Get The App

ગૃહમંત્રીનું પૂતળું આંચકી લેવા પોલીસ જવાનો એનએસયુઆઈના કાર્યકરની પાછળ દોડયા

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
ગૃહમંત્રીનું પૂતળું આંચકી લેવા પોલીસ જવાનો એનએસયુઆઈના કાર્યકરની પાછળ દોડયા 1 - image

વડોદરાઃ વડોદરાના ભાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડયા છે.પકડાયેલા આરોપીઓને ફાસી આપવામાં આવે તેવી માગ સાથે આજે વડોદરામાં એનએસયુઆઈ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ સાથે સયાજીગંજ વિસ્તારના મુખ્ય રસ્તા પર ગૃહ મંત્રીના પૂતળાના દહનનો પ્રયાસ કર્યો હતો.જેને નિષ્ફળ બનાવવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું.

એક તબક્કે વાહન વ્યવહારથી ધમધમતા મુખ્ય રસ્તા પર પૂતળું આંચકી લેવા માટે પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે પકડદાવ પણ થયો હતો.પૂતળું પોલીસના હાથમાં ના આવે તે માટે પૂતળા સાથે ભાગી રહેલા કાર્યકરની પાછળ પોલીસ જવાનો દોડી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

પોલીસે કાર્યકરો પાસેથી પૂતળું છીનવી લીધી હતું.પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.એનએસયુઆઈના કાર્યકરોને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા.પોલીસે શહેર પ્રમુખ અમર વાઘેલા અને ઉપપ્રમુખ સુઝાન લાડમેન સહિત ૧૦ કાર્યકરોની અટકાયત કરી હતી.એક કલાક સુધી ચાલેલા હંગામાના પગલે ટ્રાફિક જામ થયો હતો અને હજારો વાહન ચાલકો અટવાયા હતા.

શહેર પ્રમુખે કહ્યું હતું કે, છેલ્લા એક જ મહિનામાં ગુજરાતમાં દુષ્કર્મની ચાર ઘટનાઓ બની છે.ભાજપ સરકાર મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે પણ આ સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે.ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીએ નૈતિકના ધોરણે રાજીનામુ આપવું જોઈએ.



Google NewsGoogle News