નામચીન કલ્પેશ કાછીયો મોડીરાતે દમણથી ઝડપાયો
દમણ પોલીસની મદદ લઇ વડોદરા પીસીબીની ટીમે કલ્પેશને દબોચી લીધો
વડોદરા, વ્યાજખોરીના ગુનામાં નામ ખુલ્યા બાદ વડોદરા છોડીને ફરાર થઈ ગયેલા નામચીન કલ્પેશ કાછિયાને મોડી રાત્રે પીસીબીની ટીમે દમણથી ઝડપી પાડયો હતો. આજે સવારે તેને વડોદરા લાવી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટનો વેપાર કરતાં વેપારી નરેશભાઈને રૃપિયાની જરૃર પડતા તેમણે આરોપી સંતોષ ભાવસાર પાસેથી ૪૭ લાખ રૃપિયા ટૂકડે ટૂકડે લીધા હતા. જેની સામે પોણા બે કરોડ ચૂકવી દેવા છતાં પણ વ્યાજખોર દ્વારા તેમને ધમકી આપવામાં આવતી હતી. જેનાથી કંટાળીને વેપારીએ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં નવાપુરા પોલીસે સંતોષ ભાવસારની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ રૃપિયા મેં કલ્પેશ કાછીયા પાસેથી લીધા છે. કલ્પેશનું નામ ખૂલતા જ તે વડોદરા છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ કલ્પેશે આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી પણ ગઈકાલે નામંજૂર થઈ હતી.
વડોદરા પોલીસ તેને શોધી રહી હતી તે દરમિયાન પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, કલ્પેશ કાછિયો દમણમાં સંતાયો છે. જેથી, પીસીબી પી.આઇ. સી.બી.ટંડેલની સૂચના મુજબ, પોલીસની ટીમે ગઈકાલે સાંજથી જ દમણમાં વોચ ગોઠવી હતી.સ્થાનિક પોલીસની મદદ લઇ આરોપી કલ્પેશ કાછીયાની શોધખોળ શરૃ કરી હતી. પોલીસે રાતે બે વાગ્યે ફ્લેટમાંથી તેને દબોચી લીધો હતો. પોલીસની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, કલ્પેશનો પુત્ર કેનેડાથી આવ્યો હતો અને પુત્ર સાથે રહેવા માટે તે દમણમાં સંતાયો હતો.
શહેર પોલીસની પાંચ ટીમો કલ્પેશને પકડવા દોડધામ કરતી હતી
વડોદરા,૧૫ દિવસથી નાસતા ફરતા આરોપી કલ્પેશ કાછીયાને પકડવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ, કુલ પાંચ ટીમો તપાસમાં લાગી હતી. પીસીબી, ડીસીબી, એસ.ઓ.જી., ડીસીપી ઝોન -૨, નવાપુરા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની શોધખોળ શરૃ કરી હતી. પોલીસ કાર્યવાહીથી વાકેફ કલ્પેશે મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. પરંતુ, પીસીબીની ટીમે હ્યુમન સોર્સની મદદથી તેને દમણથી ઝડપી પાડયો હતો.
છઠ્ઠા માળેથી બાથરૃમની બારી ખોલી પાઇપ પકડી નીચે ઉતર્યો
કલ્પેશના પુત્રે દરવાજો ખોલી કહ્યું કે, ફ્લેટમાં કોઇ નથી
વડોદરા,મધરાતે મળેલા લોકેશનના આધારે પીસીબી અને દમણની પોલીસ ફ્લેટમાં પહોંચી હતી. પોલીસે ફ્લેટનો દરવાજો ખખડાવ્યો હતો. પોલીસ આવી હોવાની શંકાના આધારે કલ્પેશ બાથરૃમની બારી ખોલી પાઇપ વડે ચોથા માળ સુધી ઉતરી ગયો હતો. ચોથા માળે બાથરૃમની છત પર તે સંતાયો હતો. આ તરફ કલ્પેશના પુત્રે દરવાજો ખોલ્યો હતો. તેણે કહ્યું કે, ફ્લેટમાં કોઇ નથી. જેથી, પોલીસની ટીમે ફ્લેટમાં જઇને તપાસ કરતા કોઇ મળી આવ્યું નહતું. પોલીસની નજર બાથરૃમની ખુલ્લી બારી પર પડતા તેમણે જોયું તો કલ્પેશ ચોથા માળે હતો. પોલીસે ફ્લેટને ચારે તરફથી ઘેરી લીધો હોઇ કલ્પેશને ભાગવાનો કોઇ મોકો મળ્યો નહતો. પોલીસે ચોથા માળે જઇ તેને ઝડપી લીધો હતો.
સાહેબ, પાસા કરો તો ટાઇમ આપજો,
હું મારા પુત્ર સાથે વધારે સમય રહેવા માંગુ છું
આજે પોલીસ કલ્પેશ કાછીયાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે
વડોદરા,કલ્પેશ કાછીયાને પોલીસે પકડયો ત્યારે તેના હોંશ ઉડી ગયા હતા. કેનેડાથી આવેલા પુત્ર સાથે તે વધુ ને વધુ સમય વિતાવતા માંગતો હતો. પરંતુ, પોલીસે તેને ઝડપી પાડયો હતો. પોલીસે ઝડપી લીધા પછી કલ્પેશે એક રિક્વેસ્ટ કરી હતી કે, સાહેબ પાસા કરો તો થોડો ટાઇમ આપજો. હું મારા છોકરા સાથે થોડો સમય પસાર કરવા માંગુ છું. નવાપુરા પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ નવા ફરિયાદીને શોધી રહી છે. આવતીકાલે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે.