ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.36 કરોડ: એક લાખની વસ્તી સામે વાહનની સંખ્યા 45437 પહોંચી
Gujarat Transport : રાજ્યમાં હવે લોકો દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ મુસાફરી કરવાની જગ્યાએ વધુમાં વધુ ખાનગી વાહનો વસાવવાની આદતને કારણે રાજ્યમાં વસ્તી સામે વાહનની સંખ્યા દર એક લાખની વસ્તીએ છેક 45,437 વાહનો સુધી પહોંચી છે. જેમાં સાઈકલ, સ્કૂટર, મોપેડ સાથે ઓટો રીક્ષા,ટેમ્પો, ટ્રેઈલર અને ટ્રેક્ટર પણ છે.
રાજ્યમાં વર્ષ 2023-24માં નોંધાયેલ મોટર વાહનોની સંખ્યા 324.91 લાખ હતી, જે વર્ષ 2024-25 (ઓકટોબર-2024 અંત)માં 336.09 લાખ થઈ છે. આ પૈકી મોટર સાઈકલ/સ્કૂટર/મોપેડની સંખ્યા 241.55 લાખ, ઓટો રીક્ષાની સંખ્યા 10.73 લાખ, મોટરકાર (જીપ સહિત) 49.12 લાખ, માલવાહક વાહનો (ટેમ્પો સહિત) 15.80 લાખ, ટ્રેઈલર 4.14 લાખ અને ટ્રેક્ટરની સંખ્યા 11.57 લાખ નોંધાઇ છે.
વાહન ચાલકની વાહન ચલાવવાની સ્કીલ અંગેની ગુણવત્તાની ચકાસણી થાય તેમજ માર્ગ અકસ્માતમાં ઉત્તરોત્તર ઘટાડો થાય તે માટે વર્ષ 2023-24 દરમ્યાન 23 આરટીઓ- એઆરટીઓમાં ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 16 આરટીઓ- એઆરટીઓમાં મેન્યુઅલ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આવેલા છે.
વર્ષ | વાહન સંખ્યા | એક લાખની વસ્તી- વાહન સંખ્યા |
2019-20 | 13628 | 39523 |
2020-21 | 14132 | 40447 |
2021-22 | 14768 | 41715 |
2022-23 | 15601 | 43337 |
2023-24 | 16556 | 45437 |