફોર્મ્યુલામાં ભરાયું, ગુજરાતમાં કિડની કૌભાંડ - 10 મોટી ખબરો 2 - image

2. ગુજરાતમાં તો નકલીની બોલબાલા, અસલી લોકો ક્યાં છે

ગુજરાતમાં પહેલાં નકલી પોલીસ, પછી CBI-ED અને ITના નકલી અધિકારી જોવા મળ્યાં છે. એટલું જ નહીં PMO અને CMOના નકલી અધિકારીઓ પણ તોડપાણી કરતા પકડાયા છે. હવે નકલી કલેક્ટર સામે આવ્યો છે. 'હું કલેક્ટર છું. બદલી કરાવી દઇશ. સસ્પેન્ડ કરાવીશ' તેવી ધમકીઓ આપીને લોકો સામે બિન્દાસપણે રોફ જમાવતો જનક પંડયા ગાંધીનગરમાંથી પકડાયો છે. તે ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને પોલીસ પુત્ર હોવાનું બહાર આવ્યું છે. ખોટી ઓળખ આપી પોલીસ સ્ટેશને ફોન કરીને ધાક-ધમકી આપતો હતો. એક સમયે યુપી અને બિહારમાં જોવા મળતું કલ્ચર હવે ગુજરાતની નવી ઓળખ બની રહ્યું છે જેનાથી લોકો ચિંતામાં છે પણ તંત્રતો આંખો બંધ કરીને 156ની સ્પિડે આંધાધૂંધ વિકાસ કરી રહી છે.  

3. સી-પ્લેન માટે કોણે લાંચ માગી, કોની ભાગબટાઇ હતી?

સાબરમતી રિવરફ્રન્ટ થી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડી છે ત્યારે તેનો કોન્ટ્રાક્ટ આપવામાં કેટલી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે તે અદાલતમાં દાખલ થયેલી એક પિટીશને ઉજાગર કર્યો છે, જેમાં એવું સામે આવ્યું છે કે સિવિલ એવિયેશન કંપનીના તત્કાલિન ડાયરેક્ટરે કોન્ટ્રાક્ટના સમયગાળા માટે 1.50 કરોડની અપફ્રન્ટ ફી અને 15 લાખના માસિક હપ્તાની માગણી કરી હતી. જો કે એક્વિઝિશનના 30 દિવસની અંદર કરાર પર હસ્તાક્ષર કરવામાં નિષ્ફળ રહેવા બદલ કંપનીનો કરાર રદ કરવામાં આવ્યો હતો. કંપનીને 25 લાખની બેન્ક ગેરન્ટી પાછી આપવામાં આવી નથી અને તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. આ લાંચની રકમમાં કોની ભાગબટાઇ હતી તેની તપાસ કરવામાં આવે તો મોટા માથાંની સંડોવણી બહાર આવી શકે તેમ છે. 

OFFBEAT : પહેલા આફત નોતરી ને પછી સહાય જાહેર, ભાજપ પોતાની જ ફોર્મ્યુલામાં ભરાયું, ગુજરાતમાં કિડની કૌભાંડ - 10 મોટી ખબરો 3 - image

4. ગુજરાતના બે સિનિયર IASને દિલ્હી લઈ જઈ સાઈડલાઈન કરી દેવાયા 

કેન્દ્રના આદેશથી ગુજરાત કેડરના બે સિનિયર આઇએએસ મનીષ ભારદ્વાજ અને વિજય નહેરાને ડેપ્યુટેશન પર દિલ્હી કેમ મોકલવામાં આવ્યા તેના કારણોની ચર્ચા સચિવાલયમાં તેજ બની છે. વિજય નહેરાને તો સરકારે વાયબ્રન્ટ સમિટ માટે વિદેશમાં રોડ-શો માટે મોકલવાનું આયોજન કર્યું હતું પરંતુ રાજ્ય સરકારનું ચાલ્યું નથી. ચર્ચાઇ રહ્યું છે કે આ બન્ને ઓફિસરો સામે કોઇ કારણોસર સામાન્ય વહીવટ વિભાગમાં તપાસની ફાઇલ પેન્ડીંગ છે. આ તપાસનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ અધિકારીઓને કોઈ મહત્ત્વનું કામ આપવામાં નહીં આવે. કેન્દ્ર સરકારે આવા અધિકારીઓને દિલ્હી બોલાવીને હાંસિયામાં ધકેલી દીધા છે. કેન્દ્રનો સીધો સંકેત છે કે, ગુજરાત સરકાર અધિકારીઓને કાબૂ કરે નહીંતર આલા કમાન પાસે પોતાનો રસ્તો છે.

5. જેઓ ભ્રષ્ટ રહ્યા છે તેવા નિવૃત્તોને નોકરી માટે ભલામણ

ગુજરાત સરકારની કચેરીઓમાં નિવૃત્તિ પછીની કરાર આધારિત નિમણૂકોમાં લોલમલોલ ચાલી રહ્યું છે. એવા સંખ્યાબંધ અધિકારીઓ પ્રાઇમ પોસ્ટીંગ મેળવી ચૂક્યાં છે કે જેમણે પ્રામણિકતાથી ક્યારેય નોકરી કરી નથી. જૂના કૌભાંડીઓ સરકારમાં બધે પાછી ઘુસી ગયા છે. ખાસ કરીને મહેસૂલ, શહેરી વિકાસ, આરોગ્ય, માર્ગ-મકાન, ગૃહ અને પંચાયત વિભાગમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ ખાલી જગ્યાઓ પર ખોટી નિયુક્તિ થઇ છે. હવે આ છાપેલા કાટલાઓને દૂર રાખવા માટે તમામ કરાર આધારિત નિમણૂકોમાં નિયત કરેલી ફોર્મ્યુલાના આધારે પસંદગી કરવાનો જે-તે વિભાગના વડાને આદેશ આપી દેવાયો છે. 

6. 85 ટકા સ્થાનિક રોજગારી : ખાનગી જ નહીં સરકારી કંપનીઓ પણ નિયમ માનતી નથી

ગુજરાતમાં જ્યારે કોઇ ઉદ્યોગ સ્થપાય છે ત્યારે શ્રમ અને રોજગાર વિભાગનો નિયમ છે કે એકમ સંચાલકે સ્થાનિક 85 ટકા ભરતીને અનુસરવાનું હોય છે. જો કે આ નિયમ કાગળમાંથી બહાર આવ્યો નથી. કોઇ ઉદ્યોગ સંચાલક જ્યારે નિયમનો ભંગ કરે છે ત્યારે તેને માત્ર સમજાવાય છે અથવા તો નોટિસ આપવામાં આવે છે પરંતુ ક્યારેય કોઇ સજા થઇ નથી કે ઉદ્યોગને તાળાં મારવામાં આવ્યા નથી. સાણંદમાં ટાટા મોટર્સે સરકારના રૂપિયા અને કરોડો રૂપિયાના ઇન્સેન્ટિવ મેળવીને નેનો કારનો પ્રોજેક્ટ સ્થાપિત કર્યો છે ત્યારથી તેણે 85 ટકા સ્થાનિક ભરતીના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તેની સામે કોઈ પગલાં લેવાયા નથી. ખાનગી ઉદ્યોગો તો નિયમનો ભંગ કરી રહ્યાં છે પરંતુ કેન્દ્ર સરકારની કંપનીઓ પણ આ નિયમોને નેવે મૂકીને કામ કરી રહી છે. હવે કોને કહેવું અને કોને ન કહેવું તેવી સ્થિતિ રાજ્ય સરકારની થઈ ગઈ છે.

7. ગાંધી આશ્રમ વિકસાવવો કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધથી હટાવવી : સરકારની અવઢવ

ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજીઓ પર 9 ઓક્ટોબરે સુનાવણી રાખી છે. હાઇકોર્ટમાં રાઈટ ટુ પ્રાઈવસી અને મેનિફેસ્ટ આર્બિટ્રીનેસ એ બે આધાર પર દારૂબંધીને પડકારતી સંખ્યાબંધ અરજીઓ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, સરકારે સત્તાવાર રીતે દારૂબંધી હટાવવાનો વિરોધ કર્યો છે પણ અંદરખાને સરકાર ઈચ્છે છે કે, હાઇકોર્ટ દારૂબંધીને ગેરકાયદેસર ગણાવીને હટાવી લેવા આદેશ આપે. ગુજરાતમાં ટુરિઝમ અને બિઝનેસ બંનેના વિકાસ આજે દારૂબંધી મોટો અવરોધ હોવાની દલીલો થાય છે. વાત એવી છે કે, પીએમ દ્વારા ગાંધીજીના મૂલ્યો અને વારસાને સાચવીને ગાંધી આશ્રમનો વિકાસ અને વિસ્તાર કરવાનો પ્રોજેક્ટ લાગુ કરાયેલો છે ત્યાં હવે રાજ્ય સરકાર દ્વારા અંદરખાને ટૂરિઝમના વિકાસ માટે દારૂબંધી હટે તેવા પ્રયાસ થઈ રહ્યાની સચિવાલયમાં ચર્ચા છે. આ જોતા લાગી રહ્યું છે કે, ગાંધી મૂલ્યો ધરાવતા ગુજરાતમાં નવી બદી ફેલાશે. 

OFFBEAT : પહેલા આફત નોતરી ને પછી સહાય જાહેર, ભાજપ પોતાની જ ફોર્મ્યુલામાં ભરાયું, ગુજરાતમાં કિડની કૌભાંડ - 10 મોટી ખબરો 4 - image

8. હવે ગુજરાતીઓ સાડા છ કરોડ નથી પણ...

ગુજરાતની વસતી કેટલી છે ? આપણે વરસોથી રાજકારણીઓને સાડા છ કરોડ ગુજરાતીઓ એવું કહેતા સાંભળીએ છીએ પણ ગુજરાતની વસતી સાત કરોડને પાર થઈ ગઈ છે એવું ગુજરાતની પહેલી પોપ્યુલેશન ક્લોક કહે છે. વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એટલે કે એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમ્પસના દરવાજે લગાડાયેલી રાજ્યની પહેલી ડિજિટલ પોપ્યુલેશન ક્લોક પ્રમાણે ગુજરાતની વસ્તી અત્યારે 7.19 કરોડથી વધુ છે. ગુજરાતમાં દર 1.10 મિનિટે નવાં ૨ લોકોનો ઉમેરો થાય છે. આ ક્લોક દેશની 8મી ડિજિટલ પોપ્યુલેશન ક્લોક છે. તેના મતે ગુજરાતની વસતી વધી છે અને નવેસરથી તેના આંકડા અપડેટ થવા જોઈએ.

9. ગુજરાતમાં વ્યાજખોરીની સાથે કિડની કૌભાંડ આકાર લઇ રહ્યું છે

ગુજરાતમાં ફરી એકવાર માનવ તસ્કરીનો ખેલ શરૂ થયો છે. મધ્ય ગુજરાતમાં મજબૂર લોકોની કિડની કાઢી લેવાના કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. એક કેસમાં 30 ટકાના વ્યાજે 20 હજાર રૂપિયા લેનાર વ્યક્તિ દર મહિને ચાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવતો હતો છતાં તેને ઉંચા પગારની લાલચ આપી કેટલાક લોકોએ તેને પશ્ચિમ બંગાળ એક હોસ્પિટલમાં મોકલ્યો હતો. ડોક્ટરે જ્યારે એવું કહ્યું કે 'આપ અપની મરજી સે કિડની ડોનેટ કર રહે હૈ' ત્યારે તેને ખબર પડતાં તે ત્યાંથી ભાગી છૂટયો હતો. ખેડા અને આણંદમાં એવું ચર્ચાય છે કે 15 જેટલા મજબૂર લોકોની કિડની કાઢી લેવામાં આવી છે. સરકાર અને પોલીસ જો આ કેસમાં ઉંડી તપાસ કરે તો એક મોટું કિડની રેકેટ સામે આવી શકે છે. વ્યાજખોરીની સાથે કિડની રેકેટ આકાર લઈ રહ્યું છે.

OFFBEAT : પહેલા આફત નોતરી ને પછી સહાય જાહેર, ભાજપ પોતાની જ ફોર્મ્યુલામાં ભરાયું, ગુજરાતમાં કિડની કૌભાંડ - 10 મોટી ખબરો 5 - image  

10. ભાજપની 'નો રીપીટ' ફોર્મ્યુલામાં ભાંગરો વટાયો

ભાજપે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવા હોદ્દેદારોની નિમણૂકમાં 'નો રીપીટ' ફોર્મ્યુલા અમલમાં મૂકી છે પણ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતમાં ભાંગરો વટાઈ ગયો.  ભાજપે પ્રમુખપદ માટે દીપુભાઈ બારડની વરણી કરી દીધી. ત્યારપછી ખબર પડી કે, દીપુભાઈ તો પ્રથમ ટર્મમાં કારોબારી ચેરમેન હતા. તેને પગલે દીપુભાઈનું રાજીનામુ લઈ લેવાયું અને રંભુબેનને પ્રમુખ બનાવાયા. હવે તેમના વિશે ખ્યાલ આવ્યો કે રંભુબેન વાજા પહેલી ટર્મમાં ઉપપ્રમુખ હતાં તેથી હવે આ ભુલ પણ સુધારવી પડે. અહીંયા ભાંગરો વટાયા બાદ સંગઠનના ટોચના નેતાઓ આકરાપાણીએ આવ્યા છે અને દરેક જિલ્લામાં નવી નિમણૂકો અને જૂની નિમણુકોમાં આવા ડખા થયા છે કે નહીં તેની તપાસ કરવાના આદેશ આપ્યા છે. 



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.



Google NewsGoogle News