Get The App

યુનિ. હેડ ઓફિસના મુખ્ય દરવાજાનું તાળું તુટતા આઠ વિદ્યાર્થીઓની અટકાયત

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
યુનિ. હેડ ઓફિસના મુખ્ય દરવાજાનું  તાળું તુટતા આઠ વિદ્યાર્થીઓની અટકાયત 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોના દિશાહીન વહીવટના કારણે વિદ્યાર્થીઓને સહન કરવાનું આવી રહ્યું છે.નવી શિક્ષણ નીતિ હેઠળ યુનિવર્સિટી સત્તાધીશોએ પહેલા  એફવાયમાં એક પણ વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને એસવાયમાં પ્રવેશ નહીં આપવાનું નક્કી કર્યું હતું.એ પછી આ નિયમમાં ફેરફાર કરીને એફવાયમાં ૪૪ થી ૨૮ ની વચ્ચે ક્રેડિટ મેળવનાર વિદ્યાર્થીઓને એસવાયમાં એટીકેટી સાથે પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો હતો.

જોકે આ દરમિયાનમાં એફવાયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.જેના પરિણામ જ હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી. એટીકેટી સાથે પ્રવેશ આપવાના નિર્ણયના અમલના ભાગરુપે આ વિદ્યાર્થીઓને તેમના રેગ્યુલર પરીક્ષાના  પરિણામના આધારે ક્રેડિટની ગણતરી કરીને એસવાયમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો હતો.જો આ વિદ્યાર્થીઓના એટીકેટીના પરિણામ જાહેર કરવામાં આવે  તો તેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ એસવાયમાં અભ્યાસનો મોકો મળી  શકે તેમ છે.

એનએસયુઆઈના કાર્યકરોએ આ પરીક્ષાના પરિણામ જાહેર કરવાની માગ સાથે તેમજ યુનિવર્સિટીના મનસ્વી સંચાલન  બદલ  ડો.વિજય શ્રીવાસ્તવને નિષ્ફળ વાઈસ ચાન્સેલરની ટ્રોફી આપવા હેડ ઓફિસ  માથે લીધી હતી.૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓને હેડ ઓફિસની અંદર પ્રવેશતા રોકવા માટે રાબેતા મુજબ મુખ્ય દરવાજાને તાળા મારી દેવામાં આવ્યા હતા.જોકે વિદ્યાર્થીઓએ કરેલી ધક્કામુક્કીમાં તાળું તુટી ગયું હતું.

ડો.શ્રીવાસ્તવને વિદ્યાર્થીઓ આંદોલન કે ફરિયાદ કરે તે ગમતું નથી અને તેના કારણે વિદ્યાર્થીઓ પહોંચે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. એનએસયુઆઈના શહેર પ્રમુખ, ઉપપ્રમુખ સહિત આઠ વિદ્યાર્થીઓની તાળું તુટી જવા બદલ સયાજીગંજ પોલીસે અટકાયત કરી લીધી હતી.વિદ્યાર્થીઓએ નિષ્ફળ વીસીની ટ્રોફી પીઆરઓને આપીને સંતોષ માન્યો હતો.


Google NewsGoogle News