ભાજપની ભાંજગડ વચ્ચે વડોદરા શહેર જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
Vadodara BJP : વડોદરા શહેર જિલ્લા ભાજપમાં ચાલતી ભાંજગડ વચ્ચે આજે પ્રમુખ પદના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વય મર્યાદાનો નિયમ હટાવી દેવામાં આવતા સિનિયર નેતાઓએ પણ આજે ફોર્મ ભર્યા હતા. જ્યારે હાલના પ્રમુખોએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.
વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી જૂથબંધી પરાકાષ્ઠાએ પહોંચી છે તેની વચ્ચે આજે સવારથી જિલ્લા ભાજપ કાર્યાલય અને વડોદરા શહેર કાર્યાલય ખાતે ચૂંટણી નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પ્રમુખ પદ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભાજપે 60 વર્ષની ઉંમર મર્યાદાનો નિયમ હતો તે હટાવી દેવામાં આવ્યો છે. જેથી સિનિયર કાર્યકર્તાઓ પણ પ્રમુખ પદ માટેના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે.
વડોદરા જિલ્લા અને શહેર કાર્યાલય ખાતે પ્રમુખ પદની પસંદગી માટે ઉમેદવારી પત્રો ભરવા માટે આગેવાનોનો જમાવડો જામ્યો હતો તેની સાથે સાથે કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. ઉમેદવારી પત્ર ભર્યા બાદ પ્રમુખ પદના દાવેદારો પાર્ટી જે નિર્ણય કરશે તે શિરોમાન્ય રહેશે તેમ જણાવતા હતા.
વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ સ્થાનિક આગેવાનો અને ચૂંટણી અધિકારીઓ વચ્ચે ચર્ચા થશે અને તમામ ઉમેદવારના ફોર્મ પ્રદેશ સમિતિ સમક્ષ મોકલી આપવામાં આવશે. જેથી નિરીક્ષકો કાર્યકર્તાઓના અભિપ્રાય માટે આવવાના નથી તેથી કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળતી હતી.
શહેર જિલ્લા ભાજપ પ્રમુખ માટે વડોદરાના પાર્લામેન્ટરી બોર્ડ સાથે ચૂંટણી અધિકારીઓ ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રદેશમાં તમામ ફોર્મ મોકલી આપશે અને ત્યારબાદ પ્રદેશ સમિતિ મળશે અને તેમાં દરેક જિલ્લા પ્રમાણે ત્રણ નામની પેનલ બનાવીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને રજુ કરશે ત્યારબાદ પ્રમુખના નામની જાહેરાત થશે તેમ જાણવા મળે છે.
જેમાં 12:30 વાગ્યા સુધી ફોર્મ લેવાની અને ભરવાની પ્રક્રિયા દરમિયાન 5 જેટલા ફોર્મ ઉપડ્યા હતા. આ વખતે વીજ પુરવઠો ખોરવાતા પ્રક્રિયા અડધો કલાક માટે લંબાવવામાં આવી હતી. બપોરે 1 વાગ્યા સુધીમાં 40 જેટલા ફોર્મ સ્વીકાર્યા હતા.
શહેર જિલ્લાના પ્રમુખ પદ માટે આગેવાનોએ ફોર્મ ભર્યા
વડોદરા શહેરના ભાજપના પ્રમુખ પદ માટે આજે સવારથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ હતી. જેમાં હાલના પ્રમુખ વિજય શહે પણ રીપીટ થવા દાવેદારી કરી હતી. આ ઉપરાંત પૂર્વ મેયર ભરત શાહ, સુનિલ સોલંકી, ડો.જીગીશાબેન શાહ શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મેહુલ ઝવેરી જીતેન્દ્ર પટેલ (લાલાભાઈ), રાકેશ પટેલ, પ્રદીપ જોશી, ગોપી તલાટી જીગર ઇનામદાર પૂર્વ યુવા મોરચાના પ્રમુખ કુણાલ પટેલ (કેપી)સહિત અગ્રણીઓએ ઉમેદવારી કરી છે.