રાજકોટમાં ગણેશ ચતુર્થીને લઇને નિયમો જાહેર: મૂર્તિની ઉંચાઈનો ઉલ્લેખ નહી, વિસર્જન પૂર્વે શણગાર દૂર કરવો ફરજીયાત
Ganesh Mahotsav 2024 : 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસથી 17 સપ્ટેમ્બર સુધી 11 દિવસ સૌરાષ્ટ્રમાં આશરે પાંચ હજારથી વધુ સ્થળે જાહેર ગણેશોત્સવ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે આજે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝાએ આ અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. છેલ્લા દિવસોમાં જાહેર થયેલા આ જાહેરનામામાં અગાઉની જેમ મૂર્તિની ઉંચાઈ માટે કે P.O.P ની પ્રતિમા અંગે કોઈ ચોખવટ કરાઈ નથી પરંતુ, વિસર્જન પૂર્વે હાર,ફૂલ,વસ્ત્રો, શણગાર વગેરે દૂર કરવા તેમજ સિન્થેટીક લાઈનર વાપરવા સહિતના નિયમો મુકવામાં આવ્યા છે.
7 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલ રાત્રિના 12 વાગ્યાથી તા. 18ની રાત્રિના 12 સુધી અમલમાં રહેનાર આ જાહેરનામા મુજબ (1) ગણેશ વિસર્જનના સરઘસ માટે પૂર્વ મંજુરી લેવાની રહેશે. (2) આજી ડેમ ઓવરફ્લો પાસે 3, પાળ ગામ પાસે ન્યારાના પાટિયા પાસે, વાગુદડના પાટિયા પછીના પૂલ નીચે કાલાવડ રોડ, આજી ડેમ પાસે રવિવારી બજારવાળુ ગ્રાઉન્ડ એમ 7 સ્થળો પૈકીના કોઈ સ્થળે જ વિસર્જન થઈ શકશે. (3) વિસર્જનની જગ્યાએ તળાવો,ખાણ,નદીમાં સિન્થેટીક લાઈનર (કપડું) ગોઠવવાનું રહેશે અને વિસર્જનના 48 કલાક (બે દિવસ) બાદ બહાર કાઢવાનું રહેશે તથા ફટકડી નાંખવાની રહેશે. (4) વિસર્જન યાત્રા દરમિયાન આવતા જતા રાહદારીઓ,લોકો પર રંગ છાંટી શકાશે નહીં.
(5) ગણેશોત્સવ સ્થળે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણનું ધ્યાન રાખવાનું રહેશે, અર્થાત્ ઘોંઘાટ પર પ્રતિબંધ અથવા અવાજ ધીમો રાખવાનો રહેશે. (6) ગણેશ વિસર્જન બાદ એક દિવસ કરતા વધુ સમય મંડપ રાખી શકાશે નહીં. (7) વિસર્જીત થયેલી મૂર્તિને કોઈ પણ ઈસમો દ્વારા બહાર કાઢી શકાશે નહીં ( 8) ધાર્મિક લાગણી, સદભાવના જળવાય અને જાહેરમાર્ગ પર ટ્રાફિકને અડચણ ન થાય તેનું ધ્યાન રાખવાનું વગેરે નિયમો જાહેર કરાયા છે.