મહા નગરપાલિકા જાહેર થયા બાદ ગાંધીધામમાં 3000 ગેરકાયદે દબાણ હટાવવા નોટિસ, હવે બુલડોઝર ફરશે
Gandhidham News | ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર થઈ ગયા બાદ શહેરના માર્ગો પહોળા બને અને દબાણોને હટાવાય તે માટે ગાંધીધામ અને આદિપુરમાં 3000થી વધુ લોકોને દબાણ સ્વેછાએ હટાવી લેવા નોટિસ આપી હતી. જે સમયમર્યાદામાં નહીં હટાવવામાં આવે તો મનપા દબાણ હટાવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. જે અંતર્ગત હવે ગાંધીધામ મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી આરંભી છે.
આ અંગે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર સંજય રામાનુજ પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીધામ મનપા માં અત્યાર સુધી લગભગ 3000થી વધુ દબાણકારોને નોટિસ આપવામાં આવી છે. મનપા માં આવતા વિસ્તારો પૈકીના ગાંધીધામ શહેર અને આદિપુર શહેરમાં આ નોટિસો હાલે અપાઈ છે. જેમાં સમયગાળો પણ આપવામાં આવ્યો હતો. જે બાદ ખાસ કરીને આદિપુરમાં લોકો દ્વારા સ્વેછાએ દબાણ હટાવવાનું શરૂ પણ કરી નાખ્યું હતું અને ગાંધીધામમાં પણ ઘણા લોકો સ્વછાએ દબાણ હટાવતા જોવા મળ્યા છે. આ કામગીરી બંને શહેરોમાં માર્ગોને પહોળા કરવા માટે થઈ રહી છે. દરમિયાન થોડા દિવસો પહેલા ગાંધીધામમાં સુંદરપૂરી, અપના નગર વગેરે વિસ્તારમાં નોટિસ આપવામાં આવી હતી. જે અંતર્ગત અમુક લોકોએ દબાણો હટાવી પણ લીધા હતા અને જેના હવે બાકી રહી ગયા છે તેમણે મનપા હટાવશે. જે માટેની કામગીરી આરંભી દેવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ શહેરની જ્યારે રચના થઈ ત્યારથી જ ખૂબ સારી રીતે પ્લાનિંગ કરવાં આવ્યું હતું. પાકગ, ધંધા માટે દુકાનોનું આયોજન, બાગ-બગીચા વગેરેના નિર્માણ માટે એક ચોક્કસ આયોજન હતું. પરંતુ સમય જતાં તંત્રએ નિયંત્રણ ન રાખતા પરિસ્થિતી એવિ થઈ છે કે જ્યાં જુઓ ત્યાં ગાંધીધામમાં માત્ર દબાણો જ દેખાય છે પરિણામે માર્ગો સાંકડા થયા છે અને વાહન પાકગની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે ત્યારે હવે આ બાબતનું સમાધાન કરવા તંત્ર દ્વારા સૌથી પહેલા દબાણ હટાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.