Get The App

રાશનની દુકાનમાં છૂટક અનાજ નહીં મળે, ભેળસેળને અટકાવવા સરકાર ઘડી રહી છે પ્લાન

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
રાશનની દુકાનમાં છૂટક અનાજ નહીં મળે, ભેળસેળને અટકાવવા સરકાર ઘડી રહી છે પ્લાન 1 - image


State Government : રાજ્ય સરકાર દ્વારા 72.51 લાખ કરતાં વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે. ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવાર-નવાર ફરિયાદો જોવા મળે છે. ત્યારે રાજ્ય સરકાર અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર હવે છૂટક અનાજ વહેંચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજીંગ અનાજ વિતરણ ભેળસેળ અટકી જશે. શું ડુપ્લીકેટ પેકેજીંગ સંભાવનાઓ નથી ? ભેળસેળને અટકાવવા માટે માત્ર પેકેજીંગ અનાજ વેચવાથી અટકાવી શકાય? 

પેકેજીંગ અનાજ વિતરણ અંગે વિચારણા

આ અંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્યના ગરીબોને આપવામાં આવતું અનાજ સારી ગુણવત્તાનું મળે. તેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ ન થાય તે માટે અનાજનું પેકેજીંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. આ બાબતે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી મંજૂરી મેળવવામાં આવશે. આગામી બજેટમાં અનાજનું પેકેજીંગ કરવા માટેની રકમની જોગવાઈ કરવામાં આવશે. હાલમાં રાજ્યમાં ગ્રાહકોને 2 કિલો, 3 કિલો છૂટક અનાજ આપવામાં આવે છે. જેથી ઘણીવાર અનાજની ગુણવત્તાને લઈને ફરિયાદો જોવા મળી છે. અનાજ બદલી નાખવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા અનાજ, કઠોળ સહિત નક્કી કરેલા જથ્થાને પેકેજીંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા કરી રહી છે.  

ચાર વર્ષમાં 68 લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે આપ્યું

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી હતી. રાજ્યના 72 લાખ કુટુંબોને છેલ્લા ચાર વર્ષમાં 68 લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવ્યું હતું. નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ-2013 હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરું પાડવા માટે 675 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. 


Google NewsGoogle News