કોમ્પ્લેક્સની અગાસીમાં ફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત
- આણંદના સરદાર પટેલ રોડ પર
- 6 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતાં આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
આણંદના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર કૃષ્ણા શ્રેય કોમ્પ્લેક્સની પાછળના ભાગે રહેતા અજયદેવસિંહ બારિયા (મુળ રહે. દાહોદ)એ છ મહિના પહેલા સોનલ (ઉં.વ.૨૧)સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. સોનલે અગમ્ય કારણોસર સોમવારે રાત્રે કોમ્પ્લેક્સની અગાસી ઉપર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિ અજય મજૂરી અર્થે બગાર ગયો હોવાથી ઘરે પરત ફરતા પત્ની આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી. જોકે, મૃતદેહને અગાસી પરથી ઉતારી લિફ્ટ મારફતે નીચે લાવતા સમયે સ્થાનિકોએ તેને જોઈ જતાં તે લાશને ત્યાં મૂકી નાસી ગયો હતો. આ અંગે આણંદ શહેર પોલીસને જાણ થતાં ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે મોકલી હતી. તેમજ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેવામાં પરિણીતાના શંકાસ્પદ મોત અંગે પતિ તરફ શંકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ જાણી શકાશે તેમ પોલીસે જણાવ્યું હતું.