'ખોટુ ન લગાડતા, હું મારી મરજીથી જાઉ છું' લખી યુવાનનો આપઘાત
રામાપીર ચોકડી નજીક શાસ્ત્રીનગરનો બનાવ : પત્ની પાસેથી મળેલા ફોટા અંગે પતિએ સાળાને કહ્યું: લાગી આવતા પત્નીએ જીંદગી ટુંકાવી લીધી
રાજકોટ, : 'ખોટુ ન લગાડતા, હું મારી મરજીથી જાઉ છું' લખી પ્લંબીંગ કામ કરતા સંજય હેમરાજભાઈ પરમાર (ઉ.વ. 28 રહે. શાસ્ત્રીનગર, રામાપીર ચોકડી પાસે, 150 ફુટ રીંગ રોડ) એ ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શાસ્ત્રીનગર-11માં રહેતા અને પ્લંબીંગ કામ કરતો સંજય ત્રણ ભાઈમાં નાનો અને અપહરણીત હતો. તેણે આજે બપોરે ઘરે પોતાના ઉપરના રૂમમાં પંખા સાથે સાલ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. માતા તેને જમવા માટે બોલાવવા જતા તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા. અન્ય પરિવારજનોને જાણ કર્યા બાદ 108ને જાણ કરતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાણ થતા ગાંધીગ્રામ-ર પોલીસના જમાદાર ભગીરથસિંહ ખેરે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યુ કે મૃતક પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી છે જેમાં 'ખોટુ ન લગાડતા હું મારી મરજીથી જાઉ છુ' તેમ લખેલુ છે. હાલ તે કબ્જે લઈ વધુ તપાસ જારી રાખી છે.
બીજા બનાવમાં કોઠારીયા ગામ નજીક ઝુપડામાં રહેતા શાંતાબેન સમીરભાઈ ભાંભોર (ઉ.વ. 26) એ તેના ઘર પાછળ લાપાસરી જતા રોડ પર લીમડાના વૃક્ષ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આજીડેમ પોલીસે જણાવ્યુ કે મૃતકના પતિ મજુરી કરે છે મૃતક પાસેથી કોઈ યૂવાનનો ફોટો મળતા પતિએ તે અંગે પુછપરછ કરી હતી. જેથી મૃતકે ફોટો સળગાવી નાખ્યો હતો. આથી તેના પતિએ મૃતકના ભાઈને આ અંગે વાત કરતા લાગી આવતા આ આત્મઘાતી પગલૂં ભરી લીધાનુ પ્રાથમિક તપાસમાં ખુલ્યૂ છે.
ત્રીજા બનાવમાં રાજકોટ નજીક બેડી ગામમાં રહેતા ગોરધનભાઈ ખીમજીભાઈ મકવાણા (ઉ.વ. 49) એ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકને ગળાના ભાગે ગાંઠ થઈ હતી. તેની દવા પણ ચાલુ હતી. પરંતુ આ ગાંઠ કેન્સરની હોવાની તેને શંકા જતા ચિંતામાં રહેતા હતા. બાદમાં આ પગલુ ભરી લીધાનુ કુવાડવા પોલીસની તપાસમાં ખુલ્યુ છે.