શહેરમાં ફાયર સેફ્ટી રીન્યુઅલ નહીં કરાવતા 6 શાળાને નોટિસ ફટકારાઈ
- 70 શાળા, હોસ્પિટલમાં ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે તપાસ કરાશે
- 3 વર્ષે ફાયર સેફ્ટી રીન્યુ કરાવી એનઓસી મેળવવું જરૂરી, નિયમનું પાલન નહીં કરનાર સામે ફાયર વિભાગ કાર્યવાહી કરશે
ફાયર એન્ડ ઈમરજન્સી સર્વીસીઝ વિભાગ દ્વારા ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ૭૦ શાળા, હોસ્પિટલ વગેરે સ્થળે તપાસ કરવામાં આવશે અને ફાયર સેફ્ટી રીન્યુઅલ નહીં કરાવી હોય તેને નોટિસ આપી ખુલાસો પુછવામાં આવશે. આજે મંગળવારે ફાયર વિભાગની ટીમે ભાવનગર શહેરની રર શાળામાં ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે તપાસ કરી હતી, જેમાં ૧૬ શાળાએ ફાયર સેફ્ટી રીન્યુઅલ કરાવી એનઓસી મેળવ્યુ હતુ, જયારે ૬ શાળાએ ફાયર સેફ્ટી રીન્યુઅલ કરાવવાની કામગીરી કરી ના હતી તેથી શાળાના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી. ફાયર સેફ્ટી શું કામ રીન્યુ નથી કરાવી ? તે અંગે શાળા સંચાલકોએ જવાબ આપવો પડશે. ફાયર વિભાગે ફાયર સેફ્ટી રીન્યુઅલ બાબતે તપાસ હાથ ધરતા કેટલાક શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આવતીકાલે બુધવારે ફાયર સેફ્ટી રીન્યુઅલ બાબતે હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે અને જે હોસ્પિટલોએ ફાયર સેફ્ટી રીન્યુઅલની કામગીરી કરાવી નહીં હોય તેને નોટિસ આપી ખુલાસો પુછવામાં આવશે તેમ ભાવનગર મહાપાલિકાના ફાયર વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની અગ્નીકાંડની ઘટના બાદ સરકારની સૂચના અનુસાર ભાવનગર મહાપાલિકાના ફાયર વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ફાયર સેફ્ટીના સાધનો કે સીસ્ટમ ના હોય તે તમામ બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી, ઘણી બિલ્ડીંગને સીલ પણ મારવામાં આવ્યા હતા તેથી ઘણી બિલ્ડીંગોમાં હાલ ફાયર સેફ્ટી સીસ્ટમ નાખવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. આગામી દિવસોમાં ફાયર વિભાગ દ્વારા તપાસ કરી ફાયર એનઓસી નહીં મેળવ્યુ હોય તે બિલ્ડીંગ ધારકોને નોટિસ આપવામાં આવશે ત્યારે બિલ્ડીંગ ધારકોએ ફાયર એનઓસી મેળવી લેવુ જરૂરી છે.