ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં નોકરી-પગાર ચાલુ રાખી વિદેશગમન કરવાનું શિક્ષકોનું સુવ્યવસ્થિત કૌભાંડ
Image : AI |
Gujarat: સરકારી શાળામાં નોકરી અને પગાર ચાલુ રાખી વિદેશગમન કરી ગયેલા શિક્ષકોનું એક કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ગુજરાતમાં ચાલી રહ્યું છે. બનાસકાંઠા બાદ હવે ખેડા જીલ્લામાં પણ આવા વિદેશી શિક્ષકોની ઘટના સામે આવી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક હાજરીની સમીક્ષા રાજય સરકારના 'વિદ્યા સમીક્ષા' કેન્દ્ર ઉપર થઈ રહી છે છતાં ચાલુ નોકરી અને ચાલુ પગારે કઈ રીતે શિક્ષકો વિદેશ પહોંચી ગયા છે.
સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું
આ કૌભાંડમાં અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં શિક્ષક વિભાગના કેટલા લોકો સામેલ છે તેની તપાસ થવી જોઈએ. ભ્રષ્ટાચાર હવે માત્ર જમીન, મહેસૂલ કે ગૃહ ખાતા સુધી નહીં પણ શિક્ષણ વિભાગને પણ કોરી ખાઈ રહ્યો છે. દાંતા તાલુકાની પાન્છા પ્રાથમિક શાળામાં શિક્ષીકા અમેરિક હોવા છતાં શાળાના રજીસ્ટરમાં નામ ચાલતુ હોવાની ચર્ચાઓ જાગી હતી. આ મામલે શાળાન આચાર્યએ શિક્ષણ વિભાગમાં પણ જાણ કરી હતી. જે બાદ સમગ્ર મામલો સામે આવતાં જિલ્લામાં સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગેરહાજરી માટે ત્રણ શો-કોઝ નોટિસ બાદ હવે સરકાર આકરાં પગલાં લેશે
બનાસકાંઠા જિલ્લાની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો બાળકોના અભ્યાસના ભોગે ફરજમાં ગુલ્લી મારી એક વર્ષ કરતા વધુ સળંગ ગેરહાજર રહેતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે જિલ્લાના 5 શિક્ષકોને તાલુકા કક્ષાએ 3-3 વાર નોટિસો આપવા છતાં આ શિક્ષકો દ્વારા પ્રત્યુતર આપવામાં ના આવતા આ શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આખરી નોટિસો આપવામાં આવી છે. તેમ છતાં પણ શિક્ષકો જવાબ રજૂ કરવામાં નહીં આવે તો તેમની સામે ફરજ મોકૂફીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં 5 વિદેશી શિક્ષકો મળ્યા
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાંચ જેટલા શિક્ષકો બાળકોના અભ્યાસના ભોગે લાંબા સમયથી ફરજમાં લાપરવાહી દાખવી રજા પર ઉતરેલા હોવાનું સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં બે, કાંકરેજ તાલુકામાં બે અને વાવમાં એક મળી કુલ 5 શિક્ષકો છેલ્લા એક વર્ષથી સળંગ રજા ઉપર હોય આ શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રિપોર્ટ તૈયાર કરી કારણદર્શક ખુલાસો રજૂ કરવા ત્રણ ત્રણ વાર નોટિસો ફટકારવામાં આવી હતી. તેમ છતાં આ શિક્ષકો દ્વારા કોઈ જ પ્રત્યુતંર આપવામાં ના આવતા ફરજમાં ગુલ્લી મારતા પાંચ શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આખરી નોટિસો ફટકારવામાં આવી હતી. તેમ છતાં તેમના દ્વારા કોઈ ખુલાસો રજૂ કરવા નહીં આવે તો આ 5 શિક્ષકોના ફરજ મોકૂફી હુકમો કરવામાં આવશે.
ખેડામાંથી 8 શિક્ષકોનું વિદેશગમન, 3 શિક્ષકોને ટર્મિનેટ કરાયા
શિક્ષણ વિભાગમાં નોકરી લાગી તગડો પગાર લઈને પણ વિદેશ જઈ કમાણી કરવા માટે બાળકોના શિક્ષણનો ભોગ લેતા શિક્ષકો સામે હવે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે જેમાં ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ટર્મિનેશનની પ્રક્રિયા ફેબ્રુઆરી મહિનાથી જ ચાલુ કરી દીધી છે જેમાં 8 જેટલા વિદેશ ગયેલા શિક્ષકોમાંથી 3ને 31.07.2024ના રોજ 3 શિક્ષકોને સર્વીસ ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે.
ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલાએ જણાવ્યું કે ફેબ્રુઆરીમાં ખેડા જિલ્લામાં આવતા મારે ધ્યાને આવ્યું કે જિલ્લાની પ્રાથમિક શાળાઆમાંથી 8 શિક્ષકો વિદેશ ગયેલા છે, જેમાં એક માંદગીના કારણે વિદેશ છે. ફરિયાદો બહુ હતી જેથી ફેબ્રુઆરીમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ખેડા જિલ્લામાં ૩ શિક્ષકોને 31.07.2024 સુધી ટર્મિનેટ કરી દીધા છે. એક વર્ષ પૂરું થતાં પહેલા ત્રણ નોટિસ આપી દઈએ અને મીનિટસમાં લઈને અમે પ્રક્રિયા કરીએ છીએ. જેમાં ખેડા જિલ્લામાં એક નહિ 8 શિક્ષકો વિદેશમાં છે જેમને સરકારી નોકરીમાંથી દૂર કરવા કાયદેસર પ્રક્રિયા કરવી પડે છે.નડીયાદ તાલુકાની હાથજ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સોનલબેન પરમાર 01.09.2023થી વિદેશ જતાં રહ્યા છે જે છેલ્લા 11 મહિનાથી શાળામાં ગયા ન હતા અને તેમને ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા 3 નોટિસ આપવામાં આવી છે અને આવતા મહિને સપ્ટેમ્બરમાં એનું એક વર્ષ પૂર્ણ થતાં શિક્ષણ વિભાગ શિક્ષક તરીકેની નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેશે.
સારવાર અને સામાજિક કાર્યના બહાના હેઠળ બે શિક્ષિકા એક વર્ષથી ગેરહાજર
બનાસકાંઠા જિલ્લા બાદ મહેસાણામાં પણ શિક્ષકોની ગેરહાજરીનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. કડી તાલુકાની બે પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ એકાદ વર્ષથી વિદેશમાં વસવાટ કરી રહ્યા હોવાથી મોટી અસર વિદ્યાથીઓ અને બાળકોના અભ્યાસ ઉપર જોવા મળી રહી છે. ત્યારે વિદ્યાથીઓનું ભવિષ્ય અંધારામાં મૂકનારા આવા બેજવાબદાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
આશાબેન પટેલ વિદેશમાં જતા રહ્યા હોય તેવું ચર્ચાસ્પદ બન્યું
કડી તાલુકાના રણછોડપુરા પ્રાથમિક શાળાના કલાકાર તરીકે પોતાનું નામ બનાવી શિક્ષક બનેલા કવિતા દાસ અમેરિકામાં છેલ્લા એક વર્ષથી જતા રહ્યા હોય તેવું ખુલવા પામ્યું છે. બીજી તરફ બુડાસણ ગામે આવેલી પ્રાથમિક શાળાના આશાબેન પટેલ પણ એકાદ વર્ષથી વિદેશમાં જતા રહ્યા હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે. રણછોડપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લેતાં આચાર્યએ કહ્યું હતું કે કવિતાબેન દાસ ગત 31 ઓગસ્ટ 2023થી 89 દિવસની રજા મૂકી હતી. પગાર પત્રમાં જોવા મળ્યું હતું કે બીન પગારી કપાત રજા વિદેશ પ્રવાસ ગયા છે. તેમના દ્વારા પણ લેખિતમાં શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે કે મેડિકલ કામ માટે અમેરિકા રોકાઈ હોવાનું જાણવા મળ્યું છે.
બુડાસણ પ્રાથમિક શાળાના શિક્ષિકા પણ રજા પર
કડી તાલુકાના છત્રાલ રોડ ઉપર આવેલી બુડાસણ પ્રાથમિક શાળાના એક શિક્ષિકા છેલ્લા એક વર્ષથી સામાજિક કામ માટે રજા ઉપર ઉતરીને વિદેશમાં જતા રહ્યા હતા. 12 સપ્ટેમ્બર 2023 તેઓ રજા ઉપર ઉતર્યા હતા. અને થોડાક મહિનાઓ બાદ સ્કૂલમાં ખબર પડી હતી કે તેઓ તો અમેરિકા જતા રહ્યા હતા. આચાર્ય જયેશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા એકાદ વર્ષથી આશાબેન પટેલ નામના શિક્ષિકા સામાજિક કામ માટે લેખિતમાં જાણ કરીને રજા ઉપર ઉતર્યા હતા જ્યારે અમે તેમને જાણ કરી હતી કે તમે તાલુકામાં જાણ કરી દેજો પરંતુ તેઓએ જાણ કરી ના હતી. જે બાદ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
ગામડાંની મોટા ભાગની સ્કૂલો ડમી શિક્ષકોના હવાલે
કપડવંજના શિવપુરાની પ્રાથમિક શાળામાં ડમી શિક્ષકનો કિસ્સો બહાર આવ્યો છે. આ સ્કૂલના મુખ્ય શિક્ષક આશિષ પટેલ વિજય નામની અન્ય વ્યક્તિને પોતાના સ્થાને મૂકીને પગાર લે છે. મુખ્ય શિક્ષક આશિષ પટેલનો પગાર 80 હજાર રૂપિયા છે પણ તેમને પગાર લેવા સિવાય બીજો રસ જ નહોતો તેથી પોતાના બદલે સ્થાનિક યુવકને ડમી તરીકે મૂકીને પોતે બીજા બધા ધંધા કર્યા કરતા હતા. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે, વિજયભાઈ પાછળા ઘણા સમયથી અમને ભણાવે છે અને આશિષ પટેલ તો આવતા જ નથી. ગુજરાતનાં મોટા ભાગનાં ગામડાંની સ્કૂલો આ રીતે ડમી શિક્ષકોના ભરોસે ચાલે છે. આ સ્થિતી હોય ત્યાં ગુજરાતના શિક્ષણનું સ્તર ક્યાંથી ઉંચુ આવે?
રજાનો શું નિયમ હોય છે....
સરકારી કર્મચારીને વિદેશ જવા માટે પરત આવવાની શરતે કુલ 90 દિવસની રજા જિલ્લા કક્ષાએ જ મંજુર કરવામાં આવે છે. 90 દિવસ કરતાં વધુ સમય રજા મળતી નથી. એ સિવાય અન્ય રજાઓ જેવી કે મેડિકલ સહિતની બાબતોમાં હક રજા મળતી હોય છે, જે સરકારે નક્કી કરેલી હોય છે. એ સિવાય વધુ રજા કપાત પગારથી અપાતી હોય છે. જોકે કોઈ કર્મચારી એક વર્ષથી વધુ સમય કોઈપણ પ્રકારની મંજૂરી વિના રજા ઉપર રહે તો તેને બરતરફ કરવા સુધીના પગલા ભરવાની જોગવાઈ છે. પરંતુ આ સમજોગોમાં પણ કર્મચારીને કારણ દર્શક નોટીસ આપી પ્રથમ ખુલાસો પૂછ્યાં બાદ જ કાર્યવાહી કરાતી હોય છે.