મહેસાણા નજીક ‘અમૂલ’ના નામે વેચાતા શંકાસ્પદ ઘી વેચવાના કૌભાંડનો પર્દાફાશ, 5000 કિલો જથ્થો જપ્ત
Duplicate Ghee : સેન્ટ્રલ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ નેશનલ ક્રાઇમ બ્યુરો તરફથી મળેલી ફરિયાદના આધારે એક બહુ મોટા ઓપરેશનમાં મહેસાણાના કમલી ખાતે મેસર્સ રજવાડી ડેરી પ્રોડક્ટસ ખાતે દરોડા પાડી અમૂલના જેવું જ લેબલીંગ અને પેકીંગ કરી અમૃત ઘી નામે વેચાતા શંકાસ્પદ ઘીનો પાંચ હજાર કિલો જેટલો બહુ મોટો જથ્થો જપ્ત કરતાં ભેળસેળીયા તત્વોમાં ફફડાડની લાગણી ફેલાઇ ગઇ છે. સેન્ટ્રલ ફુડ સેફ્ટી ઓફિસરોએ ઘટનાસ્થળેથી આશરે રૂ.35 લાખની કિંમતનો શંકાસ્પદ ઘી નો બહુ મોટો જથ્થો પણ જપ્ત કરી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અને રૂલ્સની જોગવાઇ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમૂલ બ્રાન્ડ જેવું જ લેબલિંગ-પેકિંગ કરી ઘી વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સેન્ટ્રલ ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા મેસર્સ રજવાડી ડેરી પ્રોડક્ટસ ખાતેથી શંકાસ્પદ ઘી(અમૃત ઘી)ના વિવિધ નમૂનાઓ લઇને સેન્ટ્રલ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ઓથોરાઇઝ્ડ સેન્ટ્રલ લેબોરેટરીમાં આ નમૂનાઓ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે.
મહેસાણાના કમલી ખાતે મેસર્સ રજવાડી ડેરી પ્રોડક્ટસ ખાતે બિલકુલ અમૂલના બ્રાન્ડ જેવું જ લેબલીંગ, કલર અને પેકીંગ કરી અમૃત ઘીના નામે શંકાસ્પદ ઘીનો જથ્થો વેચાણ કરવામાં આવે છે અને મોટાપાયે ત્યાં ગાયનું ઘી, ભેંસનું ઘી, પ્યોર ઘી અમૃત ઘીના નામે તૈયાર થાય છે અને ત્યાંથી જ માર્કેટીંગ-વેચાણને બઘુ થાય છે.
આ ફરિયાદને ગંભીરતાથી લઇ સેન્ટ્રલ અધિકારીઓ ટીમ સાથે મે.રજવાડી ડેરી પ્રોડક્ટસ ખાતે ત્રાટકયા હતા અને સમગ્ર ગોડાઉન અને સ્થળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, મે.રજવાડી ડેરી પ્રોડક્ટસ પાસે જો આવુ ગાયનુ ઘી, પ્યોર ઘી કે દૂધની બનાવટવાળી પ્રોડક્ટ વેચાણ કરવી હોય તો ડેરી યુનિટનું લાયસન્સ લેવું પડે પરંતુ તેમની પાસે આ કેટેગરીનું લાયસન્સ જ ન હતુ. મે.રજવાડી ડેરી પ્રોડક્ટ્સ પાસે જનરલ મેન્યુફેકચરીંગનું લાયસન્સ હોવાછતાં તેઓ ગેરકાયદે રીતે આ પ્રકારે અમૂલ જેવું જ લેબલીંગ, પેકીંગ અને કલર સહિતની બાબતોમાં બિલકુલ અસલ લાગે તે જ પ્રકારની નકલ કરી અમૃત ઘીના નામે ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ કરતા હતા.