જમીન બિનખેતી કરાવ્યા બાદ મહેસુલી કર નહીં ભરતા 14086 બાકીદારોને નોટિસ
- કલેક્ટરે ઝુંબેશ ઉપાડી નોટિસો આપતા ત્રણ
મહિનામાં 9.94 કરોડની વસુલાત : ચોર્યાસી તાલુકામાં સૌથી વધુ 3.15 કરોડની વસુલાત થઇ
સુરત
સુરત
શહેર અને જિલ્લામાં જમીનો બિનખેતી કરાવ્યા
બાદ મહેસુલ ભરવામાં અખાડા કરનારાઓ સામે સુરત જિલ્લા કલેકટરે ઝુંબેશ ઉપાડીને ૧૪૦૮૬ બાકીદારોને નોેટિસ ફટકારતા વસુલાત
શરૃ થઇ છે. છેલ્લા ત્રણ મહિનામાં સુરત જિલ્લામાંથી ૯.૯૪ કરોડની વસુલાત આવી ચૂકી છે.
રાજય સરકાર દ્વારા જે પણ ખેડૂતો જમીન ધારણ કરતા હોય છે તેની પાસેથી દર વર્ષે મહેસુલી કર વસુલવામાં આવે છે. જેમાં ખેતીની જમીનનું મહેસુલ અલગ હોય છે. અને આ ખેતીની જમીન બિનખેતી થયા પછી પણ અલગ મહેસુલ વસુલવામાં આવે છે. આ વસુલાત માટે જે-તે વિસ્તારના તલાટી દ્વારા થતી હોય છે. દરમિયાન એ વાત ધ્યાને આવી હતી કે સુરત જિલ્લામાં એકવાર બિનખેતી કરાવ્યા પછી જે-તે માલિક મહેસુલ ભરતા નથી. આથી સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે ખાસ ઝુંબેશ ઉપાડી હતી.
જેમાં સુરત શહેરના પાંચ તાલુકા તેમજ જિલ્લાના નવ તાલુકા અને સીટી સર્વે વિસ્તારમાં જેટલી પણ મિલ્કતો બિનખેતી થઇ હતી અને મહેસુલી કર ભરપાઇ થતુ ના હતુ તે બદલ ૧૪સ૮૦૬ બાકીદારોને માંગણુ ભરપાઇ કરવા માટે સંબંધિત મામલતદાર દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી. સંભવતઃ બે કે તેથી વધુ વર્ષની બાકી મહેસુલી વસુલાત માટે નોટિસ ફટકારવામાં આવી છે.
આ નોટિસ બાદ બાકીદારો ફફડી ઉઠતા મહેસુલી કર ભરવાની શરૃઆત કરતા ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના ત્રણ મહિનામાં કુલ ૯.૯૪ કરોડની વસુલાત થઇ છે. જેમાં સૌથી વધુ ૩.૧૫ કરોડની વસુલાત ચોર્યાસી તાલુકામાં થઇ હતી. જયારે સીટી વિસ્તારમાં સૌથી વધુ અડાજણ મામલતદાર કચેરી દ્વારા ૧.૮૧ કરોડની વસુલાત થઇ છે.