જેની સાથે સગાઈ થઈ તેની સાથે જ ભાગીને લગ્ન કરનાર યુવતીનો આપઘાત

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
જેની સાથે સગાઈ થઈ તેની સાથે જ ભાગીને લગ્ન કરનાર યુવતીનો આપઘાત 1 - image


યુવતી મૂળ લોધિકાના ચીભડા ગામની વતની હતી : પિતાએ જમાઈ સામે ફરિયાદ નોંધાવી પુત્રીને માવતર સાથે સંબંધ કે સંપર્ક રાખવા નહીં દઈ ત્રાસ આપતો હોવાનો  આક્ષેપ

રાજકોટ, : લોધીકાના ચીભડા ગામે  રહેતી અંકિતા (ઉ.વ. 20)એ એકાદ વર્ષ પહેલાં લવમેરેજ કર્યા બાદ ગઈકાલે રૈયા ગામે આવેલા વોટર પ્લાન્ટની દુકાને ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતાએ જમાઈ સામે ગાંધીગ્રામ-2 પોલીસમાં પોતાની પુત્રીને ત્રાસ આપી, આપઘાતની ફરજ પાડયાની ફરિયાદ નોંધાવી છે. 

લોધીકાના ચીભડા ગામે રહેતા રમેશભાઈ નંદાસીયા (ઉ.વ. 42)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે છુટક મજુરી કરે છે. મોટી પુત્રી અંકિતાની સગાઈ વડવાજડીના જયેશ હિરાભાઈ વિઠ્ઠલપરા સાથે કરી હતી.  આમ છતાં એકાદ વર્ષ પહેલાં તેની પુત્રી અને જયેશ ભાગી ગયા હતા. જેથી તે વખતે તેની પુત્રી ગુમ થયા અંગે લોધીકા પોલીસમાં જાહેરાત કરી હતી.

તપાસ કરતાં તેની પુત્રી સસરાના ઘરેથી મળી હતી. સમાજના આગેવાનોએ તેની પુત્રીના સાસરિયામાં જઈ સમજાવટ કરી છતાં સાસરિયાઓએ તેની પુત્રી સાથે મુલાકાત કરવા દીધી ન હતી. ત્યારથી તેની પુત્રી અને જયેશ પતિ-પત્ની તરીકે રહેતાં હતા. તે વખતે જયેશે તેમને કહી દીધું હતું કે હવે અમારે તમારી સાથે કોઈ સંબંધ નથી. ત્યારથી પુત્રી સાથે કોઈ સંબંધ કે સંપર્ક ન હતો. 

આ ઘટનાક્રમ વચ્ચે ગઈકાલે રાત્રે પોલીસે કોલ કરી જણાવ્યું કે તમારી પુત્રીએ ઝેરી દવા પીધી છે. હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેથી તેણે પુત્રી સાથે કોઈ સંબંધ નહી હોવાનું કહી દીધું હતું. આ પછી રાત્રે પોલીસ ઘરે આવી હતી અને કહ્યું કે તમારી પુત્રીનું અવસાન થયું છે. તેની લાશ હાલ સિવીલમાં પડી છે. જેથી તમારે આવવું પડશે. 

પરિણામે ગામના માજી સરપંચ, કુટુંબીજનો સાથે સિવીલે આવ્યા હતા. આ વખતે પુત્રીના સાસરિયા પક્ષના સભ્યોએ શું બનાવ બન્યો છે તેની કોઈ જાણ કરી ન હતી. પોલીસ પાસેથી એવું જાણવા મળ્યું કે ગઈકાલે સવારે તેની પુત્રી રૈયા ગામમાં આવેલા ચામુંડા વોટર પ્લાન્ટ નામની દુકાનમાં તેના પતિ સાથે હતી. તે વખતે તેણે ઘઉંમાં નાખવાનો પાવડર પી લીધો હતો. 

આ રીતે તેનો જમાઈ તેની પુત્રી સાથે  માવતર પક્ષના સભ્યોને મળવા કે સંપર્ક રાખવા દેતો ન હતો. તેના કૌટુંબીક ભાઈ મનસુખના પુત્ર સંજયને તેની પુત્રી રાખડી બાંધતી હતી. રક્ષાબંધનના દિવસે સંજયે તેની પુત્રીને ફોન કરતા સાસુએ વાત કરવા દીધી ન હતી. તે વખતે બાજુમાંથી તેની પુત્રીનો રડવાનો અવાજ આવતો હતો.  તેની પુત્રીને પતિ શારિરીક માનસિક ત્રાસ આપતો હોવાથી આ પગલું ભર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. 


Google NewsGoogle News