કુખ્યાત ભરત કુગશીયાને વધુ એક કેસમાં આજીવન કેદની સજા
રાજકોટની સેશન્સ કોર્ટનો ચૂકાદો
આરોપી ભરતનો ભાઇ ભાવેશ પણ તકસીરવાન ઠરાવાયો, ચાર આરોપીઓને શંકાનો લાભ
આ કેસની વિગત એવી છે કે ફરિયાદી કલ્પેશ તેના કાકાના મિત્ર પ્રવિણભાઈની જમીન અંગે આરોપી ભરતે કરેલા સોદામાં સાક્ષી હતો. તે જમીન સંબંધે તકરાર થઇ હતી. આ તકરાર વખતે ફરિયાદી કલ્પેશ હાજર હોવાથી તકરારનો દ્વેષભાવ રાખી તેના જામનગરથી મોરબી જતા રસ્તા પર આવેલા સેન્ટીંગના ડેલામાં ઘૂસી જઇ આરોપીઓએ તેની ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
જે અંગે છએ આરોપીઓ સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ થયો હતો. આ કેસ ચાલી જતાં બંને પક્ષોની દલીલો, રજૂઆતો ધ્યાને લઇ, પૂરાવાઓ તપાસી અદાલતે આરોપી ભરત અને તેના ભાઈ ભાવેશને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી છે. સાથોસાથ બંને આરોપીઓને રૂા. ૨.૫૦ લાખનો દંડ ભરવાનો પણ હુકમ કર્યો છે.
જ્યારે આરોપીઓ જગદીશ દેવાયતભાઈ કુગશીયા, મહાવીર ચંદુભા જાડેજા, જેન્તી વાઘજીભાઈ જંજુવાડીયા અને ધર્મેશ બકુલભાઈ જંજુવાડીયાને અદાલતે શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી એડવોકેટ અર્જુનભાઇ પટેલ જ્યારે સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા અને એપીપી પરાગભાઈ શાહ રોકાયેલા હતા.
ઉલ્લેખનીય છે કે કુખ્યાત આરોપી ભરત કુગશીયાને અગાઉ પણ ખૂનની કોશિષના એક ગુનામાં અદાલતે આજીવન કેદની સજા ફરમાવી હતી.