સૌરાષ્ટ્રની ઓળખ એવા તરણેતરના મેળામાં સંસ્કૃતિ ભૂલાઈ, ડાન્સરોના અશ્લીલ ડાન્સે લાજ લૂંટી

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્રની ઓળખ એવા તરણેતરના મેળામાં સંસ્કૃતિ ભૂલાઈ, ડાન્સરોના અશ્લીલ ડાન્સે લાજ લૂંટી 1 - image


Tarnetar Fair Dance Video Viral : આભલા બટન, ભરતકામ સાથેની આકર્ષક છત્રી, પરંપરાગત પોષાક, રમકડાં,મોતનો કુવો, ચકડોળ, કટલરીની દુકાનો સાથે મેળાનો આનંદ લૂંટવાની મજા જ કઇંક ઓર છે.  સાથે સાથે હુડોરાસ, લોકવાર્તા, ભજન, છંદ, દુહા ઉપરાંત મટકીરાસ, લોકનૃત્ય એ તરણેતર મેળાની ઓળખ છે. પણ આ વખતે મેળામાં ભાતીગળ સાંસ્કૃતિ ભૂલાઇ હોય તેવું જણાયું હતું કેમકે, ભોજપુરી ડાન્સરોએ અશ્લિલ ડાન્સ કરીને જાણે ગ્રામીણ સાંસ્કૃતિની લાજ લૂંટી હતી. હિન્દી ફિલ્મી ગીતોના પર થયેલા ડાન્સ સાથે તરણેતર મેળાને લજવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

બઘુય લોલંલોલ : ભાતીગળ સાંસ્કૃતિને છાંટા ઉડે તેવા કૃત્ય પ્રત્યે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન કેમ નજરઅંદાજ કરે છે    

સૌરાષ્ટ્રમાં મેળાનું ખૂબ જ મહત્વ રહ્યું છે. મેળો એટલે પરિવાર સાથે આનંદ માણવાનું સ્થળ. ઐતિહાસિક- ધાર્મિક પરંપરા સાથે મેળાનુ અનેરુ મહત્વ રહ્યું છે. ત્યારે હવે બદલાતાં સમયમાં મેળાનું સ્વરૂપ બદલાઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તરણેતરના મેળાની ખાસિયત રહી છેકે, અહીં ટિટોડો, હુડોરાસ, ત્રણ તાળીરસ, દાંડિયારા, મટકીરાસ અને મટકી હિંચ આકર્ષણો હોય છે.  સાથે સાથે ભવાઇ, દુહા, છંદ,લોકગીત, લોકવાર્તા અને લોકનૃત્ય પણ આકર્ષણ બની રહે છે. માત્ર લોકનૃત્ય, દુહા-છંદ જ નહીં, પણ ગ્રામિણ ઓલિમ્પિક પણ ગામડાવાસીઓને આકર્ષે છે. 

કેમકે, અહીં નાળિયેર ફેંકથી માંડીને કુસ્તી,રસ્સાખેંચ,લાડુ સ્પર્ધા પણ યોજાય છે.  આ વખતે તરણેતરના મેળામાં ભોજપુરી ડાન્સરોએ એન્ટ્રી મારી હતી, ‘મુજ કો રાજાજી માફ કરના, ગલતી મારે સે હો ગઇ ’  ફિલ્મી ગીત પર અશ્લિલ કહી શકાય તેવો ડાન્સ કર્યો હતો. જાહેર મંચ પર ડાન્સ કરતી ડાન્સરો પર યુવાઓ એટલી હદે આફરીન થયા હતાં કે, નોટો ઉડાડવામાં આવી હતી. ડાન્સરોની સાથે સાથે યુવાઓએ પણ ડાન્સ કરીને મેળાનો આનંદ માણ્યો હતો.  

એક તરફ, સાંસ્કૃતિક ધરોહર જળવાય તે માટે મેળા યોજવામાં આવી રહ્યાં છે જેને ખુદ રાજ્ય સરકાર-ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન પ્રોત્સાહન આપે છે. જયારે બીજી તરફ, આ ભાતીગળ મેળામાં અશ્લિલ ડાન્સ કરવામાં આવે તે કેટલાં અંશે વ્યાજબી છે. સ્થાનિકોનું પણ કહેવું છેકે, જો તરણેતરના મેળામાં આવુ જ ચાલ્યુ તો, એ દિવસો દૂર નથીકે, લોકનૃત્ય,દુહા-છંદની ઓળખ ભૂંસાઇ જશે. મેળાનું આખુય કલ્ચર બદલાઇ જશે. મેળાની અસલિયત ખોવાઇ જશે.

સવાલ છે કે, મેળામાં આવું કૃત્ય કરવામાં આવે છે તેમ છતાંય સ્થાનિક તંત્રથી માંડીને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને કેમ નજરઅંદાજ કર્યુ હશે? મેળામાં સ્ટોલથી માંડીને મોતના કૂવાની મંજૂરી આપવામાં આવે ત્યારે તંત્ર દ્વારા કેમ સૂચના આપવામાં આવતી નથી. સરકાર કે ટુરિઝમ વિભાગ પણ જયારે આવી ઘટના પ્રકાશમાં આવે ત્યારે હાથ અઘ્ધર કરી દે છે અને અજાણતા દર્શાવે છે. હાલ તરણેતર મેળાને લજવતો વિડીયો વાયરલ થયો છે ત્યારે મેળાના આયોજકો ઉપરાત સરકાર-ગુજરાત ટુરિઝમ પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે


Google NewsGoogle News