ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં શિક્ષકોની ગેરહાજરીનો મુદ્દો ગાજ્યો, 3 વર્ષમાં 134 શિક્ષકો બરતરફ
Absent Teacher Controversy : આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરુ થઈ ગયું છે. આજે ગૃહમાં શિક્ષકોને ગેરહાજરી અને વિદેશ પ્રવાસ મુદ્દે ટૂંકી રજૂઆત કરવામાં આવી હતી. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા વિધાનસભામાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યમાં શિક્ષકોની ઘટ હોવા છતાં શિક્ષણ વિભાગ જાગતું નથી અને મીડિયામાં મુદ્દો ઊભો થયા બાદ શિક્ષણ વિભાગ જાગ્યું છે. આ ઉપરાંત શિક્ષકોની ગેરહાજરીને મુદ્દે કહ્યું હતું કે જવાબદાર શિક્ષણ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે.
આ રજૂઆતોનો જવાબ આપતાં મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું કે ‘બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં કુલ 12 શિક્ષકો અને પાટણ જિલ્લામાં 7 શિક્ષકો ગેરહાજર છે, જેમાંથી એકપણ શિક્ષક પગાર મેળવતા નથી. બનાસકાંઠામાં ગેરહાજર 12 શિક્ષકોમાંથી 6 શિક્ષકો વિરૂદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરીને બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે બે શિક્ષકોના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. બાકીના 4 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે પાટણના બન્ને શિક્ષકો એનઓસી લીધા બાદ વિદેશ ગયા હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.’
આ પણ વાંચો : ભારત બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ, જામનગરમાં ચક્કાજામ તો વડોદરામાં દુકાનો બંધ કરાવાતાં ઘર્ષણ
આ દરમિયાન શૈલેષ પરમારે કહ્યું હતું કે ‘રાજ્યમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકો વધુ પ્રમાણમાં ગેરહાજર છે. આ સિવાય પણ અનેક શિક્ષકો ગેરહાજર હોય છે.’
આ અંગે જવાબ આપતાં કુબેર ડિંડોરે કહ્યું હતું કે ‘વર્ષ 2019થી 2022 દરમિયાન ઓનલાઇન હાજરીની વિગતોના આધારે ગેરકાયદે રીતે ગેરહાજર શિક્ષકોની માહિતી મંગાવી છે. તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશ પ્રવાસ અને ગેરહાજર રહેતા કુલ 134 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે.’
ચાણસ્માના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે ‘મારા વિસ્તારમાં કેટલાય શિક્ષકો 6-7 મહિનાથી ગેરહાજર રહે છે. શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરાઈ નથી. જો શિક્ષકો ત્રણ મહિનાથી વધુ સમય માટે વિદેશ જતા હોય, તો બાળકોના શિક્ષકોના ભવિષ્યનું શું? સરકાર એમના માટે શિક્ષકોની વ્યવસ્થા કેમ નથી કરતી? અધિકારીઓ અમારું માનતા નથી.’
આ બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે ‘અમે સમયસર કેલેન્ડર મેળવી રહ્યા છે. શિક્ષણ વિભાગ બદનામ થાય છે, માત્ર 1% ગેરહાજર રહેનારા શિક્ષકોને કારણે. આગામી સમયમાં શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી હાથ ધરશે.’