Get The App

યુનિ.માં યુથ ફેસ્ટિવલ યોજવાનું પાંચ વર્ષથી બંધ કરી દેવાયું છે

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
યુનિ.માં યુથ ફેસ્ટિવલ યોજવાનું પાંચ વર્ષથી બંધ કરી દેવાયું છે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં હાલમાં વિવિધ ડેની ઉજવણી થઈ રહી છે. વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરાઈ રહ્યું છે.જોકે યુનિવર્સિટી સ્તરે યોજાતા યુથ ફેસ્ટિવલનું છેલ્લા પાંચ વર્ષથી આયોજન બંધ કરી દેવાયું હોવાથી વિદ્યાર્થીઓ પાસેથી તેમની પ્રતિભા દર્શાવવાનું  પ્લેટફોર્મ છીનવાઈ ગયું છે.

યુનિવર્સિટીમાં પહેલા વિદ્યાર્થી સંઘ દ્વારા યુથ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું અને આઠ થી દસ દિવસ સુધી ચાલતા યુથ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાતી હતી.સેંકડો વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેતા હતા.જોકે રાજ્ય સરકારે કોમન યુનિવર્સિટી એકટ લાવીને વિદ્યાર્થી સંઘોનો એકડો જ કાઢી નાંખ્યો હોવાથી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનું અસ્તિત્વ જ નથી રહ્યું.

જોેકે એમ.એસ.યુનિવર્સિટીમાં તો કોરોનાના કારણે ૨૦૨૦ અને ૨૦૨૧માં યુથ ફેસ્ટિવલ યોજાયો નહોતો અને તત્કાલિન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવને તો વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓમાં ઝાઝો રસ નહીં હોવાથી તેમના કાર્યકાળમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીની સાથે સાથે યુથ ફેસ્ટિવલનું આયોજન થયું નહોતુ.ગત વર્ષથી તો કોમન યુનિવર્સિટી એકટ લાગું થઈ ગયો હોવાથી વિદ્યાર્થી સંઘનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું  અને સત્તાધીશોને યુથ ફેસ્ટિવલ ભવિષ્યમાં પણ નહીં યોજવાનું બહાનું મળી ગયું છે.

જોકે તેના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઝોનલ, સ્ટેટ કે નેશનલ લેવલે યોજાતી ઈન્ટર યુનિવર્સિટી કલ્ચરલ ઈવેન્ટમાં ભાગ લેવાનો મોકો પણ મળી રહ્યો નથી.

યુનિયન નથી રહ્યું પરંતુ યુનિયન ફી લેવાનું યથાવત 

કોમન યુનિવર્સિટી એકટ આવ્યા બાદ વિદ્યાર્થી સંઘનું અસ્તિત્વ રહ્યું નથી પરંતુ યુનિવર્સિટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓ પાસેથી ૨૫ રુપિયા લેખે યુનિયન ફી લેવાની ચાલું રાખી છે.આ ફી એટલે લેવાય છે કે, તેમાંથી વિદ્યાર્થી સંઘની યુથ ફેસ્ટિવલ સહિતની પ્રવૃત્તિઓ થાય પરંતુ સત્તાધીશોને યુથ ફેસ્ટિવલ યોજવામાં રસ નથી પરંતુ વિદ્યાર્થીઓની ફીના પૈસામાં ચોક્કસથી રસ છે તેવુ સાબિત થઈ રહ્યું છે.યુનિવર્સિટીના પેવેલિયન ખાતે વિદ્યાર્થી સંઘની ઓફિસ હતી અને હવે તો વિદ્યાર્થી સંઘનું બોર્ડ પણ ઉતારી લેવાયું છે.



Google NewsGoogle News