ચાર માળની બિલ્ડીંગના જોખમી ડિમોલીશન મુદ્દે નોટિસ ફટકારાઇ
અડાજણમાં રામતિર્થ એપાર્ટમેન્ટ દુર્ઘટના પ્રકરણ
બિલ્ડીંગ તૂટીને કાટમાળ ત્રણ બંગલા પર પડયો હતોઃ મ્યુનિ. તંત્રને જાણ પણ કરાઇ નહોતી
સુરત,
સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં ચાર માળની બિલ્ડીગનું સલામતીના પગલાં ભર્યા વિના ડિમોલીશન કરાતાં દુર્ઘટના થઈ હતી.આ કિસ્સામાં પાલિકા તંત્રએ સલામતિના પગલાં ભર્યા વિના અને પાલિકાને કોઈ પ્રકારની જાણ કર્યા વિના ડિમોલીશન કરાંતા પાલિકાએ નોટીસ ફટકારી છે.
અડાજણ બીએસએનએલની ગલીમાં વર્ષો જુના સાઈ નગર સોસાયટીમા આવેલા રામ તિર્થ એપાર્ટમેન્ટને ઉપરના ભાગેથી ડિમોલીશન કરવાના બદલે નીચેના ભાગથી ડિમોલીશન કરાંતા ત્રણ બંગલા પર બિલ્ડીંગ તુટી પડયું હતું અને ત્રણેય બંગલાને નુકસાન થયું હતું. આ બિલ્ડીંગ ભાજપના માજી મહિલા કોર્પોરેટર ગીતા પટેલના પતિ હસમુખ પટેલ અને તેના ભાગીદારોએ ખરીદ્યું હતું. બિલ્ડીંગમાં કેટલાક લોકોના ફ્લેટ ખરીદાયા ન હતા અને એક વ્યક્તિનો તો સામાન પણ હતો. પરંતુ દિવાળીની રજામાં પાલિકાની નજરમાં ન આવે તેવી રીતે તાત્ત્કાલિક બિલ્ડીગ તોડવાનું શરૃ કરાતા બિલ્ડીંગનો કાટમાળ ત્રણ બંગલા ઉપર પડયો હતો. ડિમોલીશન અંગે મ્યુનિ. તંત્રની પૂર્વમંજુરી લીધા વગર જોખમી રીતે ડિમોલીશન કરવા બદલ બિલ્ડીંગ તોડનારને નોટિસ ફટકારવામાં આવી છે.