Get The App

હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા : મ્યુનિ.કમિશનરની નિમણૂંક

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા : મ્યુનિ.કમિશનરની નિમણૂંક 1 - image


- ગમે તે ઘડીએ અમલવારીનું જાહેરનામુ પ્રસિધ્ધ થશે 

- ભાવનગરના ડીડીઓ જી.એચ.સોલંકીની મનપાના પ્રથમની મ્યુનિસિપલ કમિશનર તરીકે વરણી ઃ સુરેન્દ્રનગર મનપામાં સમાવિષ્ટ વિસ્તારોમાં ટેક્સનું ભારણ વધશે : સત્તાધિશ પક્ષ ભાજપના નેતાઓમાં મીશ્ર પ્રતિસાદ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે ગુજરાત વિધાનસભાના ૨૦૨૪-૨૫ના બજેટ સત્રમાં જાહેરાત કરવામાં આવી હતી. ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કર્યા બાદ વારંવાર મનપાના અમલીકરણ અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. ૨૦૨૫ના નવા વર્ષની શરૂઆતમાં ઝાલાવાડવાસીઓને ભેટ મળી હતી અને નગરપાલિકાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા ગમે તે સમયે ગેઝેટ બહાર પાડશે.

સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકામાં થોડા વર્ષો પહેલા વઢવાણનો સમાવેશ કરી સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા બનાવવામાં આવી હતી અને કુલ ૧૩ વોર્ડમાં સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારો અને વિકસતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા બન્યા બાદ છેલ્લા ૭-૮ વર્ષથી નિરંતર ભાજપનું શાસન ચાલી રહ્યું છે પરંતુ ભાજપશાસીત સુરેન્દ્રનગર પાલિકામાં જેતે સમયના સ્થાનીક સત્તાધીશો દ્વારા સરકારની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવાને બદલે મીલીભગત અને ભ્રષ્ટાચારવૃતિથી કામ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર અને વઢવાણવાસીઓ સંયુક્ત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યાં હતાં. 

સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે ગુજરાત વિધાનસભાના ૨૦૨૪-૨૫ના બજેટ સત્રમાં જાહેરાત કરવામાં આવી હતી. ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કર્યા બાદ વારંવાર મનપાના અમલીકરણ અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.  ગત તા.૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ પર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે તેવું પણ ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ તે દિવસે જાહેરાત કરવામાં આવી નહોતી ત્યારે નવા વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમત્તે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેરાત કરવામાં આવતા પ્રજાજનો સહિત પાલિકાના સત્તાધીશોની આતુરતાની અંત આવ્યો છે. પાલિકાના સત્તાધીશોના શાસનમાં મોટાભાગે દરેક ટેન્ડર અને વિકાસના કામોમાં ગેરરીતી થતી હોવાની ફરીયાદો ઉઠી અને ક્યાંકને ક્યાંક ભાજપશાસીત નગરપાલિકામાં ભાજપના જ સદ્દસ્યોમાં વિખવાદ અને આંતરીક વિરોધ જોવા મળતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે મહાનગરપાલિકાની જાહેરાત થતાં જ ભાજપના અમુક ચુંટાયેલા સદ્દસ્યોમાં અંદરખાને આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

મહાનગરપાલિકાનો વહીવટ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીપીએમસી) એક્ટ હેઠળ થાય છે. સુરેન્દ્રનગર મનપાના અમલીકરણની જાહેરાત થતાં જ સુરેન્દ્રનગર શહેર અને સમાવિષ્ટ ગામડામાંથી નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો આપમેળે સભ્યપદેથી રદ થઈ જશે. મનપામાં પ્રમુખના બદલે મેયરની ચૂંટણી થશે, જ્યારે ચીફ ઓફિસરના બદલે કમિશનરની નિમણૂંક કરવામાં આવશે. નગરપાલિકાનું માળખું રદ થયા બાદ નવેસરથી વોર્ડની રચના કર્યા પછી મનપાની નવી ચૂંટણીઓ યોજવામાં આવશે. 

સરકાર દ્વારા સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકીની નિમણૂંક કરી છે. કમિશનરના તાબા હેઠળ ટેકનિકલ મહેકમ હોય છે. જેથી ગટર, પાણી, રસ્તાની સુવિધા સમયસર અને આયોજનબદ્ધ રીતે ઉપ્લબ્ધ કરાવવા સાથે વહીવટમાં સુસંગતતા આવશે. તેની સાથે જ શહેરીજનો સહિત મનપામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં કરવેરાનું ભારણ વધશે. સુરેન્દ્રનગર મનપામાં કરવેરો વધશે તેમ જાણવા મળ્યું છે.

મનપાની વસ્તી ૩.૮૭ લાખ થશે

સુરેન્દ્રનગર મનપાનો વિસ્તાર ૧૨૫ સ્ક્વેર કિલોમીટર નક્કી કરાયો છે. સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ પાલિકા વિસ્તાર સાથે ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો અંતર્ગત આવતા ગામોનો સમાવેશ કરવામાં આવતા હવે મનપાની વસ્તી ૩,૮૭,૫૦૦ થશે.

મનપાને રાજ્ય અને કેન્દ્ર સરકારની વધુ ગ્રાન્ટ મળશે

મનપામાં આવકના મુખ્ય સ્ત્રોત ઘરવેરો, પાણીવેરો, સફાઈવેરો હોય છે. ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવીને વેચાણપાત્ર પ્લોટનું વેચાણ કરી ટીપી સ્કીમ ડેવલપ કરાય છે. મનપાને રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે. મનપાએ આવી ગ્રાન્ટમાં ૩૦ ટકા રકમ રોકવી પડે છે. મનપાના કેટલાક પ્રોજેક્ટમાં ૧૦૦ ટકા રકમ સરકાર આપે છે. મહેકમ વધવાથી તેનો ખર્ચ પણ વધે છે. 

મનપા જાહેર થયા બાદ નાગરિકોને થતાં ફાયદા

મનપાની જાહેર થયા બાદ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની પણ ગ્રાન્ટ મળતા ગ્રાન્ટમાં વધારો થશે. જેના કારણે શહેરી વિસ્તારમાં વિકાસના કામોમાં વધારો થશે. ચીફ ઓફિસરને બદલે મ્યુનીસીપલ કમિશ્નર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સહિતના હોદ્દાઓ અસ્તિત્વમાં આવતા ભ્રષ્ટાચાર અને ગેરરીતી ઘટશે. મ્યુનિસિપલ કમિશ્નરનું પદ હોવાથી વર્ગ-૧ના અધિકારીને બદલે આઈએએસ અને જીએએસકક્ષાના અધિકારીની નિમણૂંક થતાં શહેરનો વિકાસ બમણા વેગથી થશે અને સરકારમાં પ્રોજેક્ટ મંજુર કરાવવામાં પણ સરળતા રહેશે.

મહાનગરપાલિકા જાહેર થતાં નાગરિકો પર ટેક્ષનું ભારણ વધશે

નગરપાલિકામાંથી મહાનગરપાલીકા જાહેર થતાં જ પ્રજાજનો પર ટેક્ષનું ભારણ વધશે કારણ કે મહાનગરપાલિકામાં આવક માટેનો મુખ્ય સ્ત્રોત ટેક્ષ હોય છે એટલે નગરપાલિકા કરતા મહાનગરપાલિકા જાહેર થતાં પ્રજાજનોને ભરવાપાત્ર ઘરવેરો, પાણીવેરો, સફાઈવેરો વગેરેમાં પણ વધારો થતાં ટેક્ષનું એકંદરે ભારણ વધશે. મહાનગરપાલિકામાં નિયમ મુજબ પ્રજાજનોને વેરામાંથી મુક્તી આપવાનો કે રાહત આપવાનો કોઈપણ જાતનો નિયમ ન હોવાથી નગરપાલિકામાં ટેક્ષ ભરપાઈ કરવાની બાબતમાં અગાઉ જે લાગવગથી સેટીંગ થતું હતું તે હવે નહિં થઈ શકે. જે કરદાતા નિયમીત ટેક્ષની ભરપાઈ નહીં કરે તેની સામે કડક અને દંડ સાથે ટેક્ષ વસુલવાની  કાર્યવાહી કરવામાં આવશે. આથી એકંદરે ટેક્ષચોરી પણ અટકાશે અને લોકો નિયમીત ટેક્ષ ભરતા થશે.

મહાનગરપાલિકામાં કેટલા ગામનો સમાવેશ

મહાનગરપાલિકા જાહેર થયા બાદ સીમાંકન તેમજ વિસ્તાર પણ નિયમ મુજબ વધશે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ સહિત આસપાસના વિસ્તારો ઉપરાંત ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો અંતર્ગત આવતા ગામોનો પણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સત્તાવાર રીતે સમાવેશ કરવામાં આવશે.


Google NewsGoogle News