ઝીંઝુવાડા કુખ્યાત બુટલેગર રાજદિપસિંહ ઝાલાની પાસા હેઠળ અકાયાત
- એસએમસીની ટીમ પર પણ આરોપીએ હુમલો કર્યો હતો
- ઝીંઝુવાડાના તત્કાલીન પીએસઆઈ પર હુમલો કરનારને વડોદરા જેલ હવાલે કરાયો
સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના ઝીંઝુવાડા પોલીસ ટીમ પર ગત જાન્યુઆરી ૨૦૨૪માં કુખ્યાત બુટલેગર રાજદિપસિંહ ભાથીભા ઝાલાને પકડવા જતા જીવલેણ હુમલાનો બનાવ બન્યો હતો. જેમ ઝીંઝુવાડાના તત્કાલીન પીએસઆઈ તેમજ બે કોન્સ્ટેબલ પર નાસતા ફરતા બુટલેગર અને તેના સાગરીતો દ્વારા તિક્ષણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં સંડોવાયેલા કુખ્યાત આરોપી સામે એલસીબી પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી વડોદરા જેલ હવાલે કર્યો છે.
ઝીંઝુવાડા પીએસઆઈ સહિતની ટીમે બાતમીના આધારે નામચીન બુટલેગર જાલમસિંહ ઝાલા અને તેના સાગરીતોને ઝડપી પાડવા જૈનાબાદ ગામે દરોડો કર્યો હતો. દરોડા દરમિયાન નામચીન બુટલેગર, રાજદિપસિંહ ભાથીભા ઝાલા સહિતના અન્ય સાગરીતોએ એકસંપ થઈ લાકડાના ધોકા, લોખંડના પાઈપ સહિતના તિક્ષણ હથિયારો વડે ઝીંઝુવાડાના તત્કાલીન પીએસઆઈ કે.વી.ડાંગર અને બે પોલીસ કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે ઝીંઝુવાડા પોલીસ મથકે નામચીન બુટલેગર રાજદિપસિંહ ઝાલા સહિત ૨૬ શખ્સો સામે નામજોગ અને અન્ય ૪૦થી ૫૦ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જેને આધારે પોલીસ વધુ તપાસ હાથધરી હતી.
ત્યાર બાદ ગત તા.૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ગાંધીનગર એસએમસીની ટીમે વડગામ તરફ જવાના રસ્તે જુગારધામ ઝડપી પાડયું હતું. જેમાં અન્ય જુગારીઓ સાથે પીએસઆઈ પર હુમલો કરનાર આરોપી રાજદિપસિંહ ઝાલા પણ સામેલ હતો. આમ ઝીંઝુવાડાના તત્કાલીન પીએસઆઈ તેમજ બે પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો તેમજ જુગાર સહિતની અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સ રાજદિપસિંહ ભાથીભા ઝાલા (ઉ.વ.૨૨, રહે.ઝીંઝુવાડા) સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા પાસા વિરૂધ્ધ વોરેન્ટ ઈસ્યુ કરવામાં આવતાં સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે આરોપી રાજદિપસિંહ ઝાલાને ઝડપી પાડી પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરી છે.