પતરાના શેડમાં ચાલતી મહેમદાવાદની વેદ હોસ્પિટલ અને બે કર્મચારીને નોટિસ
- ખેડા જિલ્લા આરોગ્ય વિભાગે ખૂલાસો માંગ્યો
- વિભાગને જાણ કરી હોવાનો હોસ્પિટલ પ્રશાસનનો દાવો બે લાઈનનો મેલ વ્યાજબી નથી ઃ આરોગ્ય તંત્ર
નડિયાદ : મહેમદાવાદમાં પીએમજેએવાય હેઠળ ચાલતી વેદ હોસ્પિટલે નિયમોનો ભંગ કરી અને પતરાના શેડમાં ચલાવાતી હોવાનો ખુલાસો થયો હતો. આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગે બે કર્મચારીઓ સહિત હોસ્પિટલ પ્રશાસનને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.
મહેમદાવાદમાં ખાત્રજ ચોકડી પાસે વેદ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવેલી છે. અગાઉ આ હોસ્પિટલ તેના મૂળ બાંધકામમાં ચાલતી હતી. તે વખતે આ હોસ્પિટલનો પીએમજેએવાય યોજના હેઠળ સમાવેશ કરાયો હતો. છેલ્લા દોઢેક વર્ષથી હોસ્પિટલના સંચાલકો દ્વારા પોતાની હોસ્પિટલનું મૂળ બિલ્ડિંગ સમારકામ કરવા માટે તોડી નાખી બાજુમાં પતરાનો શેડ મારી અને ત્યાં હોસ્પિટલ ચાલુ કરી દીધી હતી. હોસ્પિટલ પ્રશાસને પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ મામલે આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જો કે, આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પિટલ પ્રશાસન દ્વારા જે-તે સમયે માત્ર બે લાઈન લખી મેલ કરી દીધો હતો. જે વ્યાજબી નથી. તેમ છતાં આ સબંધે જવાબદાર બે કર્મચારીઓને નોટિસ પાઠવી છે અને હોસ્પિટલને પણ નોટિસ પાઠવી છે.
જો કે, આ સમગ્ર મામલે આરોગ્ય કેન્દ્રનો અન્ય એક કોન્ટ્રાક્ટ પરના કર્મચારી જેની સંપૂર્ણ જવાબદારી બનતી હતી તે મિલાપ પટેલ નામનો કર્મી હતો. જેણે વેદ હોસ્પિટલ મામલે મેલ ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરી નહોતી અને તે સમયે સબંધિત અધિકારીઓનું પણ ધ્યાન દોર્યુ નહોતું. હાલ તે ખ્યાતિકાંડમાં પીએમજેએવાય યોજનામાં કૌભાંડના કેસમાં આરોપી તરીકે પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે હવે વેદ હોસ્પિટલ મામલે આરોગ્ય વિભાગ આગામી સમયમાં શું કાર્યવાહી કરે છે, તેની પર સૌની નજર છે.