આણંદ- વિદ્યાનગર રોડ પરની તુલસી કાઠિયાવાડી રેસ્ટોરન્ટને નોટિસ ફટકારી
- ગંદા પાણીથી ગટર ચોકઅપ થતા રોડ પર પાણી રેલાયા
- 5 હજારનો દંડ કરી 7 દિવસમાં હોટેલમાં સ્ક્રીન ચેમ્બર નહીં બનાવે તો સીલ કરવાની મનપાની સૂચના
આણંદ વિદ્યાનગર રોડ નંદભૂમિ પાસે આવેલી ગટરની ચેમ્બર બ્લોક થવાના કારણે ગંદુ પાણી રોડ ઉપર આવતું હતું. જેની ફરિયાદ મહાનગરપાલિકાને મળી હતી. આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા નંદભૂમિ પાસે આવેલી ગટરની ચેમ્બર ચેક કરતા તેમાં ગટરની નજીક આવેલી તુલસી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ દ્વારા ગંદુ પાણી છોડમાં આવતા ગટર ચોકઅપ થઈ ગઈ હતી. ત્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગટરનું દૂરસ્તી કામ કરીને ગંદુ પાણી રોડ ઉપર ન આવે માટે કાર્યવાહી કરીને ગંદુ પાણી બંધ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત તુલસી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં તપાસ કરતા તેમની રેસ્ટોરન્ટમાંથી પાણીના નિકાલ અર્થે સ્ક્રીન ચેમ્બર બનાવવામાં આવી ના હોવાના કારણે ગંદુ પાણી ગળાયા વગર ગટરમાં જતું હતું જેના કારણે રેસ્ટોરન્ટને તાત્કાલિક પ,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જો ૭ દિવસમાં રેસ્ટોરન્ટ તેની હોટલમાં સ્ક્રીન ચેમ્બર ન બનાવે તો હોટલને સીલ કરવામાં આવશે તેવી નોટિસ પણ ફટકારાઈ છે.