ખેડાની 5 પાલિકાની 136 બેઠકો માટે 503 ઉમેદવારોના નામાંકન
- નગરપાલિકાની ચૂંટણીમાં 164 અપક્ષ ઉમેદવારોની દાવેદારી
- ડાકોર પાલિકામાં 120, ચકલાસીમાં 115, મહેમદાવાદમાં 85, મહુધામાં 54 અને ખેડામાં 129 ફોર્મ ભરાયા : કઠલાલ અને કપડવંજની તાલુકા પંચાયતની 50 બેઠકો માટે 53 ઉમેદવારીપત્રો જ્યારે મહેમદાવાદની મોદજ અને હલધરવાસ બેઠક પર પેટા ચૂંટણી માટે પાંચની ઉમેદવારી
નડિયાદ : ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓ અને બે તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે શુક્રવારના દિવસ સુધી ૫ નગરપાલિકાની ૧૩૬ બેઠકો માટે અત્યાર સુધી ૨૫૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ત્યારે પાંચે નગરપાલિકાની ચૂંટણી માટે હાલ ૧૬૪ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કઠલાલ અને કપડવંજની તાલુકા પંચાયતની કુલ ૫૦ બેઠકો માટે ૫૩ ઉમેદવારોએ નામાંકનપત્રો ભરી દીધા છે. ખેડા જિલ્લામાં પાંચ પાલિકાની ચૂંટણી સંદર્ભે અત્યાર સુધીમાં ડાકોરમાં ૧૨૦, ચકલાસીમાં ૧૧૫, મહેમદાવાદમાં ૮૫, મહુધામાં ૫૪ અને ખેડામાં ૧૨૯ ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાની માહિતી મળી છે. આમ જિલ્લામાં પાલિકાની ચૂંટણીઓ માટે ૫૦૩ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તા. ૧૬મી ફેબુ્રઆરીએ યોજાવાની છે. ત્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ ૩૧ જાન્યુઆરીને શુક્રવાર સુધી મહેમદાવાદ નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૪૮ ફોર્મ ભરાયા છે. જ્યારે ડાકોર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૬૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ચકલાસી નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૫૫ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તો મહુધાના ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે ૧૩ ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા છે. ખેડા નગરપાલિકાના ૭ વોર્ડ માટેની ૨૪ બેઠકો પર સૌથી વધુ ૭૫ ઉમેદવારોએ દાવેદારી કરી છે. આમ, ૫ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ ૧૩૬ બેઠકો માટે ૨૫૨ ઉમેદવારોએ શુક્રવાર સુધી ફોર્મ જમા કરાવી ચૂક્યા છે.
આ તરફ કપડવંજ નગરપાલિકાની બે બેઠકો પર પેટા ચૂંટણી છે, જેમાં હજુ માત્ર ૧ જ ઉમેદવારે ફોર્મ ભર્યું છે. કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની વાત કરીએ તો કપડવંજ તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માટે શુક્રવાર સુધી ૨૯ ઉમેદવારોએ દાવેદારી કરી છે. તો કઠલાલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો માટે ૨૪ દાવેદારોએ ફોર્મ ભરી દીધા છે. એટલે બે તાલુકા પંચાયતની ૫૦ બેઠકો પરની સામાન્ય ચૂંટણી માટે અત્યાર સુધી ૫૩ ફોર્મ ભરાયા છે. જ્યારે મહેમદાવાદની મોદજ અને હલધરવાસ બેઠક પર પેટા ચૂંટણી હોવાથી તેમાં પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
ડાકોર પાલિકા માટે ૧૨૦માંથી ૮૫ અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું
ડાકોર નગરપાલિકાની ૨૮ બેઠકો માટેની ચૂંટણી અંગે કુલ ૧૨૦ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભાજપે મેન્ડેટથી જાહેર કરેલા ૨૮ ઉમેદવારો, કોંગ્રેસના ૭ અને અપક્ષના ૮૫ ઉમેદવારોએ નામાંકનપત્ર ભરી દાવેદારી નોંધાવી છે.
તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૩૦ અને ભાજપના એક ઉમેદવારે ફોર્મ ભર્યું
કઠલાલ અને કપડવંજની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવામાં કોંગ્રેસ અગ્રેસર રહી છે. કપડવંજમાં ૯ અને કઠલાલમાં ૨૧ ઉમેદવારોએ કોંગ્રેસના મેન્ડેટ સાથે ફોર્મ ભર્યા છે. જ્યારે કઠલાલમાં ભાજપ તરફથી એક ઉમેદવારે ફોર્મ ભર્યુ છે. હજુ આજે શનિવારે ફોર્મ ભરાઈ રહ્યા છે, જેથી આજે પણ બંને મુખ્ય પક્ષો તરફથી ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા હોવાની માહિતી મળી છે.
ત્રણ પાલિકામાં ભાજપના ૬૯ અને કોંગ્રેસના માત્ર પાંચ જ ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટીએ ખેડા, મહેમદાવાદ, ચકલાસી નગરપાલિકાઓની ચૂંટણી માટે મેન્ડેટ જાહેર કર્યા છે. જેમાં અત્યાર સુધી ખેડા નગરપાલિકામાં ભાજપના ૨૬, ચકલાસીમાં ૨૪, મહેમદાવાદમાં ૧૯ દાવેદારોએ ફોર્મ ભરી દીધા છે. જ્યારે ખેડા નગરપાલિકામાં કોંગ્રેસ તરફથી ૫ ઉમેદવારોએ દાવેદારી કરી છે. આ સિવાય પાંચ પાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ ૧૬૪ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.