નસબંધી કાંડ: નોટિસે જ આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પાડી, ટાર્ગેટ પૂર્ણ ન થતાં કર્મચારીને નોટિસ
Mehsana Sterilization scandal : ખ્યાતિ કાંડ બાદ હવે નસબંધી કાંડમાં પણ એક પછી એક ચોંકાવનારી વાત બહાર આવી રહી છે. મજૂરીની લાલચમાં બે યુવકોની નસબંધી કરી દેવાની ઘટના બાદ આરોગ્ય મંત્રીએ ખુલાસો કર્યો હતો કે, નસબંધીના ઓપરેશન માટે આરોગ્ય વિભાગના કર્મચારીને કોઇ ટાર્ગેટ અપાતાં નથી. વાસ્તવમાં કડી તાલુકાના ડાંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક કર્મચારીને નસબંધીના ઓપરેશનનો ટાર્ગેટ પૂર્ણ ન કરતાં નોટિસ ફટરાઇ છે જેના કારણે આરોગ્યમંત્રીના ખુલાસાનો ફિયાસ્કો થયો છે.
ટાર્ગેટ અપાતો નથી તેવી આરોગ્યમંત્રીની વાત ખોટી ઠરી
મહેસાણા જીલ્લાના નવી શેઢાવી અને જમનાપુરમાં બે યુવકોની બારોબાર નસબંધી કરી દેવાતાં આરોગ્ય તંત્રની કામગીરી સામે આંગળી ચિંધાઇ રહી છે. ગુજરાતમાં તા.24 નવેમ્બરથી તા.4 ડિસેમ્બર સુધી પુરુષ નસબંધી પખવાડિયું ઉજવવામાં આવ્યું હતું. જે અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓને જિલ્લા વાઇઝ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જોકે, ટાર્ગેટ પુરો કરવા માટે આરોગ્ય કર્મચારીઓએ અવનવાં પેતરાં રચી નિર્દોષ યુવાઓને ટાર્ગેટ કર્યા હતાં.
આ પણ વાંચો: નસબંધીના ટાર્ગેટઃ આરોગ્ય મંત્રી અને અધિકારીના નિવેદનમાં વિરોધાભાસના કારણે વિવાદ
બે યુવકોની નસબંધીના ઓપરેશનનો વિવાદ ચગ્યો છે ત્યારે આરોગ્યમંત્રી ૠષિકેષ પટેલે એવો બચાવ કર્યો હતો કે, આ સ્વૈચ્છિક રીતે કરાતી કામગીરી છે. એટલુ જ નહીં, સ્વેચ્છાએ નસબંધી કરાવનારાં યુવકને સરકાર પુરસ્કાર રુપે રૂ.2 હજાર રોકડા આપે છે. આ તરફ, કડી તાલુકાના ડાંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક કર્મચારીને ટાર્ગેટ પૂર્ણ ન થતાં નોટિસ ફટકારવામાં આવી છે.
જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છેકે, વારંવાર સૂચના આપ્યા પછી પણ નસબંધીના ટાર્ગેટ આધારે ઓપરેશનની કામગીરી કરી નથી તે ગંભીર બાબત છે. જો આગામી ત્રણેક દિવસમાં ટાર્ગેટ આધારે સંતોષપૂર્વક કામગીરી નહી કરો તો, વહીવટી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ટાર્ગેટની લ્હાયમાં યુવકને આપી હતી 500 રૂપિયાની લાલચ, પત્નીની મંજૂરી ફરજિયાત છતાં પોલંપોલ
આ નોટિસે જ આરોગ્યમંત્રીને ખોટા સાબિત ઠેરવ્યાં છે. એવી માહિતી મળી છેકે, આરોગ્ય વિભાગે કડી તાલુકાના ડાંગરવા, ઝુલાસણ, મેડા આદરજ અને કરણનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓને નોટિસો આપી છે. આ નોટિસો જ પ્રસ્થાપિત કરે છે કે, આરોગ્ય વિભાગ ટાર્ગેટ આપીને નસબંધીના આપરેશન કરાવી ટાર્ગેટ પૂર્ણ કરે છે. ટાર્ગેટના કારણે જ આરોગ્ય વિભાગ નિર્દોષ યુવકોને નસબંધીના ઓપરેશન માટે નિશાન બનાવી રહ્યું છે.