ગુજરાતમાં 27 વર્ષથી કોઈ સરકારી મેડિકલ કોલેજ નથી બની, ખુદ સરકારે ગૃહમાં ખુલાસો કર્યો

ખુદ સરકાર જ મેડિકલ અભ્યાસમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે

ગુજરાત સરકારે છેલ્લાં એક જ વર્ષમાં ચાર ખાનગી મેડિકલ કોલેજને મંજૂરી આપી દીધી

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 27 વર્ષથી કોઈ સરકારી મેડિકલ કોલેજ નથી બની, ખુદ સરકારે ગૃહમાં ખુલાસો કર્યો 1 - image


Shortage of government medical colleges in Gujarat: ગુજરાતમાં વિકાસ થયો છે તેવી બૂમરાણ મચાવાઇ રહી છે ત્યારે ખુદ સરકારે જ વિધાનસભા ગૃહમાં એવો ખુલાસો કર્યો છેકે, વર્ષ 1995 પછી રાજ્ય સરકારે એકેય સરકારી મેડિકલ કોલેજ શરૂ કરી નથી. બીજી તરફ, ગુજરાત સરકારે છેલ્લાં એક જ વર્ષમાં ચાર ખાનગી મેડિકલ કોલેજને મંજૂરી આપી દીધી છે. આ પરથી સ્પષ્ટ થાય છેકે, ખુદ સરકાર જ મેડિકલ અભ્યાસમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે.

27 વર્ષથી કોઈ જ સરકારી મેડિકલ કોલેજ નથી બની

27 વર્ષનો સમય વિત્યા પછીય રાજ્ય સરકારે એકેય સરકારી મેડિકલ કોલેજ શરૂ કરી નથી. વિધાનસભા ગૃહમાં આરોગ્યમંત્રીએ કબૂલાત કરીકે, વર્ષ 1871માં બી.જે. મેડિકલ કોલેજ ( અમદાવાદ ), વર્ષ 1949માં  સરકારી મેડિકલ કોલેજ ( વડોદરા ), વર્ષ 1964માં સરકારી મેડિકલ કોલેજ ( સુરત ), વર્ષ 1954માં એમ.પી.શાહ મેડિકલ કોલેજ ( જામનગર), વર્ષ 1995માં   પીડીયુ મેડિકલ કોલેજ ( જામનગર ) અને વર્ષ 1995માં સરકારી મેડિકલ કોલેજ ( ભાવનગર )માં શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ એકેય સરકારી મેડિકલ કોલેજ શરૂ થઇ શકી નથી. આરોગ્ય વિભાગે એવો ય ખુલાસો કર્યોકે, છેલ્લાં બે વર્ષમાં એકેય સરકારી મેડિકલ કોલેજને મંજૂરી અપાઇ નથી. જયારે સરકારે ચાર ખાનગી મેડિકલ કોલેજને મંજૂરી આપી છે.

સરકારી મેડિકલ કોલેજમાં સ્નાતક અને અનુસ્નાતક બેઠકો ખૂબ ઓછી

આરોગ્ય વિભાગે એવુ ય કબૂલ્યું કે, હાલ સરકારી મેડિકલ કોલેજમાં કુલ મળીને 1400 સ્નાતક બેઠકો, 1329 અનુસ્નાતક બેઠકો છે.બીજી તરફ, ખાનગી મેડિકલ કોલેજોમાં 3500 સ્નાતક બેઠકો, 1318 અનુસ્નાતક બેઠકો છે. એમ કહી શકાયકે, સરકારી મેડિકલ કોલેજ કરતાં ખાનગી મેડિકલ કોલેજમાં બેઠકોનું પ્રમાણ વધુ છે. સરકાર ખુદ ખાનગી મેડિકલ કોલેજને પ્રોત્સાહન આપી રહી છે તેવુ ચિત્ર ઉપસ્યુ છે. વિધાનસભા ગૃહમાં મેડિકલ કોલેજોના ફીને લઇને વિપક્ષે સવાલ ઉભા કર્યા ત્યારે આરોગ્ય મંત્રીએ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ અપાય છે તેમ કહીને વાત ટાળવા પ્રયાસ કર્યો હતો. જોકે, સરકારી મેડિકલ કોલેજમાં સ્નાતકની વાર્ષિક ફી રૂ.25 હજાર,અનુસ્નાતકની ફી રૂ.30 હજાર હોય છે. આ તરફ, ખાનગી મેડિકલ કોલેજમાં સ્નાતક-અનુસ્નાતકની ફીનું ધોરણ રૂ. 6 લાખથી માંડીને રૂ.18 લાખ સુધી હોય છે. 

ગુજરાતમાં 27 વર્ષથી કોઈ સરકારી મેડિકલ કોલેજ નથી બની, ખુદ સરકારે ગૃહમાં ખુલાસો કર્યો 2 - image


Google NewsGoogle News