કલકતાથી જામનગર ટ્રેન દ્વારા ગેરકાયદેસર રીતે સસલા મોકલવાનું કૌભાંડ ઝડપાયું
કલકતાથી જામનગર ટ્રેન દ્વારા ગેરકાયદેસર રીતે સસલા મોકલવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે જામનગર રેલવે સ્ટેશને રેલવે પોલીસ તથા જીવદયા પ્રેમી સહિતની ટીમે પાર્સલ ખોલતાં તેમાંથી ખીચોખીચ ભરેલા ૮૦ જેટલા સસલાઓ મળી આવ્યા હતાં અને તે પૈકીના ૮ જેટલા સસલાઓના મોત નિપજ્યા હતા.
દરિયાકિનારેથી નશીલા પદાર્થ અને સોનાની દાણચોરી તથા હથિયારો ઘુસાડવાની પ્રવૃત્તિઓતો થતી હતી પરંતુ હવે સસલાઓની ગેરકાયદેસર હેરફેરનું કૌભાંડ પણ કરવામાં આવી રહ્યું છે. જામનગરના જીવદયા પ્રેમીની સમય સુચકતા અને સાવચેતીના કારણે કોલકતાથી જામનગર ટ્રેન મારફતે સસલાઓ મોકલવાનું કૌભાંડ ઝડપી લેવામાં રેલવે પોલીસની મહત્વની સફળતા મળી હતી.
કલકતાથી અમદાવાદ અને અમદાવાદ અને જામનગર આવતી ટ્રેન દ્રારા ગેરકાયદેસર રીતે સસલાઓની હેરાફેરી કરાતી હોવાની મળેલી બાતમીના આધારે જીવદયાપ્રેમીએ રેલવે પોલીસને જાણ કરી હતી.
જેના આધારે ગત રાત્રિના સમયે જામનગર રેલવે સ્ટેશન પર અમદાવાદથી આવતી ટ્રેનમાં સસલાઓની હેરાફેરી કરાતી હોવાથી વોચ રાખવામાં આવી હતી અને ત્યારબાદ ટ્રેન આવ્યા પછી રેલવે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાતાં લોખંડની જાળીવારા બોકસમાં સસલાઓ પેક કરી પાર્સલમાં મોકલવામાં આવ્યાં હતાં.
પોલીસ દ્વારા આ પાર્સલ મંગાવનાર વ્યક્તિનો ટેલીફોનિક સંપર્ક કરાતા તેણે પાર્સલ અમારા છે જ નહીં તેવું જણાવી હાથ ઉંચા કરી દીધા હતાં અને ત્યારબાદ રેલવે પોલીસે પાર્સલ ખોલતા આ પાર્સલ ખોલતા ૮૦ થી વધારે સસલા મળી આવ્યા હતાં અને તે પૈકીના ૮ સસલાઓનું મોત નિપજ્યું હતું. જેથી જીવદયા પ્રેમીએ જીવતા સસલાઓને માછલી ઘર ખાતે સલામત રીતે પહોંચાડી દેવામાં આવ્યાં હતાં અને ત્યાંથી અન્ય સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યાં છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ટ્રેનમાં પાર્સલ મારફતે સસલાઓની હેરાફેરી કરાતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો, અને આ રીતે સસલાઓને પાર્સલમાં ટ્રેન મારફતે સપ્તાહમાં ચારથી પાંચ વખત હેરાફેરી કરવામાં આવે છે, તેવું જાણવા મળ્યું હતું. ઉપરાંત દર વખતે આવતા પાર્સલમાંથી અમુક સસલાઓના મોત નિપજ્યાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે જ્યાંથી પાર્સલ કરવામાં આવે છે ત્યાં કેવા પ્રકારનું ચેકિંગ અને સલામતી હશે ? તે વિચારી શકાય તેવી બાબત છે. જો કે, જામનગરના જીવદયા પ્રેમીની સતર્કતા અને સાવચેતીના કારણે અસંખ્ય સસલાઓના જીવ બચી ગયા હતા.