તળાજામાં 19 ધાર્મિક સ્થાનકોને 15 દિવસમાં હટાવી લેવા નોટિસ
બે દરગાહ અને 17 હિન્દુ દેવ સ્થાનો પાસે નોટિસ લગાવાઈ
ત્રણ-ત્રણ માળના ગેરકાયદે બિલ્ડીંગો હટાવવાની ન.પા. પાસે હિંમત નથી, હિન્દુ સંગઠનોમાં ઉગ્ર વિરોધ-રોષ
તળાજામાં આપાની ઘંટી સહિત અલગ-અલગ વિસ્તારમાં જાહેર સ્થળો, સરકારી જગ્યા, રસ્તા અને નગરપાલિકાની જગ્યામાં બજરંગદાસ બાપાની ચાર મઢુલી, પાંચ હનુમાનજીની દેરી, મેલડી માતાજી, ખોડિયાર માતાજી, ગાત્રાડ માતાજી મળી ચાર દેરી અને દરગાહના બે મળી ૧૯ ધર્મસ્થાનો બનેલા છે. તેને ૧૫ દિવસમાં હટાવી લેવા બાંધકામ શાખા અને ચીફ ઓફિસર દ્વારા નોટિસ કાઢી સબંધિત સ્થળો પર નોટિસો લગાવી જો કોઈ મંજૂરી લીધો હોય તો સાત દિવસમાં રજૂ કરવા તેમજ જાતે દબાણ નહીં દૂર કરાઈ તો દબાણ દૂર કરવા નિયમાનુસારની કાર્યવાહી કરી તેનો ખર્ચ વસૂલવામાં આવશે તેમ જણાવાયું છે.
ધાર્મિક સ્થાનકો તોડી પાડવાની નોટિસો કાઢવામાં આવતા હિન્દુ સમાજમાં રોષ અને કચવાટની લાગણી જન્મી છે. આ બાબતે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ તળાજા જ નહીં રાજ્યની તમામ નગરપાલિકામાં કાર્યવાહી કરાઈ રહીછે. આ પ્રથમ તબક્કો છે, ગાઈડલાઈન મુજબ કાયદાકીય કાર્યવાહી કરી અન્ય સ્થળો પર પણ નવેસરથી નિર્માણ કરી શકાય તેમ છે. જ્યારે આ બાબતે બજરંગ દળ-સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપપ્રમુખ લાખાભાઈ આહીરે આક્રોશ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં સુપ્રીમની ગાઈડલાઈન કોઈ એક ધર્મ કે સમૂહ માટે ન હોય, બધાને લાગું પડે છે. તળાજામાં ત્રણ-ત્રણ માળના ગેરકાયદે બિલ્ડીંગ ઉભા કરી દેવાયા છે. તે દબાણ હટાવવામાં આવશે તો ધાર્મિક દબાણો જાતે હટાવી લઈશું. બાકી એકપણ કાકરીચાળો કર્યો તો ધમકીભર્યા સૂરમાં લડી લેવાની ચિમકી આપી હતી.
કરો વાત.. શાસકને જ અધિકારીએ વિશ્વાસમાં ન લીધા
ધાર્મિક સ્થળોના દબાણ હટાવવા મામલે તળાજા ચીફ ઓફિસરે કાઢેલી નોટિસમાં અધિકારીએ શાસક પક્ષ-પ્રમુખને વિશ્વાસમાં જ લીધા ન હોવાનો બળાપો ઠાલવવામાં આવ્યો હતો. પ્રમુખ હેતલબેન વતી કમલેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ચીફ ઓફિસરે નોટિસ બાબતે તેઓને વિશ્વાસમાં લીધા ન હતા. આ બાબતે પૃચ્છા કરતા ચીફ ઓફિસરે કોર્ટના આદેશ મુજબની કાર્યવાહીનો ભાગ હોવાનું રટણ કર્યું હતું.