પદ્ધતિસરનું કૌભાંડ: ડુમસ-વાટા ગામમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ જિલ્લા પંચાયતના બોગસ N.A. ઓર્ડર પર બન્યાં
Representative image |
Bogus Property Card Scam In Surat: સુરતના ડુમસ અને વાટાની કરોડો રૂપિયાની કિંમતી જમીનમાં બોગસ પ્રોપટી કાર્ડ બનાવવાના કૌભાંડના મુળમાં જિલ્લા પંચાયતનો વર્ષ 2005નો બનાવટી એન.એ (બિનખેતી ) રજુ કરાયો હતો. તેના આધારે જે 327 પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા, તે પહેલા ફ્રિઝ કરાયા હતા અને થોડા સમય પહેલા જ સુરત જિલ્લા કલેકટરે બોગસ એન.એના ઓર્ડરના આધારે જે 327 બોગસ પ્રોપટી કાર્ડ બન્યા હતા. તે તમામ રદ કરી દઇને જમીનની મુળ સ્થિતિ લાવી દેવાઇ હતી. આ બોગસ એન.એ ઓર્ડર કયાંથી આવ્યો અને કોણે રજુ કર્યો તે અંગે તપાસ થાય તો ખેલ કરનારનો પદાર્ફાશ થઈ શકે તેમ છે.
સુરતના ડુમસ, વાટાની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ કેવી રીતે થયુ? તે અંગે મળેલી માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં એક પ્રોપર્ટીકાર્ડ આપવા માટે ઝુબેશ શરૂ કરાઇ હતી. આ ઝુંબેશમાં અંદાજે 50 હજારથી વધુ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. આ કાર્ડમાંથી સુરતના ડુમસના બ્લોક નં. 815,801/2, 803, 804, 823, 787/2 અને વાટાના બ્લોક નં.61 વાળી જમીનના પણ અલગ અલગ 327 જેટલા પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા.
આ જમીન બિનખેતી થઇ ના હતી. જેથી આ પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે બન્યા હોવાની ફરિયાદ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ-1ના અધિકારી અનંત પટેલે ઉપરી અધિકારી એવા નાયક નિયામક કાનાલાલ ગામીતને કરીને પ્રોપર્ટી કાર્ડ ફ્રીઝ કરવા જાણ કરી હતી. તેમજ આ અંગે ગાંધીનગર ખાતે લેન્ડ રેકોર્ડ વિભાગમાં ઉચ્ચ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી.
જેથી આ મુદ્દે તપાસ શરૂ કરવાની સૂચના અપાઇ હતી. જેથી તપાસ દરમિયાન ડુમસ અને વાટા ગામની જમીનના પ્રોપર્ટી કાર્ડ માટે સુરત જિલ્લા પંચાયતમાંથી વર્ષ 2005૫માં બિનખેતીનો હુકમ થયો હોવાનું કોમ્પ્યુટર ડેટામાં દર્શાવાયું હતું. જેથી જિલ્લા પંચાયત પાસે અભિપ્રાય મંગાતા બિનખેતીનો આવો કોઈ હુકમ થયો ન હોવાનું જણાવાતા વર્ષ 2020માં તત્કાલીન જિલ્લા કલેકટર ધવલ પટેલે આ તમામ 327 પ્રોપર્ટી કાર્ડ ફ્રિઝ કરી દેવાનો હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: પારદર્શી વહીવટીની ગુલબાંગ છતાં 10 વર્ષમાં AMCમાં રસીદકાંડથી લઈને ભરતીકાંડ સુધીનો સિલસિલો
તેમજ આ અંગે સરકારને જાણ કરીને મંજુરી માંગવામાં આવી હતી. તે દરમિયાન કલેક્ટર ધવલ પટેલની જૂન 2021માં બદલી થતા આયુષ ઓક નવા કલેક્ટર તરીકે આવ્યા હતા. જો કે, તેમના કાર્યકાળ દરમિયાન સરકાર તરફથી કોઈ ઓર્ડર આવ્યો નહોતો. દરમિયાન તેમની સામે જાન્યુઆરી 2024માં સસ્પેન્શનની કાર્યવાહી થતા સુરતના નવા કલેકટર તરીકે ડો.સૌરભ પારધી નિયુક્ત થયા હતા.
તાજેતરમાં સપ્ટેમ્બર 2024માં ગાંધીનગરથી હુકમ થતા સુરત જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીએ આ તમામ પ્રોપટી કાર્ડ રદ કરી દેવાનો હુકમ કર્યો હતો. જમીનની મૂળ સ્થિતિ લાવી દેવામાં આવી હતી. જો કે, બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવા કોણે જિલ્લા પંચાયતનો બોગસ બિનખેતીનો લેટર રજુ કર્યો તે હજુ રહસ્ય સીઆઇડી ક્રાઇમની તપાસમાં જ ખૂલે એવી શક્યતા છે.
અનંત પટેલ સીઆઇડી ક્રાઇમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી
પ્રોપર્ટી કાર્ડની ઝુબેશ દરમિયાન ડુમસ અને વાટાની જમીનના જે બોગસ પ્રોપટી કાર્ડ બન્યા હતા. તે વખતના સુપરિટેન્ડન્ટ અધિકારી અનંત પટેલના ધ્યાને આવતા તેમણે નાયબ નિયામક કાનાલાલ ગામીતને લેખિતમાં જાણ કરી હતી. ત્યારબાદ આખુ પ્રકરણ બહાર આવ્યુ હતુ અને પ્રોપર્ટી કાર્ડ રદ કરી દેવાયા હતા. અલબત્ત સીઆઇડી ક્રાઇમે નોંધેલા ગુનામાં અનંત પટેલ પણ આરોપી દર્શાવાયા છે. હાલમાં અનંત પટેલ રજા પર ઉતરી ગયા છે તેમનો ફોન પણ બંધ હોવાનું જાણવા મળે છે.
બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવતી વખતે કોણે અંગુઠા મુકયા તે પણ રહસ્ય
વર્ષ 2020ની પ્રોપટી કાર્ડની ઝુંબેશમાં આ ચકચારી ડુમસ વાટા જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા બાદ આખરી મંજુરી માટે અધિકારી પાસે અંગુઠા મુકવવાના હોય છે. સૂત્રોના જણાવ્યાનુસાર, તે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ વર્ગે-1ના અધિકારી હાલના લેન્ડ રેકડ અધિકારી એવા અનંત પટેલ હતા. તેમના ઉપરી અધિકારી એટલે કે સુપ્રરિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ અધિકારી કાનાલાલ ગામીત હતા.
સુત્રો જણાવ્યાનુસાર,પ્રોપટી કાર્ડની આખરી મંજુરી અનંત પટેલની અંગુઠાથી થાય છે. પરંતુ આ પ્રોપર્ટી કાર્ડમાં અનંત પટેલની જગ્યાએ ઉપરી અધિકારી એવા કાનાલાલ ગામીતના અંગુઠાથી પ્રોપટી કાર્ડ તૈયાર થયા હોવાની ચર્ચા છે. અલબત્ત આ બાબત સીઆઇડી ક્રાઇમની તપાસમાં બહાર આવશે.
ઓપરેશન ગંગાજળ હેઠળ કાનાલાલ ગામીતને ફરજિયાત નિવૃત કરાયા
નાનપુરા બહુમાળી કેમ્પસના સુત્રોના જણાવ્યાનુસાર, સીઆઇડી ક્રાઇમની ફરિયાદમાં પ્રથમ આરોપી એવા સીટી સર્વેમાં નાયબ નિયામક કાનાલાલ ગામીત કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં પકડાયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારના ઓપરેશન ગંગાજળ અભિયાન હેઠળ આ અધિકારીને ફરજિયાત નિવૃત કર્યા છે.
ત્રણ ગામના 34 બ્લોક નંબરના 327 જેટલા પ્રોપર્ટી કાર્ડ બન્યાં છે
સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોગસ પ્રોપર્ટી કાર્ડની થયેલી ફરિયાદ વિશે મળેલી વધુ માહિતી મુજબ ડુમસપટ્ટીના ત્રણ ગામો ડુમસ, વાટા અને ગવિયરના વર્ષ 2019માં કુલ 34 બ્લોક નંબરના 327 બોગસ પ્રોપટી કાર્ડ જિલ્લા પંચાયતના બિનખેતીના ઓર્ડરના આધારે બની ગયા હતા અને અંતે રદ કરી દેવાયા છે. આમ જિલ્લા પંચાયતનો ઓર્ડર કયાંથી આવ્યો તે પણ એક તપાસનો વિષય બન્યો છે.