OFFBEAT : ગુજરાત ભાજપને લાગી રહ્યું છે કે હવે 'મનસુખ' માનતો જ નથી!, ગુજરાતમાં રોકાણ કરવાથી બોલિવુડની હસ્તીઓ કેમ દૂર ભાગે છે? - 10 મોટી ખબરો

ગુજરાતમાં રમતગમત માટેનું 600 કરોડના બજેટનું 'મોકળું મેદાન' પણ મેડલના નામે 'ઝીરો'

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
OFFBEAT : ગુજરાત ભાજપને લાગી રહ્યું છે કે હવે 'મનસુખ' માનતો જ નથી!, ગુજરાતમાં રોકાણ કરવાથી બોલિવુડની હસ્તીઓ કેમ દૂર ભાગે છે? - 10 મોટી ખબરો 1 - image


OFFBEAT : ગુજરાતના રાજકારણ, શહેરો અને ગામડાઓની ક્રાઇમની ઘટનાઓ, પંચાયતથી લઇને વિધાનસભા સુધીની ખાસ માહિતી, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નોની વાચા, કૌભાંડ અને કૌભાંડીઓનો પર્દાફાશ, રાજનેતા અને સરકારી બાબુઓના અંદરની વાત.... આવી તમામ મોટી ખબરો દર સોમવારે 'ઑફબિટ'માં વાંચો.

1. ગુજરાત ભાજપને લાગી રહ્યું છે કે હવે 'મનસુખ' માનતો જ નથી!

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કોઇનો પણ ડર રાખ્યા વિના ગુજરાતમાં દારૂબંધીની નીતિના ચિંથરા ઉડાવી દીધાં છે. પોલીસ અધિકારીઓ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ માટે તેમણે ખુલ્લેઆમ કહ્યું છે કે 'બુટલેગરો પાસેથી પોલીસ મહિને ૩૫ લાખનો હપ્તો વસૂલ કરે છે. દારૂના અડ્ડા ચલાવતા તત્વોને પોલીસનું શરણ છે.' મનસુખ વસાવાને લોકસભાની ટિકીટની પડી લાગતી નથી. ભાજપના આ દબંગ સાંસદના આરોપની ધ્રુજારી ગાંધીનગર અને દિલ્હી સુધી પ્રસરી છે. વસાવાના નિવેદનના કારણે સત્તાધારી ભાજપની સરકાર શરમ અનુભવી રહી છે. બઘાં મંત્રીઓએ ચૂપકીદી સાધી લીધી છે.

2. શું ભારતીય વહીવટી સેવાના ઓફિસરો દૂધે ધોયેલા છે?

ભ્રષ્ટ અને બિન કાર્યક્ષમ અધિકારી કે કર્મચારીને ફરજિયાત ઘરે બેસાડી દેવાના આદેશ પછી સચિવાલયમાં ગણગણાટ શરૂ થયો છે. કેટલાક કર્મચારી આગેવાનો કહી રહ્યાં છે કે આ નિર્ણય શા માટે વર્ગ-1 થી વર્ગ-3ના અધિકારી અને કર્મચારીને લાગુ કરવામાં આવે છે. આવો નિર્ણય ભારતીય વહીવટી સેવાના અધિકારીઓ માટે થવો જોઇએ. રાજ્યના ચીફ સેક્રેટરી રાજકુમારે વિભાગોના વડાને આદેશ કર્યો છે કે 50 થી 55 વર્ષની વયના જે અધિકારી-કર્મચારી બિનકાર્યક્ષમ લાગતા હોય કે જેમની સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલતી હોય તેમને ફરજિયાત નિવૃત્ત કરી દેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે. સચિવાલયમાં ચર્ચા છે કે સરકાર આ નિર્ણયનો અમલ શરૂ કરવા માગતી હોય તો તેની શરૂઆત ભારતીય વહીવટી સેવાથી થવી જોઇએ. ઘણા અધિકારીઓ એવા છે જેમની સામે કૌભાંડો અને ભ્રષ્ટાચારના આરોપો છે પણ સરકાર આ દિશામાં આંખ આડા કાન કરી રહી છે. 

OFFBEAT : ગુજરાત ભાજપને લાગી રહ્યું છે કે હવે 'મનસુખ' માનતો જ નથી!, ગુજરાતમાં રોકાણ કરવાથી બોલિવુડની હસ્તીઓ કેમ દૂર ભાગે છે? - 10 મોટી ખબરો 2 - image

3. બોલિવુડની હસ્તીઓ ગુજરાતમાં રોકાણ કેમ કરતી નથી?

તાજેતરમાં મુખ્યમંત્રી મુંબઇની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે સિનેમેટિક પોલિસીનો ઉલ્લેખ કરી સેલિબ્રિટીને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને રિસ્પોન્સ મળ્યો નથી. ભૂતકાળ પર નજર કરીએ તો સંજય દત્ત અને તેમના શઇૈં મિત્ર પરેશ ઘેલાણીએ હોલિવૂડ જેવી ફિલ્મ સિટી બનાવવા 1000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. જેકી શ્રોફે નળસરોવરમાં 500 કરોડના ખર્ચે સ્ટુડિયો ઉભો કરવાનું વચન આપ્યું હતું. પ્રોડયુસર મિહીર ભૂતાએ 500 કરોડની ફિલ્મ સિટી, નિર્માતા ઇન્દરકુમારે વડોદરામાં ફિલ્મ સ્ટુડિયો અને ફિલ્મ એકેડેમી, અન્ય એક નિર્માતા લૂલાએ અલીયાબેટમાં 789 કરોડના ખર્ચે ફિલ્મસિટી, અજય દેવગણે 500 કરોડના રોકાણની ફિલ્મ સિટી જાહેર કરી હતી. આ જાહેરાતોને 10 વર્ષ  થવા આવ્યાં છે છતાં એક રૂપિયાનું પણ રોકાણ થયું નથી. સચિવાલયમાં ચર્ચા છે જે નેતાઓની જેમ અભિનેતાઓ પણ હવે વાયદાઓ કરવાનું શીખી ગયા છે.

OFFBEAT : ગુજરાત ભાજપને લાગી રહ્યું છે કે હવે 'મનસુખ' માનતો જ નથી!, ગુજરાતમાં રોકાણ કરવાથી બોલિવુડની હસ્તીઓ કેમ દૂર ભાગે છે? - 10 મોટી ખબરો 3 - image

4. આરોગ્ય મંત્રીના વિસ્તારમાં જતા નહીં, સાપ કરડે તો ત્યાં એન્ટી ડોટ નથી

ગુજરાતમાં એક વર્ષમાં સરેરાશ અંદાજે અઢી લાખ લોકોને સાપ કરડે છે અને તે પૈકી 3000 લોકોના મોત થાય છે. સાપ કરડવાથી જે લોકો મૃત્યુ પામે છે તેમાં સૌથી વધુ ગરીબો, ખેત કામદારો અને મજૂર વર્ગ હોય છે. આવા ગરીબ લોકો સારવાર માટે હંમેશા સરકારી હોસ્પિટલનો સહારો લેતા હોય છે પરંતુ જિલ્લાની હોસ્પિટલોમાં સર્પદંશ માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનની અછત સર્જાયેલી રહે છે. રાજ્યના આરોગ્યમંત્રીના મત વિસ્તારમાં સાપના દંશથી પિડાતી મહિલાને વિસનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પરંતુ ઇન્જેક્શન સ્ટોકમાં નહીં હોવાથી તેનો જીવ ગયો હતો. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ એવો જવાબ આપ્યો હતો કે આવી બેદરકારી માટે જે જવાબદાર હશે તેમની સામે પગલાં લેવાશે. જો કે મજૂર મહિલાના મોત પછી ક્યા અધિકારી સામે કેવા પગલાં લેવાશે તેનો જવાબ તેમની પાસે ન હતો.

OFFBEAT : ગુજરાત ભાજપને લાગી રહ્યું છે કે હવે 'મનસુખ' માનતો જ નથી!, ગુજરાતમાં રોકાણ કરવાથી બોલિવુડની હસ્તીઓ કેમ દૂર ભાગે છે? - 10 મોટી ખબરો 4 - image

5. ક્યાંય સાંભળ્યું નહીં હોય કે ઘી બે લાખ રૂપિયે કિલો મળે

એવું ક્યાંય સાંભળવામાં નહીં આવ્યું હોય કે એક કિલોગ્રામ ઘી નો ભાવ બે લાખ રૂપિયા હશે પરંતુ આ સત્ય છે. સામાન્ય રીતે ગીરની ગાયના શુદ્ધ ઘી નો ભાવ 2500 થી 5000 રૂપિયા હોય છે પરંતુ ગોંડલની એક ગૌશાળામાં બનતું ગાયનું ઘી બે લાખ રૂપિયે કિલોના ભાવે અમેરિકા, કેનેડા, સાઉદી અરેબિયા જેવા દેશોમાં વેચાઇ રહ્યું છે. ગીર ગાયની આ ગૌશાળાના ગૌપાલક તેમની પ્રોડક્ટ્સ વેચી દર મહિને 40 લાખનો બિઝનેસ કરે છે. આ ગૌશાળામાં 200થી વધુ ગાયો છે. ગૌપાલકો ગાયનું દૂધ વેચતા નથી પરંતુ તેમાંથી ઘી અને છાસ બનાવે છે. આ ઘી માં મિશ્રણ કરવામાં આવતી ઔષધિની કિંમત છ લાખ રૂપિયે કિલો છે તેથી ઘી નો ભાવ આસમાને છે. 31 લીટર દૂધમાંથી આ ઘી બને છે અને તેનો ઔષધિય ઉપયોગ છે. આ ગૌશાળામાં વેદ અને પુરાણમાં વર્ણવેલી પદ્ધતિ દ્વારા ઘી બનાવવામાં આવે છે.

OFFBEAT : ગુજરાત ભાજપને લાગી રહ્યું છે કે હવે 'મનસુખ' માનતો જ નથી!, ગુજરાતમાં રોકાણ કરવાથી બોલિવુડની હસ્તીઓ કેમ દૂર ભાગે છે? - 10 મોટી ખબરો 5 - image

6. ગુજરાત માટે રમતગમતનું 600 કરોડનું બજેટ પણ મેડલના નામે ઝીરો

ભારતના ખેલો ઇન્ડિયા સામે ગુજરાતનો ખેલ મહાકુંભ નાનો થઇ ગયો છે. છેલ્લા 13 વર્ષથી સ્કૂલ અને કોલેજોમાં સરકાર વિદ્યાર્થીઓને 40થી વધુ રમતો રમાડતી હોવા છતાં ગુજરાતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય નામના મેળવી શકતા નથી. ગુજરાત કરતાં નાના રાજ્યો ઓછા બજેટમાં પણ વિરાટ પ્રદર્શન કરી રહ્યાં છે. કેન્દ્ર  સરકારે સ્પોર્ટ્સને મહત્વ આપીને ગુજરાતને 593 કરોડનું બજેટ ફાળવ્યું હતું પરંતુ મેડલની વાત આવે છે તો એશિયન ગેઇમ્સમાં ગુજરાતનું યોગદાન શૂન્ય છે. રાજ્યમાં ખેલ મહાકુંભમાં 40 લાખ ખેલાડીઓના આંકડા બતાવવામાં આવે છે પરંતુ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રમતાં હોવા છતાં ગુજરાતે નેશનલ કે ઇન્ટરનેશન કક્ષા માટે ખૂબ ઓછા ખેલાડીઓ તૈયાર કર્યા છે. ચોંકાવનારી વિગતો એવી છે કે રાજ્યની સરકારી અને ખાનગી મળીને કુલ 6500 જેટલી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે રમત-ગમત માટેના મેદાન જ નથી. આ કારણે જ લોકો પુછે છે કે ક્યાંથી રમશે ગુજરાત અને ક્યાંથી જીતશે ગુજરાત.

7. મંત્રી હળપતિની કાર્યકરોને ગુંડાગીરી કરવા સલાહ 

ગુજરાત સરકારના મંત્રી કુંવરજી હળપતિ પાછા વિવાદમાં સપડાયા છે. હળપતિએ માંડવીના કાર્યક્રમમાં સાવ સામાન્ય વાતમાં કોંગ્રેેસ, આમ આદમી પાર્ટી અને બી.ટી.પીને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનો હુંકાર કરી નાંખ્યો. આડકતરી રીતે તેમણે ભાજપના કાર્યકરોને વિપક્ષી કાર્યકરો સામે ગુંડાગીરી કરવાનું પણ કહી દીધું. માંડવીના ઘંટોલીમાં કળશ યાત્રા દરમિયાન વીજ ટ્રાન્સફોર્મર બળી ગયું હતું, ઘંટોલીમાં કોંગ્રેસના નેતા સરપંચે છે. સરપંચે આ કાંડ કર્યો હોવાના આક્ષેપો થયા હતા. આ ઘટનાને મુદ્દે  હળપતિ ઉશ્કેરાઈ ગયા. જાહેર સભામાં તેમણે એલાન કરી નાંખ્યું કે, આ કૃત્યમાં સંડોવાયેલાં લોકોને  છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ ને આવા સરપંચને બરતરફ કરી ઘર ભેગો કરવાનો છું. હળપતિએ કાર્યકરોને પણ કહ્યું કે, આપણે બંગડીઓ પહેરી નથી એટલે કાર્યકરો તમતમારે આગળ વધો. 

8.12 સાયન્સની બે વાર પરીક્ષા મુદ્દે મતભેદો 

ગુજરાત સરકારે નવી શિક્ષણ નીતિ હેઠળ વરસમાં બે વાર  ધોરણ 12 સાયન્સની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો એ મુદ્દે શિક્ષણ નિષ્ણાતોમાં મતભેદો છે. ગુજરાત સરકાર લીધેલા નિર્ણય અનુસાર માર્ચની બોર્ડની પરીક્ષા પછી જુલાઈમા બે વિષયની પૂરક પરીક્ષાને બદલે તમામ વિષયોની પરીક્ષા લેવાશે. આ બંને પરીક્ષામાંથી જે પરિણામ સારું હશે તેને ધ્યાનમાં લેવાશે. એક વર્ગ માને છે કે, આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે અને કોઈ કારણસર પહેલી વાર પરીક્ષામાં સારો દેખાવ ના થાય તો બીજી વાર પરીક્ષા આપવાની તક છે જ એ જાણતા હોવાથી વિદ્યાર્થીઓ રીલેક્સ રહેશે. બીજો વર્ગ માને છે કે, આ નિર્ણયથી 12 સાયન્સની બોર્ડની પરીક્ષા ફારસરૂપ બની જશે. ચાર મહિનામાં બીજી વાર તક મળવાની છે એમ સમજીને વિદ્યાર્થીઓ માર્ચની પરીક્ષા અંગે ગંભીર નહીં રહે. બે વાર પરીક્ષાના કારણે શિક્ષકોનું કામ પણ વધશે. 

OFFBEAT : ગુજરાત ભાજપને લાગી રહ્યું છે કે હવે 'મનસુખ' માનતો જ નથી!, ગુજરાતમાં રોકાણ કરવાથી બોલિવુડની હસ્તીઓ કેમ દૂર ભાગે છે? - 10 મોટી ખબરો 6 - image

9. મેડિકલ સોસાયટીમાં અંધેર નગરીને ગંડુ રાજા

ગુજરાત સરકારે મોટા ઉપાડે મોરબી, રાજપીપળા, પોરબંદર, ગોધરા, નવસારી વગેરે સ્થળે મેડિકલ કોલેજો અને હોસ્પિટલો ખોલી તો દીધી પણ આ હોસ્પિટલોમાં કામ કરવા માટે સીનિયર ડોક્ટર્સ આવતા નથી. આ સમસ્યા દૂર કરવા  ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીએ અંધેર નગરી ને ગંડુ રાજા જેવો તુક્કો લડાવ્યો છે. સોસાયટીએ આ શહેરોમાં સીનિયર ડોક્ટર્સની ભરતી કરવા માટે આપેલી જાહેરખબરોમાં સીનિયર ડોક્ટર્સને 5.22 લાખ રૂપિયા સુધીનો પગાર આપવાની તૈયારી બતાવી છે. ગુજરાત સરકાર આ વધારાની રકમ આપવા તૈયાર નથી એટલે સોસાયટીએ તમામ જુનિયર રેસિડેન્ટ્સ, ટયુટર્સ અને ડેમોન્સ્ટ્રેટર્સનું સ્ટાઈપેન્ડ ૮૫ હજારથી ઘટાડીને 65 હજાર કરવાનો ઠરાવ કરી નાંખ્યો. આ ઠરાવથી ભડકેલા અસરગ્રસ્તો આંદોલન માટે બાંયો ચડાવી રહ્યા છે.

10. IAS નહેરાએ USમાં ભારતીય રાજદૂત કચેરીમાં જવા પણ અરજી કરી હતી

IAS વિજય નહેરા હમણાથી ચર્ચામાં છે. નહેરાએ અમેરીકામાં રહેલા ભારતીય દૂતાવાસમાં ફરજ પર જવાની પણ માગણી કરી હતી. કેન્દ્ર દ્વારા નહેરાને અમેરિકા મોકલવાના બદલે દિલ્હીમાં સાઈડ પોસ્ટિંગ આપી દેવાયું જેના કારણે હવે તેઓ ગુજરાત છોડવા પણ માગતા નથી તેવી ચર્ર્ચાઓ જોર પકડી રહી છે. વાઈબ્રન્ટ સમીટ પૂરી થાય ત્યાં સુધી તેમને ગુજરાતમાં રહેવા મંજૂરી અપાઈ છે પણ પછી દિલ્હીથી શું નિર્ણય લેવા છે તેના ઉપર બધાની નજર રહેશે. નહેરાની સાથે ભારદ્વાજને પણ દિલ્હીનું તેડું હતું. રાજ્ય સરકારે ભારદ્વાજને તરત જ મોકલી આપ્યા પણ નહેરાને હજી સુધી જવા દેવાયા નથી એ મુદ્દે પણ ચર્ચાઓનું બજાર ગરમ છે. 


Google NewsGoogle News