ગાંધીનગરમાં એડવર્ટાઇઝમેન્ટ પોલિસી લાગુ, આડેધડ લાગતા હોર્ડિંગ્સ પર પ્રતિબંધ, દંડની જોગવાઈ
Advertisement Policy : ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી મંજૂર કરવામાં આવી હતી. જેથી હવે શહેરના માર્ગો અને બિલ્ડીંગો ઉપર આડેધડ લાગતાં હોર્ડિંગ્સ અને બેનર ઉપર રોક લગાવી શકાશે. હવે કોઈપણ સ્થળે જાહેરાત કરવા માટે કૉર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. જોકે સરકારી વિભાગોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
પાટનગર હોવા છતાં ગાંધીનગર શહેરમાં મુખ્ય માર્ગોની આસપાસ આડેધડ મસ મોટા હોર્ડિંગ્સ અને બેનર લગાવી દેવામાં આવતા હતા. જેના કારણે શહેરની સુંદરતા બગડતી હોવાની સાથે માર્ગ સલામતીને પણ જોખમ ઊભું થયું હતું ત્યારે આ મામલે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી તૈયાર કરવામાં આવી રહી હતી. જેને સ્થાયી સમિતિ બાદ આજે મેયર મીરાબહેન પટેલની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી.
જે પોલિસીને સભા દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં હવે હોર્ડિંગ્સ, બેનર, કિઓસ્ક કે વાહનો પર કરવામાં આવતી જાહેરખબરો માટે પણ મહાનગરપાલિકાની મંજૂરી લેવી પડશે. જેની નિયત ફી પણ મહાનગરપાલિકાને ચૂકવવી પડશે. ક્યા સ્થળોએ હોર્ડિંગ્સ લગાવી શકાશે અને ક્યા સ્થળોએ હોર્ડિંગ્સ નહીં લગાવી શકાય તેવા સ્થળો પણ નિયત કરવામાં આવ્યા છે. મંજૂરી વિના ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવનાર સામે દંડનીય પગલાં પણ લેવાશે. આ માટે હોર્ડિંગ્સની સાઇઝ મુજબ મહત્તમ પ્રતિ ચોરસમીટર 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે.
એસ્ટેટ અને ઇજનેરી શાખાનું પણ નવું માળખું સભામાં મંજૂર
પાટનગરમાં દબાણો વધતાં એસ્ટેટ શાખાનું નવું માળખું તૈયાર કરવા માટે છેલ્લાં ઘણા સમયથી કૉર્પોરેશનમાં મથામણ ચાલી રહી હતી. ત્યારે આજે સામાન્ય સભામાં એસ્ટેટ શાખાનું નવું માળખું મંજૂર કરાયું હતું નવી જગ્યામાં 2 એસ્ટેટ ઑફિસર, 4 એસ્ટેટ ઇન્સ્પેક્ટર, 12 એસ્ટેટ સબ ઇન્સ્પેક્ટર, 4 સર્વેયર, 3 સુપરવાઇઝર, 2 કચેરી અધિક્ષક, 2 હેડ ક્લાર્ક, 4 સિનિયર ક્લાર્ક, 6 ક્લાર્ક, 120 હેલ્પર- લેબર, 4 પટાવાળા સહિત કુલ 133 જગ્યાઓ રહેશે. આ જ પ્રકારે ઇજનેરી વિભાગનું પણ માળખું મંજૂર કરી દેવામાં આવ્યું છે.
વૃક્ષો પર હોર્ડિંગ્સ -બેનર નહીં લગાવી શકાય
ગાંધીનગર શહેરમાં હાલ ગમે તે સ્થળની સાથે વૃક્ષો ઉપર પણ જાહેરાતો ચિપકાવી દેવામાં આવતી હોય છે ત્યારે કૉર્પોરેશન દ્વારા એડવર્ટાઇઝમેન્ટ પોલિસી લાગુ કરવામાં આવનાર છે. જેમાં વૃક્ષો ઉપર જાહેરાત લગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ પ્રકારનું કૃત્ય કરનાર એજન્સી કે સંસ્થા સામે દંડાત્મક કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.