ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી પાણી ભેળવવાનું કારસ્તાન : 6 ઝડપાયા

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી પાણી ભેળવવાનું કારસ્તાન : 6 ઝડપાયા 1 - image


જેતપુર નજીકની હોટલમાં એલસીબીનો દરોડો 10,000 લીટરના ટેન્કરમાંથી 500 લીટરથી વધુ દૂધની ચોરી કરી તેટલું જ પાણી ભેળવતા હતા

રાજકોટ, : ખાદ્ય-પદાર્થો, ચીજ-વસ્તુઓ અને ડેરી પ્રોડકટમાં સમાવિષ્ટ પનીર, ઘી, મીઠાઈ અને દૂધમાં મોટાપાયે ભેળસેળના કારસ્તાનો અટકાવવામાં સરકારી તંત્ર નિષ્ફળ નિવડયું છે.  જેને કારણે ભેળસેળ અટકવાનું નામ નથી લઈ રહી. જેતપુર-જૂનાગઢ નેશનલ હાઈ-વે પર આવેલી સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડો પાડી માહી ડેરીના ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્ષ કરવાનું જબરજસ્ત કારસ્તાન પકડી પાડી છ શખ્સોની ધરપકડ કરી હતી. 

એલસીબી પીઆઈ વી. વી. ઓડેદરા અને પીએસઆઈ ડી.જી. બળવાએ મળેલી બાતમીના આધારે સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડતા બે ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી મિક્ષ કરવાનું કારસ્તાન ચલાવતા છ શખ્સો ઝડપાઈ ગયા હતા. 

જેમાં જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા હિરા ગોવિંદભાઈ કલોતરા,  અર્જુન રમેશભાઈ ભારાઈ, જોષીપુરા વિસ્તારમાં રહેતા જસા ગોવિંદભાઈ કલોતરા, જેતપુરના પીઠડીયા ટોલ નાકે રહેતા ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી ઉપરાંત ઉત્તર પ્રદેશના વરાણાસી જીલ્લાના બલીરામ લાલબહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવનો સમાવેશ થાય છે. 

સ્થળ પરથી એલસીબીએ 11,925 અને 16,820 લીટર દૂધ ભરેલા બે ટેન્કરો, 500 લીટર દૂધ ભરેલી બોલેરો પીકઅપ વાન, સાત મોબાઈલ ફોન, ચાર પ્લાસ્ટીકના ટાંકા અને બે ઈલેક્ટ્રિક મોટર, અન્ય સાધનો મળી કુલ રૂ.ર૪.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

એલસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર તરીકે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા બાલુ ઉર્ફે ઘેલીયો પરબતભાઈ કોડીયાતરનું નામ ખુલ્યું છે. જે હાજર મળ્યો નથી. પ્રાથમિક તપાસમાં દૂધના બંને ટેન્કરો સુરેન્દ્રનગરથી જૂનાગઢ તરફ જઈ રહ્યાનું જાણવા મળ્યું છે. 

પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ 10,000  લીટરના એક ટેન્કરમાંથી 500 લીટરથી વધુ દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી ભેળવતા હોવાની કબુલાત આપી છે. છેલ્લા પખવાડીયાથી આ કારસ્તાન ચાલતું હોવાની માહિતી મળી છે. સોરઠ હોટલના કમ્પાઉન્ડ પહેલા આરોપીઓ બીજી કોઈ જગ્યાએ આ રીતે ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણી ભેળવતા હતા કે કેમ તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. ખરેખર આરોપીઓ કેટલા સમયથી આ કારસ્તાન કરતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. 

યુપીના બંને શખ્સો ટેન્કરના ડ્રાઈવર છે. આરોપી ભીખુએ સોરઠ હોટલ ભાડે રાખી હતી. જેમાં તે આરોપીઓને ટેન્કરમાંથી દૂધની ચોરી અને ભેળસેળ માટે જગ્યા પુરી પાડતો હતો. અન્ય આરોપીઓ બોલેરો વગેરેના ડ્રાઈવરો છે. જેતપુર તાલુકા પોલીસ મથકમાં ચોરી, ચીટીંગ અને ભેળસેળ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. 

ટેન્કરોમાંથી ટાંકીઓમાં દૂધ ભરવા માટે આરોપીઓ ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરતા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને એલસીબીએ સ્થળ પર બોલાવી દૂધનું પરિક્ષણ કરાવ્યું હતું.


Google NewsGoogle News