ખેડૂતોનો રાઘવજી પર કટાક્ષ: કૃષિમંત્રી નહીં, પણ ખુરશી મંત્રી, ડબલ આવક છોડો, વળતર ચૂકવો
Farmers' sarcasm on Raghavaji: આ વખતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે તબાહી સર્જી છે. ખેતરોમાં ઉભા પાક ધોવાયા છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાતા ખેતીને વ્યાપકપણે નુકસાન પહોંચ્યુ છે ત્યારે વળતરની માંગ ઉઠી છે. દરમિયાન, રોષે ભરાયેલાં ખેડૂતોએ સોશિયલ મિડીયામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ પર કોમેન્ટ કરી એવી ભડાશ ઠાલવી છેકે, રાઘવજી કૃષિમંત્રી નહી, પરંતુ ખુરશી મંત્રી છે.
ભાજપના શાસનમાં ખેડૂતોની પનોતી બેઠી કઇંક કરો, નહીતર વર્ષ 2027માં હાંકી કાઢીશું
ભારે વરસાદને કારણે ખેતી તબાહ થતાં ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે નુકશાનીનુ વળતર આપવા માંગ ઉઠી છે. આ તરફ, કૃષિમંત્રી રાઘવજીએ સર્વે કરવાની ખાતરી આપી છે છતાંય નારાજ ખેડૂતોએ સોશિયલ મિડીયામાં કોમેન્ટો કરીને ઉભરો ઠાલવ્યો છેકે, વરસાદથી કેટલું નુકશાન થયુ છે તે માહિતી લેવા કોઇ આવતું નથી તો સરકાર- કૃષિ વિભાગને નુકસાનીના આંકડા-માહિતી કેવી રીતે મળી જાય છે. ખેડૂતોની ફરિયાદ છેકે, પાંચ થેલી યુરિયા ખરીદો તો, એક થેલી નર્મદા ફોસ્ફરસની પકડાવી દેવાય છે. આમ, ખેડૂતો સાથે મનમાની કરવામાં આવી રહી છે.
ખેડૂતોએ એવી હૈયા વરાળ ઠાલવી કે, વાવેતર તો કર્યું પણ ધોવાઇ ગયું. વરસાદ તો થયો પણ પાક બળી ગયોને, ઉજડી ગયો. એવો ય આક્ષેપ કરાયો છેકે, આ સરકાર તો ખેડૂતોના પાક વિમાના કરોડો રૂપિયા ચાંઉ કરી ગઇ છે.
બનાસકાંઠામાં વર્ષ 2023માં પૂરમાં થયેલા નુકસાનનું વળતર હજુય ખેડૂતોને ચૂકવાયુ નથી. ડબલ આવકના વચન વાયદા છોડો, પહેલાં ખેડૂતોને ખેતીના નુકશાનનું વળતર ચૂકવો. ભાજપના રાજમાં તો ખેડૂતોના માથે પનોતી બેઠી છે. ખેડૂતોએ એવી ય ચિમકી ઉચ્ચારી છેકે, હજુય સમય છે, ખેડૂતો માટે કઇંક કરો નહીંતર વર્ષ 2027માં હાંકી કાઢવા પડશે.