નડિયાદમાં સફાઈમાં બેદરકારી મુદ્દે સેનેટરી સુપરવાઈઝરને નોટિસ
મહાનગરપાલિકાએ પ્રથમ સફાઈ અભિયાન શરૂ કર્યું
વોર્ડ નં. ૪-૫માં સફાઈના સાધનો ઉપલબ્ધ ન હોવાથી ઈન્ચાર્જ ડે. કમિશનરે નોટિસ ફટકારી ખૂલાસો માંગ્યો
અભિયાન સવારે શરૂ કરતા સમયે ઈન્ચાર્જ ડે. કમિશનર રૂદ્રેશ હુદળ સહિતના અધિકારીઓ, અગ્રણીઓ સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધી આ વોર્ડના સેનેટરી સુપરવાઈઝર જીતેશ સોલંકી દ્વારા સફાઈના સાધનો ઉપલ્બ્ધ કરાવાયા નહોતા. જેથી અધિકારીઓ અને હોદ્દેદારોને રાહ જોવાનો વખત આવ્યો હતો. હવે આ બાબતે ડે. કમિશનર દ્વારા સેનેટરી સુપરવાઈઝર જીતેશ સોલંકીને નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે. લાંબા સમયથી તમામ સેનેટરી સુપરવાઈઝરોની બદલીઓ કરવામાં આવે અને તેમની પાસે ચોક્કસાઈપૂર્વક કામગીરી લેવામાં આવે તેવી પણ માંગણી ઉઠી છે. બીજીતરફ આજના સફાઈ અભિયાનના કાર્યક્રમમાં વોર્ડ ૪-૫માં સફાઈ કરી લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરાયા હતા. જો કે, આ તરફ અનેક એવા વિસ્તારો છે, જ્યાં તાજેતરમાં જ સફાઈ અભિયાન કર્યા બાદ પુનઃ કચરાના ઢગ થયા છે.
કચરો ફેંકવા જતી મહિલાને અટકાવી ટકોર કરાઈ
ગત રોજ નડિયાદમાં મનપા કચેરીએ અધિકારીઓનો દૌર ચાલ્યો હતો. મોડી સાંજે ઈન્ચાર્જ ડે. મ્યુનિ. કમિશનર કચેરીથી નીકળી જતા હતા. ત્યારે નડિયાદ પારસ સર્કલ પાસે ટોપલો ભરીને કચરો જાહેરમાં ફેંકવા જતી મહિલાને તેમણે અટકાવી સફાઈનું ટ્રેક્ટર નીકળે ત્યારે નાખવા ટકોર કરી હતી. સાથે શહેરમાં નાગરીકોને જાહેરમાં કચરો નહીં નાખી સફાઈમાં સહયોગ આપવા અપીલ કરી છે.