હવે માવઠાં: જુનાગઢ- વંથલી પંથકમાં દોઢથી બે ઈંચ, કુંકાવાવ એક ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદ

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
હવે માવઠાં: જુનાગઢ- વંથલી પંથકમાં દોઢથી બે ઈંચ, કુંકાવાવ એક ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદ 1 - image


ચોમાસુ ગયું તો સીઝનનું પ્રથમ શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું   રાજ્ય પર હાલ ફૂંકાઈ રહેલા ઉત્તર-પશ્ચિમના પવનો સુકા હોઈ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમુદ્રમાંથી ભેજ ખેંચતા માવઠાં  ગુજરાતમાં પહેલા- બીજા નોરતે છૂટાછવાયા વરસાદની આગાહી:રાજસ્થાન, ઉ.પ્ર., હિમાચલ, પંજાબ સહિત રાજ્યોમાં યલો એલર્ટ 

રાજકોટ, : એક તરફ ગુજરાતમાં તા. 6 ઓક્ટોબર અને આજે વધુ કેટલાક વિસ્તારો સહિત પૂર્વ અને દક્ષિણ ભારત સિવાયના પોણા ભાગના દેશમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે તો તેની પાછળ પાછળ આ સીઝનનું પ્રથમ શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું છે. સૌરાષ્ટ્રમાં આજે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં જુનાગઢમાં બે ઈંચ, વંથલી પંથકમાં એકથી દોઢ અને કુંકાવાવ પંથકમાં એક ઈંચ વરસાદના અહેવાલ છે. રાજકોટમાં આજે રાત્રે સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારોમાં લોકો પલળી જાય તેવો ધોધમાર માવઠાં વરસ્યા હતા. 

જુનાગઢમાં આજે સાંજે 4થી 6 અચાનક વાદળો ધસી આવ્યા હતા અને 53 મિ.મિ. અર્થાત્ આશરે સવા બે ઈંચ વરસાદ શહેરી વિસ્તારમાં ત્રાટક્યો હતો. આ ઉપરાંત વંથલી આજુબાજુના વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ અને મેંદરડા પંથકમાં ઝાપટાં વરસ્યાના અહેવાલો છે. અમરેલી જિલ્લાના વડિયા તા.ના કુંકાવાવમાં  અસહ્ય ઉકળાટ પછી આજે ધોધમાર એકાદ ઈંચ વરસાદ ખાબકતા ઠંડક પ્રસરી હતી અને માર્ગો પર પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લાના કુંકાવાવ ઉપરાંત બગસરા, ધારી પંથકમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા છે. હાલ, મગફળી કાઢવાની સીઝન હોય તે પલળવાની ભીતિ સર્જાઈ હતી. 

મૌસમ વિભાગ અનુસાર નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમ બંગાળના ગંગાકિનારાના વિસ્તારો, ઓડીશામાંથી પણ વિદાય લીધી હતી અને હવે માત્ર દક્ષિણના છેવાડાના રાજ્યો અને પૂર્વના રાજ્યોમાં જ ચોમાસુ છે. બાકી દેશમાંથી વિદાય લીધી છે. પરંતુ, આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકતા અને તે અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચતા ગુજરાતમાં તા. 15, 16 એટલે કે પહેલા અને બીજા નોરતે છૂુટાછવાયા  ઝાપટાં વરસવાની તથા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશના આંશિક વિસ્તારો વગેરે સ્થળે કમોસમી વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે. ઉલ્લેખનીય છે કે આ રાજ્યોમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધેલી છે. 


Google NewsGoogle News