Get The App

પોરબંદરનાં નામચીન ભીમા દુલાની જંગી શસ્ત્ર-સરંજામ સાથે ધરપકડ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
પોરબંદરનાં નામચીન ભીમા દુલાની જંગી શસ્ત્ર-સરંજામ સાથે ધરપકડ 1 - image


માલધારી વૃધ્ધ પર ઘાતકી હુમલાનાં ચકચારી પ્રકરણમાં પોલીસનો સપાટો 91 લાખથી વધુની રોકડ મળતા I.T વિભાગને જાણ કરાઈ : ઇંગ્લીશ દારૂ મળતા પ્રોહિબીશનનો અલગ ગુનો દાખલ : 2 સાગરીતોને સકંજામાં લીધા બાદ પોલીસે 6 ટીમો બનાવીને સુત્રધાર ભીમા દુલાનું પગેરૂં શોધ્યું : 74 હથિયારો, રૂા. 91 લાખની રોકડ ઝડપાઈ

પોરબંદર, : એક સમયે ગેંગવોરથી કુખ્યાત બનેલી ગાંધીભૂમિ પોરબંદરમાં ફરી કોઈ ગેંગ સક્રિય થાય નહીં એ માટે પોલીસ બાજનજર રાખી રહી છે ત્યારે થોડા દિવસો પહેલા એક માલધારી વૃધ્ધ પર થયેલા ઘાતકી હુમલાનાં ચકચારી પ્રકરણને ગંભીરતાથી લઈને આજે  પોરબંદરનાં નામચીન ભીમા દુલાની જંગી શસ્ત્ર-સરંજામ સાથે ધરપકડ કરી હતી. પ્રથમ બે સાગરીતોને સકંજામાં લીધા બાદ પોલીસે છ ટીમો બનાવીને સુત્રધાર ભીમા દુલાનું પગેરૂં શોધ્યું હતું અને તેના ઘરે સર્ચ ઓપરેશન કરતા ૭૪ ઘાતક હથિયારો અને રૂા. 91 લાખની બીનહિસાબી રોકડ ઝડપાતા ચકચાર મચી ગઈ છે.

વિગત પ્રમાણે, પોરબંદરના બોરીચા ગામ નજીક ગત તા. 24 /9 ના રોજ માલધારી દાનાભાઈ પુનાભાઈ ચાવડા (ઉ.વ. 62) પર માલઢોર ચરાવવા બાબતે ત્રણ અજાણ્યા ઇસમોએ ઘાતક હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ત્રણેક મહિના પહેલા પોરબંદરનાં નામચીન ભીમા દુલા ઓડેદરાને ત્યાં કામ કરતા આદિત્યાણાનાં રામગર જેરામગર મેઘનાથીને બોરીચા ગામના લખમણ મુછાર સાથે રસ્તા પર સાઈડ આપવા બાબતે થયેલી બોલાચાલી અને ઝપાઝપીનાં મનદુઃખમાં કાવતરૂ ઘડીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને એસ.પી. ભગિરથસિંહ જાડેજાએ ગંભીરતાથી લઈને એલસીબીનાં પીઆઈ આર.કે. કાંબરીયાને તપાસ સોંપી હતી. 

પરિણામે ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે બાતમી મળી કે, માલધારી પર ઘાતકી હુમલો કરનાર શખ્સો બોરીચા ગામના પાટીયેથી ચાલીને પસાર થનાર છે, જેથી ત્રણ ટીમો બનાવીને વોચ રાખતા જયમલ ઓઘડ કારાવદરા (ઉ.૨૭) અને વનરાજ રામા ઓડેદરા (ઉં.૨૬) ઝડપાઈ ગયા હતા. જેમને એલસીબી ઓફીસ ખાતે લાવીને આગવીઢબે પુછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી. આ ઉપરાંત ત્રીજો હુમલાખોર મસરી લખમણ ઓડેદરા હોવાની તથા હુમલાનું પૂર્વ નિયોજીત કાવતરૂ આદિત્યાણા ખાતે રહેતા નામચીન ભીમા દુલા ઓડેદરાના કહેવાથી ઘડયાની કબુલાત આપી હતી. જેઓ બન્ને આદિત્યાણા ખાતે જ નામચીન ભીમા દુલાના ઘરે છુપાયા હોવાની પણ કહીકત જણાવી હતી.

પરિણામે પોરબંદર જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાનીઆગેવાનીમાં છ ટીમો બનાવીને આજે વહેલી પરોઢે ભીમા દુલા ઓડેદરાના આદિત્યાણા ખાતેના ઘરે રેઈડ કરતા ભીમા દુલા તથા મશરી ઓડેદરા ઝડપાઈ ગયા હતા. આ ઉપરાંત ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા એરગન, રીવોલ્વર, પીસ્તોલ, રાયફલ સહિત ચાર ફાયર આર્મ્સ ઉપરાંત ૧૨ જેટલી તલવાર, ૧૦જેટલી છરી, ભાલા, ધારિયા, લાકડીઓ સહિત કુલ ૭૪ જેટલા હથિયારો મળી આવતા કબ્જે કર્યા હતા. આ સાથે રૂા.૯૧ લાખ ૬૫ હજાર જેવી માતબર રકમ પણ મળી હતી, જે રૂપિયા તેની પાસે કયાથી આવ્યા ? તે અંગે કોઇ જ માહિતી આપી શકયો ન હતો. તેથી પોલીસે આ રકમ અંગે પણ ઇન્કમટેકસ વિભાગને જાણ કરી છે. જ્યારે વિદેશી દારૂની ત્રણ બોટલ પણ મળી આવી હતી, તેથી તે અંગેનો પ્રોહીબીશનનો ગુન્હો અલગથી નોંધાશે.

કુખ્યાત ભીમા દુલા સામે ડબલ મર્ડર સહિત 48 ગુન્હા

નામચીન ભીમા દુલા સામે ઇ.સ. 1975થી 48 ગુન્હાઓ નોંધાઇ ચૂકયા છે. જેમાં ત્રણ મર્ડરના ગુન્હા છે. જે પૈકી એક ડબલ મર્ડર અને એક સીંગલ મર્ડર ઉપરાંત હત્યાની કોશિશના સાત ગુન્હા, ગંભીર રીતે મારામારીના નવ ગુન્હા,ટાડાના ચાર ગુન્હા, હથિયારધારાના સાત ગુન્હા ઉપરાંત પ્રોહીબીશન અને રાયોટીંગના મળી કુલ 48 ગુન્હાઓ તેના નામે બોલે છે જેમાં બગવદર પોલીસ મથક, રાણાવાવ પોલીસમથક, જામજોધપુર પોલીસ મથક, ભાણવડ, જામખંભાળીયા, આણંદ રૂરલ, કુતિયાણા, માધવપુર, પોરબંદરનું કમલાબાગ પોલીસ મથક વગેરે જેવા અલગ-અલગ પોલીસસ્ટેશનોમાં તેના વિરૂધ્ધ અનેક ગુન્હા નોંધાઇ ચૂકયા છે અને હવે પ્રોહીબીશન હથિયારધારા સહિતના વધુ ગુન્હાઓ તેના નામે ચોપડે ચડશે.

4 હથિયારોનાં લાયસન્સ પુત્ર, પત્ની, પુત્રવધુનાં નામે!

પોરબંદર પોલીસ ભીમા દુલાને ત્યાં દરોડો પાડીને ચાર જેટલા ઘાતક હથિયારો કબ્જે કર્યા હતા. જેમાં તેની પાસે લાયસન્સ માંગવામાં આવતા એકપણ હથિયારનું લાયસન્સ તેણે રજૂ કર્યુ ન હતું. બાદમાં તપાસ કરતા તેના પુત્ર લખમણ ભીમા ઓડેદરા કે જે પોરબંદર માર્કેટીંગ યાર્ડના ચેરમેન છે તેની પાસે બે હથિયાર છે અને બંનેના લાયસન્સ છે. ભીમા દુલાની પત્ની પાસે અને લખમણની પત્ની એટલે કે ભીમા દુલાની પુત્રવધુ પાસે પણ એક હથિયાર છે અને તેના પર લાયસન્સ છે. તેથી જે ચાર હથિયાર કબ્જે થયા છે તે લાયસન્સવાળા હોવાનું માનવામાં આવી રહ્યું છે.



Google NewsGoogle News